ગુજરાતમાં દારૂબંધીનો ડોળ! નબીરાઓ સામે પોલીસ કેમ ચૂપ?

ગુજરાતમાં દારૂબંધી મામલે ગરીબ દારૂડિયા સામે સિંઘમ બનતી પોલીસ રાજકોટની સરાઝા હોટેલની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં મૌન કેમ?
ગુજરાતમાં દારૂબંધી

ગુજરાતમાં દારૂબંધીના અમલ મામલે ખુદ પોલીસ જ જાણે વિલનની ભૂમિકામાં હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીએ ગુજરાતની દારૂબંધી અને પોલીસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. 31 ઓક્ટોબરની મધરાતે યોજાયેલી આ પાર્ટીમાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને માલેતુજારોનાં સંતાનો સહિત 76 લોકો સામેલ હોવાની વિગતો સામે આવી છે.

ઝોન-2 LCBની રેડ બાદ 38 લોકો સામે દારૂનો કેસ નોંધાયો હતો. 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જોકે, આ કેસમાં પોલીસની કામગીરી કરતાં વધુ ચર્ચા આરોપીઓ સાથેના વ્યવહાર અને પોલીસ સ્ટેશનમાંથી તેમની વિદાયની થઈ રહી છે. જામીન મળ્યા બાદ કેટલાક નબીરાઓ મોઢું સંતાડીને પોલીસ સ્ટેશનના પાછળના ગેટથી ભાગતા જોવા મળ્યા હતા. સવાલ એ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર ગરીબ અને સામાન્ય માણસો માટે જ છે કે પછી માલેતુજારો માટે પણ તેનું સમાન અમલીકરણ થશે?

ગરીબ દારૂડિયા સામે સિંઘમ, નબીરાઓ સામે મૌન!

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલની વાત આવે ત્યારે પોલીસની કામગીરીમાં બેવડા ધોરણોની ફરિયાદો વારંવાર સામે આવતી રહે છે. સામાન્ય ગરીબ માણસ દેશી દારૂ સાથે પકડાય તો પોલીસ તેની ધરપકડથી લઈને મુદ્દામાલ જપ્ત કરવા સુધીની કામગીરીના વીડિયો અને રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર મૂકે છે. જાણે કોઈ મોટું ઓપરેશન પાર પાડ્યું હોય તેમ પોતાની બહાદુરીના ગુણગાન જાતે જ ગાય છે. પરંતુ જ્યારે વાત ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને માલેતુજારોનાં સંતાનોની આવે ત્યારે એ જ પોલીસની કામગીરીમાં રહસ્યમય કેમ જોવા મળે છે?

આ પણ વાંચો: NEET વંચિતોનો ડોક્ટર બનવાનો અધિકાર છીનવે છે, રદ કરો: વેટ્રીમારન

રાજકોટની સરાઝા હોટેલનો કિસ્સો આ સવાલને વધુ ગંભીર બનાવે છે. અહીં 76 લોકોની હાજરીમાં હાઈપ્રોફાઈલ પાર્ટી યોજાઈ હોવાની વિગતો સામે આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓના ફોટા અને વીડિયો જાહેર કરવામાં આવ્યા નથી. સામાન્ય કેસોમાં આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતી પોલીસ અહીં કેમ સંકોચ અનુભવે છે? કાયદાની નજરે બધા સમાન હોય તો પછી આ ભેદભાવ શા માટે?

76 લોકો પકડાયા, 38 સામે ફરિયાદ

મળતી વિગતો મુજબ, ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી 12 નવેમ્બરે જન્મદિવસ હોવાથી અગાઉથી જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરની મધરાતે સરાઝા હોટેલમાં યોજાયેલી આ પાર્ટીમાં આશરે 30 જેટલાં દંપતી સહિત કુલ 76 લોકો હાજર હતા.
ઝોન-2 LCBએ દરોડો પાડ્યા બાદ 43 પુરુષો અને 33 મહિલાઓને પકડ્યાં હતાં. પોલીસે 92થી વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાર્ટીના 35 જેટલા આયોજકો અને મહેમાનો સહિત હોટેલના 3 સ્ટાફ મળી કુલ 38 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

અહીં સવાલ એ પણ છે કે પાર્ટીમાં હાજર 76 લોકો અને ફરિયાદમાં આરોપી બનાવાયેલા 38 લોકો વચ્ચેનો તફાવત શું છે? કોની સામે કયા પુરાવા મળ્યા અને કોના આધારે કાર્યવાહી કરવામાં આવી? પોલીસ આ અંગે સ્પષ્ટતા કરે તે જરૂરી છે.

