ગુજરાતમાં એકબાજુ સરકાર આંગણવાડીના બાળકોને કુપોષણથી બચાવવા અને તેમને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવા માટે બજેટ ફાળવે છે, પરંતુ અધિકારીઓ તેનો યોગ્ય ઉપયોગ ન કરતા હોવાથી બાળકો સુધી આ સુવિધાઓનો લાભ પહોંચી શકતો નથી. હાલમાં જ ભારત સરકારના ઓડિટે ગુજરાતની બાળ વિકાસ યોજનાઓમાં ભીષણ નાણાકીય અનિયમિતતાઓ અને સંપૂર્ણ લાપરવાહીનો ઘટસ્ફોટ કર્યો છે.
રિપોર્ટ મુજબ ગુજરાતમાં આંગણવાડીના બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે ફાળવાયેલા 242.39 કરોડ રૂપિયાનો અધિકારીઓએ ઉપયોગ જ ન કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતાઓમાં જ પડ્યા રહ્યા હતા.

ઓડિટરે ૭ જિલ્લા અને ૧૨ તાલુકાનો નમૂનામાં સમાવેશ કર્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગના કામો હજી બાકી છે અને આંગણવાડીઓ હજુ પણ જર્જરિત સ્થિતિમાં છે. તેનાથી પણ ગંભીર બાબત એ છે કે મહિલા અને બાળ વિકાસ (WCD) વિભાગે કેન્દ્ર સરકારને ખોટા ઉપયોગ પ્રમાણપત્રો (UCs) આપ્યા હતા. વિભાગે 69.73 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયાનો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવિકતામાં આ પૈસા ફક્ત ખાતાઓમાં ‘પાર્ક’ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ચાંદખેડામાં દલિતોની સોસાયટીઓમાં 3 મહિનાથી પાણી આવતું નથી

જર્જરિત મકાન અને નકામી સુવિધાઓ ઓડિટમાં જણાયું છે કે રાજ્યની 53,029 આંગણવાડી કેન્દ્રોમાંથી 8,452 કેન્દ્રોની હાલત ખરાબ છે. 3,381 કેન્દ્રો હંગામી મકાનમાં ચાલે છે, જેમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે. 3.82 કરોડ રૂપિયાના ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ વગર જ નકામા પડ્યા છે.
બિનઉપયોગી રકમનો મોટો ભાગ 7 જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ (DPOs) અને 12 તાલુકા વિકાસ અધિકારીઓ (TDOs) પાસે જમા હતો. આ અધિકારીઓએ દર વર્ષે નવા બજેટની માંગ કરતી વખતે ગયા વર્ષના બાકી રહેલા ભંડોળની જાણકારી આપી નહોતી, જેથી ભંડોળની આ ગેરવ્યવસ્થા ચાલુ રહી.
ક્યા જિલ્લામાં કેટલા કરોડ વાપર્યા વિના પડી રહ્યાં
મોરબી 4.05
પંચમહાલ 9.27
રાજકોટ (રૂ) 1.00
રાજકોટ (અ) 7.75
સાબરકાંઠા 119.50
તાપી 5.59
વલસાડ 17.99
મંડલ 3.27
વિરમગામ 4.01
ઘોઘંમ્બા 15.38
ગાંધીનગર 3.08
નીજર 9.77
ઉચ્છલ 6.71
ધરમપુર 7.79
પારડી 6.27
વલસાડ-3 11.07
ધોરાજી 6.01
જસદણ 3.21
ટંકારા 0.73
(આંકડાઓ કેન્દ્ર સરકારના ઓડિટમાં સામે આવ્યા મુજબ)
આ પણ વાંચો: આદિવાસી યુવકના માથે તગારું હતું ને ફોન આવ્યો- ‘તેં NEET પાસ કરી લીધી’










