દલિત બહેનોની જાનમાં ડો.આંબેડકરની તસવીર ફાડી ઠાકુરોએ હુમલો કર્યો

બે સગી દલિત બહેનોની જાનમાં ડો.આંબેડકરનો ફોટો જોઈ ઠાકુરોએ તોફાન મચાવ્યું. જાનૈયાઓ પર લાકડીઓ-પથ્થરોથી હુમલો કરતા અનેક જાનૈયા ઘાયલ. બંને કન્યાઓ ધરણાં પર બેઠી.
attack groom of two Dalit brides

ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સાથે જ દેશમાં જાતિવાદી ગુંડાઓએ દલિતોના વરઘોડા પર હુમલા કરવાનું પણ શરૂ કરી દીધું છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા મથુરામાં બની હતી. અહીં જાતિવાદી ઠાકુરોએ દલિત સમાજની બે સગી બહેનોના લગ્નના વરઘોડા પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. જાતિવાદી ગુંડાઓએ ડો.આંબેડકરના ફોટા ફાડી નાખી જાનૈયાઓ પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં પોલીસની ઢીલી કામગીરીને કારણે બંને કન્યાઓ લગ્ન કરીને વિદાય લેવાનું બાજુમાં મૂકીને પોલીસ સામે 19 કલાક સુધી ધરણાં પર બેસી ગઈ હતી. જેનાથી મામલો તંગ બન્યો હતો.

ઠાકુરોએ ડો.આંબેડકરનો ફોટો ફાડી નાખતા મામલો બિચક્યો

મામલો ઉત્તર પ્રદેશના મથુરામાં હાઈવે પોલીસ સ્ટેશન વિસ્તારના નરહૌલી ગામનો છે. જ્યાં લગ્ન પ્રસંગ દરમિયાન દલિત અને ઠાકુર સમાજ વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ હતી. જાન જોડીને આવેલા દલિતોએ વરઘોડામાં બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર રાખી હતી, જેનાથી જાતિવાદી ઠાકુરો ઉશ્કેરાઈ ગયા હતા અને જાન પર હુમલો કરી દીધો હતો. વિવાદ વધતા ઠાકુર સમાજના લોકોએ ડૉ. આંબેડકરનો ફોટો ફાડી નાખ્યો હતો અને જાન પર લાકડીઓ તથા પથ્થરો વડે ઘાતક હુમલો કરી દીધો હતો. આ હિંસામાં વરરાજાના પિતા સહિત બંને પક્ષના અનેક દલિતો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચો: ‘તું ભલે સરપંચ હો, ફરિયાદ કરી છે તો હવે પરિણામ માટે તૈયાર રહેજે!’

જાનમાં ડો.આંબેડકરની તસવીર જોઈ ઠાકુરો ભડક્યાં

મળતી માહિતી મુજબ, નરહૌલી ગામના રહેવાસી ભગવાન દાસની બે પુત્રીઓ લક્ષ્મી અને પૂનમના લગ્ન બરસાના વિસ્તારના ભરનાકલાં ગામના રહેવાસી નેમચંદના બે પુત્રો અશોક અને કુલદીપ સાથે નક્કી થયા હતા. બુધવારે રાત્રે આશરે 10 વાગ્યે જ્યારે નરહૌલી ચોકડી પરથી ડીજેના તાલે જાન ચડી રહી હતી, ત્યારે જાનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવેલી હતી. આ ફોટો જોઈને ગામના ઠાકુર સમાજના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઠાકુરોએ ડૉ. આંબેડકરની તસવીર ફાડી નાખતા મામલો બિચક્યો હતો.

attack groom of two Dalit brides

ઠાકુરોએ હુમલો કરી વરરાજાની બગી તોડી નાખી

જોતજોતામાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થયો હતો. આ હુમલાને કારણે લગ્ન મંડપમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલાઓ અને બાળકોએ જીવ બચાવવા આસપાસના ઘરોમાં આશરો લેવો પડ્યો હતો. પથ્થરમારામાં જાનની બગ્ગી તોડી પાડવામાં આવી હતી અને અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. હુમલાના જવાબમાં રોષે ભરાયેલા દલિત પક્ષના લોકોએ પણ સામો પ્રહાર કરીને ઠાકુરોની દુકાનોમાં તોડફોડ કરી હતી, જેમાં એક મહિલા ઘાયલ થઈ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો: સંગીતકાર પલાશ મુચ્છલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

બંને કન્યાઓ વિદાય લેવાને બદલે ધરણા પર બેઠી

ઘટનાની ગંભીરતાને જોતાં હાઈવે પોલીસ સ્ટેશન સહિત આસપાસના અનેક પોલીસ મથકોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, પોલીસ દ્વારા તાત્કાલિક કોઈ નક્કર કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવતા બંને દલિત કન્યાઓ લક્ષ્મી અને પૂનમ લગ્ન મંડપ છોડીને રસ્તા પર આવી ગઈ હતી.

ન્યાયની માંગ સાથે બંને કન્યાઓ 19 કલાક સુધી સતત ધરણાં પર બેસી રહી હતી. કન્યાઓનો આરોપ હતો કે જાનમાં ઘૂસીને મારપીટ કરવામાં આવી અને લગ્ન બગાડવાનો પ્રયાસ કરાયો હોવા છતાં પોલીસ કડક પગલાં નથી ભરી રહી. હાલ ગામમાં ભારે તણાવપૂર્ણ માહોલને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે અને પોલીસે કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે.

આ પણ વાંચો: કડીની દલિત સગીરાને પીંખી નાખનાર 6 નરાધમોને આજીવન કેદની સજા

 

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x