Dalit News: દેશભરમાં પેટ્રોલ-ડીઝલની ભારે તંગી પ્રવર્તી રહી છે, તેમ છતાં મોદી સરકાર અને તેના નેતાઓ હકીકત સ્વીકારવાને બદલે જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે કે, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. જો કે, ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના સિંધોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી એક ઘટનાએ મોદી સરકારના તમામ દાવાઓનો છેદ ઉડાવી દીધો છે. અહીં એક પેટ્રોલ પંપ પર એક બ્રાહ્મણ શખ્સે પંપ પર કામ કરતા દલિત કર્મચારીને પિસ્તોલ બતાવીને મફતમાં પેટ્રોલ ભરાવ્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ શરૂ કરીને આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, આ ઘટના 17 મેની મોડી રાત્રે આશરે 2.30 વાગ્યે ગડબડા સ્થિત એક પેટ્રોલ પંપ પર બની હતી. પેટ્રોલ પંપના સંચાલક વિશાલ કુમાર સોનકર દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ગડબડા ગામનો જ રહેવાસી વિવેક ઉપાધ્યાય ઉર્ફે ગોલુ મોડી રાત્રે પેટ્રોલ પંપ પર આવ્યો હતો. તેણે ત્યાં ફરજ પર તૈનાત કર્મચારીઓ પર સીધી પિસ્તોલ તાણી દીધી હતી. તેણે પેટ્રોલ પંપ પર કામ કરતા એક દલિત કર્મચારીને નિશાન બનાવીને તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ ‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!
આરોપીએ હથિયારના જોરે દલિત કર્મચારી પાસે જ બળજબરીથી પોતાની ગાડીમાં મફતમાં પેટ્રોલ ભરાવ્યું હતું. પેટ્રોલ ભરાવ્યા બાદ તે પૈસા આપ્યા વિના જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. એટલું જ નહીં, ભાગતી વખતે તેણે આગામી સમયમાં આખો પેટ્રોલ પંપ લૂંટી લેવાની પણ ધમકી આપી હતી. પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું કે આરોપી વિવેક ઉપાધ્યાય ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ અનેક ફોજદારી કેસો નોંધાયેલા છે. આ હિંસક ઘટનાને પગલે પેટ્રોલ પંપના કર્મચારીઓમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.
આ મામલે પીડિત પક્ષે પોલીસ વહીવટીતંત્ર પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે ઘટનાની તાત્કાલિક જાણ કરવા છતાં સિંધોરા પોલીસે શરૂઆતમાં એફઆઈઆર નોંધવામાં આળસ દાખવી હતી અને કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનથી ન્યાય ન મળતા આખરે પીડિત પક્ષે પોલીસ કમિશનર (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ)નો સંપર્ક સાધ્યો હતો. ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત બાદ આ મામલાએ જોર પકડ્યું હતું, જેના કારણે સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ સંચાલકની લેખિત ફરિયાદના આધારે આરોપી વિવેક ઉપાધ્યાય વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો અને SC-ST Act (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. સિંધોરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઇન્સ્પેક્ટર જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે આરોપી હિસ્ટ્રીશીટર છે અને ઘટના બાદથી તે ફરાર છે. તેને ઝડપી લેવા માટે પોલીસની વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને તેના સંભવિત આશ્રયસ્થાનો પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે સામેલ કરીને આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!











