સાણંદના વિંછીયામાં પિતાએ 10 વર્ષના પુત્રની બલિ ચઢાવી!

સાણંદના વિંછીયા ગામમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક કિસ્સો! ભૂવા બનવા બાબતની અંધશ્રદ્ધામાં પિતાએ જ 10 વર્ષના પુત્રની હત્યા કરી. આખી રાત પાસે સૂઈ રહ્યો.
સાણંદના વિંછીયામાં પિતાએ 10 વર્ષના પુત્રની બલિ ચઢાવી!
પ્રતિકાત્મક તસવીર

સાણંદ તાલુકાના વિંછીયા ગામમાંથી માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની અંધશ્રદ્ધામાં એક પિતાએ પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી પિતાએ પોતાના પુત્રને માતાજીની દેરી પાસે લઈ જઈ બંને પગેથી પકડીને જમીન પર પછાડ્યો હતો અને ત્યારબાદ માથામાં લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા બાદ પણ પિતાને જાણે કોઈ અફસોસ ન હોય તેમ તે પુત્રના મૃતદેહની બાજુમાં જ ખાટલા પર સૂઈ રહ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. આ મામલે મૃતક બાળકની માતાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

પતિ સાથેના ઝઘડા બાદ માતા પિયર જતી રહી હતી

ઘટનાની વિગતો મુજબ, વિંછીયા ગામમાં રહેતાં 37 વર્ષીય ભારતીબેન પટેલના લગ્ન નરેશ પટેલ સાથે થયાં હતાં. દંપતીને એકનો એક પુત્ર કરણ હતો, જેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. આશરે 10 દિવસ અગાઉ ભારતીબેન અને તેમના પતિ નરેશ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેન સાથે મારામારી કરતાં તેઓ કંટાળીને ઘર છોડીને પોતાના પિયર જતાં રહ્યાં હતાં.
જોકે, દંપતીના એકના એક પુત્ર કરણની પરીક્ષા નજીક હોવાથી તેને પિતા નરેશ પાસે જ રાખવામાં આવ્યો હતો. માતા પિયર જતાં કરણ પિતા સાથે ઘરે જ રહેતો હતો. પરંતુ માતાને ક્યાં ખબર હતી કે જે પિતા પાસે તેઓ પોતાના દીકરાને મૂકીને ગયાં છે, તે જ પિતા તેના માટે કાળ બની જશે.

પાડોશીના એક ફોનથી માતા દોડી આવી

દરમિયાન 1 નવેમ્બરની સાંજે ભારતીબેનને પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ તેમને જાણ કરી હતી કે તેમના પતિ નરેશે દીકરા કરણને લાકડીથી માર માર્યો છે. આ સમાચાર સાંભળતાં જ ભારતીબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ પરિવારજનોને સાથે લઈને તાત્કાલિક વિંછીયા ગામે પોતાના ઘરે દોડી આવ્યાં હતાં.

રાત્રે આશરે 9 વાગ્યે ભારતીબેન ઘરે પહોંચ્યાં ત્યારે ઘરમાં ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. માતાજીની દેરી પાસે આવેલા એક ખાટલામાં તેમનો 10 વર્ષનો પુત્ર કરણ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને તેની નજીકના બીજા ખાટલા પર પતિ નરેશ લોહીવાળાં કપડાં સાથે સૂતો હતો.

પોતાના વહાલસોયા દીકરાની આવી હાલત જોઈ માતા હેબતાઈ ગયાં હતાં. તેમણે પતિને દીકરા સાથે શું થયું તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે નરેશે જે હકીકત જણાવી તે સાંભળીને પરિવારજનોના હોશ ઊડી ગયા હતા.

‘પહેલાં દાદા ભૂવા હતા, પછી હું બન્યો, હવે કોઈ નહીં બને’

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, નરેશે પોતાની કબૂલાતમાં ભૂવા બનવા સાથે જોડાયેલી અંધશ્રદ્ધાની વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના મૃત્યુ કે પછીની પરંપરા બાદ તે પોતે ભૂવો બન્યો હતો. હવે પોતાના પછી ઘરમાં કોઈ ભૂવો ન બને તે માન્યતામાં તેણે પોતાના જ પુત્ર કરણની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ

નરેશે કરણને બંને પગેથી પકડીને માતાજીની દેરી આગળ બે-ત્રણ વખત પછાડ્યો હતો. ત્યારબાદ તેના માથામાં લાકડીના ફટકા મારી દીધા હતા. આ હુમલામાં 10 વર્ષના કરણનું મોત થયું હતું. આરોપી પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ખાટલા પર મૂક્યો હતો અને તેની બાજુમાં જ બીજા ખાટલા પર સૂઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની વિગતો સામે આવતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

માતાની ફરિયાદના આધારે પિતા સામે હત્યાનો ગુનો

ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ તાત્કાલિક વિંછીયા ગામે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે મૃતક કરણની માતા ભારતીબેન પટેલની ફરિયાદના આધારે પોલીસે પિતા નરેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અંધશ્રદ્ધાએ છીનવ્યું માસૂમનું જીવન

સામાન્ય રીતે બાળક માટે પિતા સુરક્ષા અને હૂંફનું પ્રતીક હોય છે, પરંતુ વિંછીયા ગામની આ ઘટનામાં પિતા જ પોતાના 10 વર્ષના પુત્રના મોતનું કારણ બન્યો હોવાનો આરોપ છે. ભૂવા બનવા અને પરિવારની માન્યતા સાથે જોડાયેલી અંધશ્રદ્ધામાં એક માસૂમનો ભોગ લેવાયો છે. પરીક્ષાની તૈયારી કરી રહેલા કરણને માતાએ પિતા પાસે મૂક્યો હતો, પરંતુ હવે તે ક્યારેય માતા પાસે પરત નહીં ફરે. આ ઘટનાએ સમગ્ર સાણંદ પંથકમાં ચકચાર મચાવી છે. હાલ પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ અને ઘટનાની વિગતોના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ બે દલિત બાળકોની બલિ ચઢાવી દેનાર તાંત્રિક આઝાદ ફરે છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x