Kutch News: કચ્છના નખત્રાણાના મુરૂ ગામે(Muru Village) 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના આડા સબંધ મામલે ક્રૂરતાપૂર્વક હત્યા(Murder of 20-year-old youth) નીપજાવી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. છ દિવસ અગાઉ યુવક ગુમ થતા પોલીસે શકમંદ આરોપીને ઉઠાવી પૂછપરછ કરતા બે શખ્સે યુવકને મોતને ઘાટ ઉતારી ધારિયાથી માથું કાપી ધડ જમીનમાં દાટી દીધું હોવાનું અને માથું-હાથ-પગ કાપીને બોરવેલમાં નાખી દીધાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી યુવકના ધડને શોધી લઇ અન્ય અંગો બોરવેલમાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરી છે.
મૃતક યુવક 2 ડિસેમ્બરથી ગુમ થયો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુરૂ ગામના 20 વર્ષીય રમેશભાઈ પુંજાભાઈ મહેશ્વરીની ગામના જ આરોપી કિશોર મહેશ્વરી અને સગીર વયના આરોપીએ હત્યા નીપજાવી છે. મૃતક યુવક ગત 2 ડિસેમ્બરે ગાયબ થયો હોવાથી નખત્રાણા પોલીસે ગુમ થયાની નોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આ પણ વાંચો: ‘હું દરબાર છું’ કહીને મહેસાણામાં રજપૂત યુવકે દલિત યુવકને માર્યો
લાશ સગેવગે કરવા હાથ-પગ-માથું અલગ કરી દાટી દીધાં
આરોપીએ કરેલા ખુલાસા મુજબ મૃતક યુવકને આરોપીના કુટુંબની પરિણીત મહિલા સાથે આડા સંબંધ હતા. જેની જાણ થતા બંને આરોપીઓએ સાથે મળી હત્યા નીપજાવવાનો કારસો ઘડ્યો હતો. જે બાદ યુવકને ગામની સીમમાં જમવાનો કાર્યક્રમ ગોઠવ્યો હોવાના બહાને લઈ જઈ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આરોપીઓએ ધારિયાથી યુવકનું માથું અને હાથપગ કાપી નાખી બોરવેલમાં નાખી દીધા હતા. જયારે ધડ બોરવેલની બાજુમાં જ જમીન અંદર દાટી દીધું હતું. પોલીસે બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધાં છે અને મૃતકના અંગોની શોધખોળ શરૂ કરી છે.
અંગો કાપીને ત્રણ અલગ અલગ બોરવેલમાં નાખ્યા
નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશ પટેલ, નખત્રાણા પીઆઇ એ. એમ. મકવાણા, પીએસઆઇ આર. ડી. બેગડિયા સહિત તંત્રની ટીમો સ્થળ પર શોધખોળમાં લાગી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવ્યા બાદ તેના અંગો સીમમાં આવેલા અલગ અલગ ત્રણ બોરવેલમાં નાખી દીધા હતા. યુવકનું માથું, હાથ-પગ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ આરોપીઓએ બોરવેલમાં નાખી દઈ ઉપરથી પથ્થરો નાખી દીધા હતા.
આ પણ વાંચો: બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની સાસરિયાઓએ હત્યા કરી
કચ્છ એસપીએ શું કહ્યું?
કચ્છ જિલ્લા એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, 6 દિવસ અગાઉ નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય રમેશ મહેશ્વરી નામનો યુવક ગુમ થયો હતો. જેને પગલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રમેશના મિત્રો તેમજ અન્ય લોકો સાથે તેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રમેશના મિત્ર પાસેથી રમેશનો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યો હતો. રમેશ અને તેના મિત્ર કિશોર મહેશ્વરી વચ્ચે એક મહિલા સાથેના સંબંધને લઈ વારંવાર ઝગડો થતો હતો. રમેશને એક પરિણીત મહિલા સાથે સંબંધ હતો તેની જાણ કિશોરને થઈ હતી. રમેશની મહિલા મિત્રને કિશોરે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી તેની સાથે પણ સંબંધ રાખવાનું કહ્યું હતું, જે બાદ મહિલાએ રમેશને તેનો મિત્ર સંબંધ રાખવાનું દબાણ કરતો હોવાની વાત જણાવી હતી, જે બાબતે રમેશ અને કિશોર વચ્ચે બબાલ થઇ હતી.
વાડીએ જમવા બોલાવી હત્યા કરી નાખી
આ વાતનું મનદુઃખ રાખી કિશોરે રમેશની હત્યા નીપજાવાનું નક્કી કર્યું હતું. હત્યાના પ્લાન મુજબ કિશોરે રમેશને પોતાની વાડી પર જમવા માટે બોલાવ્યો હતો, જ્યાં મહિલા બાબતની બંને વચ્ચે બબાલ શરૂ થઇ હતી ત્યારબાદ કિશોર મહેશ્વરી અને સગીર વયના એક આરોપીએ ધારદાર હથિયારથી અનેક ઘા મારી રમેશની હત્યા કરી નાખી હતી. 2 ડિસેમ્બરના રોજ રમેશ થઈ જતા નખત્રાણા પોલીસે ગુમનોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી, એ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા નખત્રાણા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો
ધડને પ્લાસ્ટિકમાં વીંટી ખાડો ખોદી દાટી દીધું
આરોપીઓએ લાશને કેવી રીતે સગેવગે કરી તેની જાણકારી પોલીસને આપતા જણાવ્યું હતું કે, રમેશની હત્યા કર્યા બાદ સૌથી પહેલા કુહાડી અને ધારિયાની મદદથી રમેશનું માથું અલગ કરી નાખ્યું હતું. જે બાદ માથાને ખેતરના બોરવેલમાં નાખી દીધું હતું અને તેના પર પથ્થર નાખી દીધો હતો. જે બાદ રમેશના બન્ને હાથ અને પગ કાપી નાખ્યા હતા અને હાથ-પગને બીજા એક બોરવેલમાં નાખ્યા હતા.
જ્યારે રમેશના ચપ્પલને પણ તે બોરવેલમાં નાખી દીધા હતા. આ ઉપરાંત અન્ય એક બોરવેલમાં કુહાડી અને ધારિયું નાખ્યું હતું. ત્યા માટીમાં લોહી વહ્યું હતું તે લોહી વાળી માટીને એક કૂવામાં નાખી દીધી હતી. આ ઉપરાંત ધડને પ્લાસ્ટીકમાં વિંટીને જમીનમાં અઢી ફૂટનો ખાડો ખોદીને તેમાં દાટી દીધું હતું. પોલીસ જ્યારે રમેશની શોધખોળ કરી રહી હતી, ત્યારે કિશોરે જ રમેશનો મોબાઈલ પોલીસને સોંપ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કિશોરની કબૂલાત બાદ તમામ બોરવેલમાંથી મૃતક રમેશ મહેશ્વરીના અંગો જપ્ત કર્યા છે.
આડા સંબંધોનો અંજામ કરૂણ જ આવતો હોય છે!
આ ઘટનાએ સમગ્ર કચ્છ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આડા સંબંધોનો અંજામ હંમેશા ખરાબ જ આવતો હોય છે. તેમાં જે તે વ્યક્તિની સાથે તેના પરિવારે પણ ઘણું બધું સહન કરવાનું આવતું હોય છે. બહુજન સમાજના યુવાનો આ ઘટનામાંથી શીખ લે તે તેના પરિવાર અને સમાજ બંને માટે ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: ‘મેરા સક્ષમ મર કે ભી જીત ગયા, મેરે પિતા-ભાઈ હાર ગયે..’











કામેસુ મિચ્છાચારા વેરમણી