આ પણ વાંચો: ‘કામ માંગીએ તો લોકો અમે ગાય કાપતાં હોઈએ તેમ જુએ છે’

પોલીસ સ્ટેશનમાંથી મોઢું સંતાડીને ભાગ્યા નબીરાઓ

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા પોલીસ સ્ટેશનની બહાર જોવા મળેલાં દૃશ્યોની થઈ રહી છે. આરોપીઓ જામીન માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે જામીન મળ્યા બાદ કેટલાક નબીરાઓ મોઢું સંતાડીને પોલીસ સ્ટેશનના પાછળના ગેટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. મીડિયાના સવાલોના જવાબ આપવાને બદલે તમામે ચૂપકીદી સાધી હતી.

આરોપીઓના આવા દૃશ્યો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી અને તેમની સાથે રાખવામાં આવેલા વ્યવહાર અંગે સવાલો ઊભા થયા છે. સામાન્ય આરોપીઓના ફોટા અને વીડિયો જાહેર કરવામાં ઉત્સાહ દાખવતી પોલીસ આ કેસમાં કેમ પાછળ રહી? શું હાઈપ્રોફાઈલ આરોપીઓ માટે પોલીસની અલગ વ્યવસ્થા હોય છે?

મીડિયાકર્મીઓ સાથે ધક્કામૂક્કી

આ કેસમાં પોલીસની કામગીરી અંગે મીડિયાકર્મીઓએ સવાલો પૂછ્યા ત્યારે તેમની સાથે ધક્કામૂક્કી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. સામાન્ય માણસના કેસમાં પોલીસ મીડિયા સમક્ષ પોતાની કામગીરીની વિગતો આપતી હોય છે, પરંતુ અહીં આરોપીઓના ફોટા કે વીડિયો જાહેર ન થતાં પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

આ પણ વાંચો: ‘અમે કુંનબી પાટીલ છીએ, તમે અમારું શું કરી લેવાના..’

મીડિયા સવાલ પૂછે તે લોકશાહીમાં તેની ફરજનો ભાગ છે. પોલીસની કામગીરી અંગે સવાલો પૂછવામાં આવે ત્યારે જવાબ આપવાને બદલે ધક્કામૂક્કી થતી હોવાની ઘટના પણ ગંભીર છે.

પોશ કાર્સનો કાફલો, માલિકો કોણ?

દારૂ પાર્ટી દરમિયાન હોટેલના પાર્કિંગમાં લક્ઝુરિયસ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. એન્ડેવર, વોલ્વો, મર્સિડિઝ, હેરિયર સહિતની મોંઘીદાટ કાર પાર્કિંગમાં ઊભી હતી. આ ઉપરાંત વિયેતનામની ઇલેક્ટ્રિક કાર કંપની વિનફાસ્ટની VF7 મોડલની કાર પણ જોવા મળી હતી. આ કારોના માલિકો કોણ છે અને પાર્ટીમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

મહિલાઓએ ટેબલ-ખુરશીનાં કવરથી મોઢાં ઢાંક્યાં

પોલીસ દ્વારા 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓએ ઓળખ છુપાવવા માટે ટેબલ અને ખુરશીનાં કવર મોઢા પર બાંધ્યાં હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દૃશ્યોએ સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવ્યો છે.

આ પણ વાંચો:  દલિત યુવકને સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખે ઢોર માર માર્યો!

દારૂબંધીના અમલમાં પારદર્શિતા ક્યારે આવશે?

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તો તેનો અમલ પણ દરેક નાગરિક માટે એકસરખો થવો જોઈએ. ગરીબ વ્યક્તિ સામે કડકાઈ અને માલેતુજારો સામે નરમાઈ હોવાની છાપ ઊભી થાય તે પોલીસતંત્ર માટે યોગ્ય નથી. સરાઝા હોટેલના કિસ્સામાં પોલીસની કામગીરી, 76 લોકોની હાજરી, 38 સામે નોંધાયેલી ફરિયાદ, જામીનની પ્રક્રિયા અને મીડિયાકર્મીઓ સાથે થયેલી ધક્કામૂક્કી સહિતના તમામ મુદ્દે સ્પષ્ટતા જરૂરી છે.

શું આ કેસમાં તમામ આરોપીઓ સામે પુરાવાના આધારે સમાન કાર્યવાહી થઈ છે? શું પોલીસ તમામ વિગતો જાહેર કરશે? અને સૌથી મોટો સવાલ, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખરેખર સૌને સમાન રીતે લાગુ પડે છે કે પછી પૈસાદાર અને વગદાર લોકો માટે અલગ જ વ્યવસ્થા છે? સરાઝા હોટેલની દારૂ પાર્ટીએ ફરી એકવાર ગુજરાત પોલીસ અને દારૂબંધીના અમલ સામે આ સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ‘દૈનિક જાગરણ’ અને RSS ની વિચારધારા એક છેઃ સંજય ગુપ્તા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x