ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી શિક્ષણ જગતને શરમસાર કરતી અને મનુવાદી તથા જાતિવાદી માનસિકતાનો પર્દાફાશ કરતી ગંભીર ઘટના સામે આવી છે. રામપુર થરિયાંવ સ્થિત કસ્તૂરબા ગાંધી બાલિકા આવાસીય વિદ્યાલય (KGBV) માં ભણતી દલિત સમાજની માસુમ બાળાઓ સાથે શાળાના મનુવાદી શિક્ષકો દ્વારા જાતિસૂચક અપશબ્દો કહેવા, પૂરતું ભોજન ન આપવું અને તેમની પાસે સફાઈ કામ કરાવવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે.
શાળાઓમાં જ્યારે વિકૃતિથી ભરેલા શિક્ષકો અને સંચાલકો દલિત વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ કચડી નાખવાનો પ્રયાસ કરે, ત્યારે તે માત્ર કાયદાનો ભંગ નથી પરંતુ સામાજિક ગુનો છે. આ મામલે પીડિત પરિવારે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કચેરી પહોંચી ન્યાયની ગુહાર લગાવી છે.

ભોજનની ગુણવત્તા સામે અવાજ ઉઠાવવાની સજા
મળતી વિગતો મુજબ, અસોથર તાલુકાના સતો ગામના રહેવાસી ગીતા દેવીના દિવંગત પુત્ર પ્રીતમની બે દીકરીઓ કિરણ અને કશિશ તથા અન્ય એક વિદ્યાર્થીની અંજલિ રામપુર થરિયાંવ સ્થિત KGBV માં અભ્યાસ કરે છે. અગાઉ શાળામાં અપાતા ભોજનની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાના કારણે વાલીઓએ શિક્ષણ વિભાગમાં સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ તપાસ પણ થઈ હતી, પરંતુ સુધારાને બદલે શાળા તંત્રે પોતાની ભૂલો છુપાવવા માટે દલિત વિદ્યાર્થીનીઓ પ્રત્યે અદાવત રાખવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: CJP ના આંદોલને વિખરાયેલા વિપક્ષને આપી તક, સરકાર ટેન્શનમાં?
જ્યારે આ બાળાઓ ભૂખ લાગે ત્યારે ભોજન માંગતી, તો તેમને શાળામાંથી હાંકી કાઢવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આટલું જ નહીં, જો બાળાઓ આ અમાનવીય વર્તનનો વિરોધ કરતી તો મોટી વિદ્યાર્થીનીઓ મારફતે તેમને માર મારવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે.
‘તમે DM નહીં બનો…’ – માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ
આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચિંતાજનક અને શરમજનક પાસું મનુવાદી શિક્ષકો દ્વારા કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણી છે. દલિત સમાજમાંથી આવતી બાળાઓ શિક્ષણ મેળવીને આગળ વધે તે સહન ન કરી શકનારા માનસિક રીતે પછાત તત્વોએ છાત્રાઓને કહ્યું કે, “ભણી-ગણીને તમે કોઈ DM નહીં બની જાઓ, તમારી જ્ઞાતિનું કામ જ સફાઈ કરવાનું છે અને તમારે સફાઈ જ કરવાની છે.”

આ પ્રકારના શબ્દો માત્ર બાળાઓનું અપમાન નથી, પરંતુ તેમના નાજુક માનસ પર આજીવન રહી જાય તેવો આઘાત છે. દલિત બાળકો ભણી-ગણીને આગળ વધે, પોતાના હક સમજે અને સમાજમાં સન્માનપૂર્વક જીવે તે બાબત જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોથી સહન થતી નથી. બાળાઓની પ્રતિભા અને આત્મવિશ્વાસને બાળપણમાં જ હણી નાખવા માટે આવા જાતિવાદી શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: રાપરમાં કુલર બદલવા બાબતે દુકાનદારે દલિત મહિલાને થપ્પડો મારી
શિક્ષણના બદલે હાથમાં પકડાવી દીધું ઝાડૂ-પોતા
ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની બાળાઓને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી સરકારે કસ્તૂરબા ગાંધી બાલિકા આવાસીય શાળાઓની સ્થાપના કરી છે. પરંતુ, અહીં શિક્ષણ આપવાને બદલે દલિત બાળાઓ પાસે શાળાનું કચરા-પોતા અને અહીં સુધી કે બાથરૂમ પણ સાફ કરાવવામાં આવતા હતા.
સરકારી નાણાં પર નભતા અને માનવતા ભૂલેલા આવા શિક્ષકો પોતે શિક્ષણ આપવાની ફરજ ભૂલીને બાળાઓને શોષણનું સાધન બનાવી રહ્યા છે. બાળકીઓ જે ઉંમરે પુસ્તકો પકડીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવાના સપના જુએ છે, તે જ ઉંમરે તેમના હાથમાં બળજબરીથી ઝાડૂ પકડાવી દેવામાં આવે છે.
આ પણ વાંચો: PM મોદીના મત વિસ્તારમાં વણકરો બેહાલ: 10 વર્ષમાં 80% ઘટ્યા
DM કચેરીએ પહોંચ્યો પરિવાર, કાર્યવાહીની માંગ
સોમવારના રોજ પીડિત બાળાઓ સાથે તેમનો પરિવાર જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કચેરી ખાતે પહોંચ્યો હતો. ગીતા દેવી અને અન્ય વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર સોંપીને સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. વાલીઓએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવા માટે શાળાએ ગઈ છે, નહીં કે અપમાન અને આતંક સહન કરવા.
સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય સ્થાપિત કરવો હોય તો શાળા જેવા સ્થળોએથી આવી જાતિવાદી અને મનુવાદી માનસિકતાને જડમૂળથી ઉખાડી ફેંકવી પડશે. જો તપાસમાં આ આક્ષેપો સાચા સાબિત થાય, તો માત્ર સસ્પેન્શન નહીં પરંતુ દોષિત શિક્ષકો અને કર્મચારીઓ સામે SC/ST Act હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ શિક્ષક દલિત વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ છીનવવાની હિંમત ન કરે.
આ પણ વાંચો: “હું દલિત છું એટલે મંચનું શુદ્ધિકરણ કરી અપમાન કર્યું”- ખડગે











