Cockroach Janata Party: સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા મેળવી રહેલી ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે(Abhijeet Deepke) હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક સવાલના જવાબમાં તેમણે પોતે ‘દલિત’ હોવાનો ખુલાસો કર્યો હતો, જે બાદ કથિત સવર્ણ જાતિના કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા તેમના પર તીખા જાતિગત હુમલા અને ટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે.
અભિજીત દીપકેની જાતિ જાહેર થતાં જ શરૂ થયો વિવાદ
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વતની અને બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનનો અભ્યાસ કરી ચૂકેલા મુંબઈના 30 વર્ષીય અભિજીત દીપકેએ બનાવેલી કોક્રોચ જનતા પાર્ટી(Cockroach Janata Party) હાલ દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ છે. જો કે, હવે તેના ફાઉન્ડર અભિજીત દીપકેની જાતિને લઈને સવાલો ઉઠ્યાં છે. તાજેતરમાં ‘શટ અપ કાઉન્સિલ’ નામના એક યૂઝરે અનામત, દલિત સમાજના મુદ્દાઓ અને સામાજિક ન્યાય પર CJPના વલણ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સવાલના જવાબમાં અભિજીતે લખ્યું, “હું પોતે દલિત છું. આશા છે કે આનાથી તમારા બધા સવાલોના જવાબ મળી જશે.”

આ પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર સવર્ણ યૂઝર્સ તરફથી વિરોધ અને ટ્રોલિંગનો દોર શરૂ થઈ ગયું હતું. મુંબઈની લેખિકા અને દિગ્દર્શક અનુરાધા તિવારીએ આ અંગે કટાક્ષ કરતા લખ્યું, “તો આ પોતાને જેન-ઝી (Gen Z) નેતા કહેનારો વ્યક્તિ મેરિટની વિરુદ્ધ છે.” અન્ય એક યૂઝર ‘સેસી સોલ’ દ્વારા “આવી ગયું ડી-કાર્ડ (દલિત કાર્ડ)” જેવી ટિપ્પણી કરવામાં આવી હતી. આ સિવાય ‘ઇમહાઇડ્રો’ નામના એકાઉન્ટ પરથી વાંધાજનક તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી, જ્યારે ‘હિન્દુત્વ નાઇટ’ નામના એકાઉન્ટથી કટાક્ષ કરાયો કે, “તો શું તું -40 મત લઈને વડાપ્રધાન બનવા માંગે છે?”
આ પણ વાંચોઃ રાજપૂતોએ દલિત સગીરને નગ્ન કરી મુર્ગા બનાવી જૂતામાં પાણી પાયું
બીજી તરફ, આ જાતિવાદી ટ્રોલિંગના વિરોધમાં પણ અનેક લોકો આગળ આવ્યા છે. ‘લાલસલામ’ નામના એકાઉન્ટ સહિત ઘણા યૂઝર્સે આ ટ્રોલિંગની નિંદા કરી છે અને તેને ઉચ્ચ જ્ઞાતિના લોકોમાં રહેલી નફરત ગણાવી છે. આ ટ્રોલિંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, આંદોલન ગમે તે હોય, પણ તેમાં જ્યારે દલિતોના હક-અધિકારોની વાત આવે છે ત્યારે કથિત સવર્ણ જાતિના લોકો તરત તેની વિરોધમાં બોલવાનું શરૂ કરી દે છે.
મજાકમાંથી કેવી રીતે બની રાજકીય ચળવળ?
કોક્રોચ જનતા પાર્ટી(CJP) શરૂઆત અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી અભિજીત દીપકે દ્વારા એક મજાક તરીકે થઈ હતી. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનો સંદર્ભે કથિત રીતે “કોક્રોચ” અને “પરજીવી” શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે મીડિયાએ તેમની વાતને ખોટી રીતે રજૂ કરી હતી. આ નિવેદન બાદ અભિજીતે સોશિયલ મીડિયા પર લોકોને પોતાને ‘કોક્રોચ’ કહેવાની અપીલ કરી, જે જોતજોતામાં એક ઓનલાઇન રાજકીય આંદોલનમાં ફેરવાઈ ગઈ.

दलित अभिजीत दीपके जो कि डिजिटल CJP (the Cockroach Janta Party) के फाउंडर है. उन्हें सोशल मीडिया के कुछ बिके हुए दलाल बुरा भला कह रहे हैं.
असल में अभिजीत @abhijeet_dipke मौका का फायदा उठा मौजूदा सिस्टम व सरकार पर ऐसा तंज कसे कि उसकी तोड़ किसी के पास मौजूद नहीं है.
दूसरा यह कि वह… pic.twitter.com/L9xtnWdecd
— Neeraj Kanojia (@NeerajKanojia16) May 21, 2026
ટૂંક જ સમયમાં આ ડિજિટલ અભિયાન અંતર્ગત લાખો લોકોએ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના ફોલોઅર્સ 16 મિલિયનથી વધુ થઈ ગયા અને તેની વધતી લોકપ્રિયતાને કારણે ભારતમાં CJPનું સત્તાવાર ‘X’ એકાઉન્ટ પણ બ્લોક કરી દેવાયું છે. મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ જેવા રાજકીય નેતાઓએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને જાતિ પૂછી જોઈનિંગના બે કલાકમાં નોકરીમાંથી કાઢી મૂક્યો
શું દલિતો કોક્રોચ જનતા પાર્ટીથી પ્રભાવિત થશે?
અભિજીત દીપકેના જણાવ્યા અનુસાર, દેશના યુવાનો વર્તમાન પરંપરાગત શાસક અને વિપક્ષી પક્ષોથી કંટાળી ચૂક્યા છે. આ પક્ષ ભવિષ્યમાં માત્ર મજાક બનીને નહીં રહે, પરંતુ તેને એક સક્રિય ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવાની યોજના છે. આ સંગઠન ખાસ કરીને જેન-ઝી (Gen Z) યુવાનોને રાજકારણમાં સક્રિય કરવા અને માહિતીના અધિકાર (RTI) જેવા કાયદાકીય માધ્યમો દ્વારા સરકારો પાસે જવાબદારી અને પારદર્શિતા માંગવા માટે પ્રેરિત કરશે. જો કે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી અનામત સહિતના બહુજન સમાજને સ્પર્શતા મુદ્દાઓ પર કોક્રોચ જનતા પાર્ટીએ મૌન સેવી લેતા બહુજન સમાજ તેનાથી અળગો રહ્યો છે. હવે જ્યારે પક્ષના સ્થાપક અભિજીત દીપકેએ પોતે દલિત હોવાની વાત કરી છે ત્યારે તેનાથી દલિતો તેનાથી કેટલા પ્રભાવિત થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચોઃ રિસેપ્શનમાં પાણી પીવા બદલ બે દલિત યુવકો પર છરીથી હુમલો











