ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાંથી સત્તાના અહંકારને છતો કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. મનીષાબેન વકીલને સામાજિક પ્રશ્નો અંગે રજૂઆત કરવા પહોંચેલા જાણીતા સામાજિક કાર્યકર્તા અને મહિલા અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીને સચિવાલયમાં પ્રવેશ માટેનો ગેટ પાસ આપવાનો સીધો ઇનકાર કરી દેવાયો હતો.
એટલું જ નહીં, સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને “બ્લેકલિસ્ટ” કરવામાં આવ્યા હોવાનું જણાવીને સચિવાલયના દરવાજેથી જ પાછા કાઢી મુકવામાં આવ્યા હતા. જે વિભાગનું કામ જ વંચિતો, પીડિતો અને નાગરિકોને સામાજિક ન્યાય આપવાનું છે, તે જ વિભાગના મંત્રીના દ્વારેથી એક દલિત મહિલા કાર્યકર્તાને અપમાનિત કરીને પાછા કાઢવામાં આવે તે લોકશાહી મૂલ્યોની ઘોર ઉપેક્ષા દર્શાવે છે.

મંત્રી ડૉ. મનીષા વકીલની કામગીરી સામે ગંભીર સવાલો
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. મનીષાબેન વકીલ સામે હવે આકરા પ્રહારો થઈ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર સામાજિક સમરસતા, મહિલા સશક્તિકરણ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ની ગુલાબી વાતો કરે છે, તો બીજી તરફ પોતાની જ ન્યાયી રજૂઆતો લઈને આવેલી એક સનિષ્ઠ મહિલા સામાજિક કાર્યકર્તાને મળવાનો સમય આપવાને બદલે તેમને ગેટ બહાર જ અટકાવી દેવાય છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડના દલિત યુવકે દેશની પહેલી ‘ઉડતી કાર’ બનાવી!
અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ કે મંત્રીને કયા કાયદા હેઠળ કોઈ સામાન્ય નાગરિક કે સામાજિક કાર્યકર્તાને “બ્લેકલિસ્ટ” કરવાનો અધિકાર મળ્યો છે? સચિવાલય કે સ્વર્ણિમ સંકુલ એ કોઈ મંત્રી કે પક્ષની ખાનગી મિલકત નથી, પરંતુ ગુજરાતના કરોડો નાગરિકોના કરવેરાના નાણાંથી ચાલતું જાહેર શાસનનું કેન્દ્ર છે. પોતાના પ્રશ્નો અને ફરિયાદો લઈને આવતા નાગરિકોનો અવાજ સાંભળવાને બદલે તેમના માટે સચિવાલયના દરવાજા બંધ કરી દેવા તે મંત્રીની નૈતિક અને બંધારણીય નિષ્ફળતા છતી કરે છે.
બ્લેકલિસ્ટ કરવાનો આદેશ કોના કહેવાથી અપાયો?
માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે આ ઘટનાને કાયરતાપૂર્ણ હરકત ગણાવીને રાજ્ય સરકાર અને પ્રશાસન સામે તીખા સવાલો કર્યા છે. જો કોઈ વ્યક્તિ સામે સુરક્ષા કે કાયદાકીય કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તો સરકારે તેનો લેખિત, કાયદેસર અને પારદર્શક આદેશ જાહેર કરવો જોઈએ. માત્ર મોંઢેથી “તમે બ્લેકલિસ્ટ છો” તેમ કહીને પ્રવેશ અટકાવી દેવો તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને સરમુખત્યારશાહી વલણ છે.

આ પણ વાંચો: દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો
જો અન્ય સામાન્ય પ્રતિનિધિઓને સચિવાલયમાં પ્રવેશ માટેના પાસ સરળતાથી આપવામાં આવતા હોય, તો ચંદ્રિકાબેન સોલંકી માટે જ અલગ માપદંડ કેમ રાખવામાં આવ્યા? શું પોતાના અધિકારો અને સામાજિક પ્રશ્નો માટે અવાજ ઉઠાવવો એ ગુનો છે? બંધારણના આર્ટિકલ 14 અને 15 નાગરિકોને સમાનતા અને ભેદભાવ સામે રક્ષણ આપે છે, જ્યારે આર્ટિકલ 19 મૂળભૂત સ્વતંત્રતાઓનું રક્ષણ કરે છે. જો આ ઘટનામાં જ્ઞાતિ, લિંગ કે સામાજિક ઓળખના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હોય, તો તેની સામે કડક તપાસ થવી જરૂરી છે.
માનવ અધિકાર અને SC/ST કાયદા હેઠળ તપાસની માંગ
અનુસૂચિત જાતિના નાગરિકને જાહેર સ્થળે પ્રવેશ કરતા રોકવા અને અપમાનિત કરવાના આક્ષેપો અત્યંત ગંભીર છે. આ મામલે SC/ST (Prevention of Atrocities) Act, 1989 ની વિવિધ જોગવાઈઓ હેઠળ તથા લાગુ પડતા કાયદા મુજબ તટસ્થ તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો: ભાજપ નેતાએ ટીવી ડિબેટમાં પૂજારીને ચપ્પલથી ફટકાર્યા
માનવ અધિકાર સંગઠનો અને સામાજિક આગેવાનોએ રાજ્ય મહિલા આયોગ, અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને અપીલ કરી છે કે તેઓ આ ઘટનાની સ્વતંત્ર નોંધ લે. સચિવાલયના ગેટ પરના CCTV ફૂટેજ, પાસ આપવાની પ્રક્રિયાના રેકોર્ડ અને બ્લેકલિસ્ટ અંગેના તમામ સત્તાવાર દસ્તાવેજોની ચકાસણી કરીને જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ પણ આ બાબતની ગંભીરતા સમજીને સુઓમોટો લઈને સરકાર પાસેથી ખુલાસો માંગે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
લોકશાહીમાં રજૂઆતનો અધિકાર કોઈની કૃપા નથી
આ ઘટનાએ સાબિત કર્યું છે કે વર્તમાન શાસનમાં સામાજિક ન્યાયના પ્રશ્નો ઉઠાવનારાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ મંત્રીએ યાદ રાખવું જોઈએ કે લોકશાહીમાં સવાલ પૂછવો એ ગુનો નથી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે, કોઈ મંત્રી કે અધિકારીની કૃપા નથી. સામાજિક કાર્યકર્તાઓનો અવાજ દબાવીને સામાજિક ન્યાયના પ્રશ્નોને ક્યારેય ગૂંગળાવી શકાશે નહીં.
આ પણ વાંચો: ભાવનગરના દલિત એક્ટિવિસ્ટ મનહર રાઠોડને તડીપારની નોટિસ












આ સમાચાર જણી સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. આર ટી આઈ એકટીવીસ્ટ એ અપીલમા જવુ જોઈએ અને કાયદાનું ભંગ થયું હોય તો કોર્ટ તેને મદદ કરવા માટે બોલાવીને સાંભળવા જોઈએ