દલિત સમાજના લોકોની જાણે જાતિવાદી ગુંડાઓ માટે કોઈ કિંમત જ ન હોય તેમ નજીવી બાબતે હત્યા કરતા ખચકાતા નથી. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકની માત્ર એટલા માટે હત્યા કરી દેવામાં આવી, કારણ કે તેણે દુકાનદારે એક્સ્ટ્રા છોલે માંગ્યા હતા.
મામલો દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારનો છે. અહીં એક દલિત યુવક પોતાના બાળકો માટે છોલે ભટૂરે ખરીદવા ગયો હતો. તેણે દુકાનદાર પાસે માત્ર એક્સ્ટ્રા છોલે માંગ્યા હતા, પરંતુ આટલી સામાન્ય વાતથી નારાજ દુકાનદારે યુવક પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. દુકાનદારે યુવક પર ત્યાં સુધી સતત ચાકુના ઘા ઝીંક્યા જ્યાં સુધી તેનું મોત ન થયું. પહેલાના સમયમાં દલિતો પર અન્ય લોકો સાથે બેસવા કે ઊભા રહેવા જેવી બાબતો પર અત્યાચાર થતા હતા, પરંતુ હવે સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કોઈ યુવક દુકાન પર એક્સ્ટ્રા સામાન માંગી લે તો સામાન આપવાને બદલે તેની હત્યા જ કરી દેવામાં આવે છે.

મામલો શું બન્યો હતો
આ સમગ્ર મામલો દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારનો છે. 25 ઓક્ટોબરના રોજ સંદીપ વાલ્મિકી નામનો દલિત યુવક, જે વ્યવસાયે ડ્રાઈવર હતો, તે પોતાના બાળકો માટે જ્વાલાપુરી નાળા પાસે આવેલી ચિન્ટુ ગુપ્તાની છોલે ભટૂરેની દુકાને નાસ્તો લેવા ગયો હતો. નાસ્તો પેક કરાવતી વખતે સંદીપ વાલ્મિકી માત્ર થોડા વધારાના છોલે આપવાનું કહ્યું હતું. આટલી જ વાતમાં દુકાનદાર ચિન્ટુ ગુપ્તા ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
ઝઘડો વધતાં દુકાનદારે ચાકુથી હુમલો કર્યો
જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સામાં ચિન્ટુ ગુપ્તાએ ચાકુ કાઢીને સંદીપ વાલ્મિકી પર એક પછી એક અનેક ઘા ઝીંકી દીધા હતા. હુમલાને કારણે સંદીપ ગંભીર રીતે ઘવાયેલો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેની નાજુક સ્થિતિને જોતા બાદમાં તેને મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
આ પણ વાંચોઃ દલિત યુવકની રાજપૂતોએ જાહેરમાં હત્યા કરી, પરિવારનો કલ્પાંત
दिल्ली में छोले मांगने पर संदीप वाल्मीकि की हत्या,
दिल्ली ने निहाल विहार में 35 वर्षीय ड्राइवर संदीप वाल्मीकि की सिर्फ इसलिए चाकू से गोदकर हत्या कर दी गई, क्योंकि उन्होंने खाने में थोड़ा अतिरिक्त छोले मांग लिए थे,
@gupta_rekha भीम आर्मी दिल्ली द्वारा दुकानदार चिंटू गुप्ता और उसके गुर्गों पर त्वरित एवं कड़ी कार्रवाई की मांग करते हुए मृतक परिजनों के लिए 1 करोड़ रुपए का आर्थिक सहयोग की सरकार से मांग की है,
मृतक के पिता ने बता रहे हैं कि @DelhiPolice दिल्ली पुलिस परिवार के साथ पक्षपात कर रही है। यह और भी ज्यादा भयावह है, आखिर एक इंसान की जान इतनी सस्ती कैसे हो सकती है? #DalitLivesMatter
@HimanshuValmi13 @AzadSamajParty
— Sunil Astay (@SunilAstay) October 30, 2026
પોલીસ કામગીરી સામે પીડિત પરિવારના ગંભીર આક્ષેપો
આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી ચિન્ટુ ગુપ્તાની ધરપકડ કરી લીધી છે. પરંતુ મૃતક સંદીપના પિતાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે ખુલાસો કર્યો છે કે સંદીપની હત્યામાં ચિન્ટુ ગુપ્તા સિવાય અન્ય 4 લોકો પણ સામેલ હતા, પરંતુ પોલીસે માત્ર એક જ આરોપી ચિન્ટુ ગુપ્તાની ધરપકડ કરી છે. મૃતકના પિતાના જણાવ્યા મુજબ, માત્ર એક્સ્ટ્રા છોલે માંગવાના કારણે ચિન્ટુ ગુપ્તાએ સંદીપ સાથે ગંદી ગાળાગાળી કરી હતી, જેનાથી વિવાદ વધ્યો હતો. પિતાએ પોલીસ પર ભારે બેદરકારી દાખવવાનો અને સમગ્ર કેસની દિશા બદલવાનો પ્રયાસ કરવાનો સીધો આક્ષેપ લગાવ્યો છે.

દલિત સમાજમાં ભારે રોષ અને તપાસની માંગ
શાળા અને જાહેર સ્થળોએ દલિતો પ્રત્યેની માનસિકતા અને આવા સામાન્ય કારણોસર થતી હિંસા સામે સ્થાનિકો અને દલિત સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ આ મામલે આગળની કાનૂની તપાસ કરી રહી હોવાનું કહી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પીડિત પરિવારના દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે અને શું ખરેખર આ ઘટના પાછળ માત્ર એક્સ્ટ્રા છોલે માંગવાનો જ વિવાદ હતો કે પછી કોઈ અન્ય વૈમનસ્ય કે જાતીય વિવાદ છુપાયેલો છે.
આ પણ વાંચોઃ દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા હત્યા











