Raju Barot passes away: ગુજરાતી રંગભૂમિ માટે એક શોકના સમાચાર આવ્યા છે. આખી જિંદગી રંગભૂમિ માટે ખર્ચી નાખનાર દિગ્ગજ કલાકાર રાજુ બારોટ(Raju Barot)નું હાર્ટ એટેકના કારણે નિધન(passes away) થઈ ગયું. રાજુ બારોટ અભિનેતા, દિગ્દર્શક અને ગાયક પણ હતા.તેઓ ઉત્તરાખંડના પ્રવાસે હતા, જ્યાં અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી કલા જગતમાં ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
NSD થી ગુજરાતી રંગભૂમિ સુધીની સફર ખેડી
રાજુ બારોટ ગુજરાતી નાટ્ય જગતના એક મજબૂત સ્તંભ મનાતા હતા. તેમણે વર્ષ 1977માં દિલ્હીની વિખ્યાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માંથી તાલીમ મેળવી હતી. રાષ્ટ્રીય સ્તરે નામ કમાવાની તક હોવા છતાં તેમણે પોતાની માતૃભાષા અને ગુજરાતની રંગભૂમિને જીવંત રાખવા માટે વતન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે અનેક યાદગાર નાટકોનું સર્જન અને અભિનય કરીને નવી પેઢીના કલાકારો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’
તેઓ માત્ર અભિનય કે દિગ્દર્શન પૂરતા મર્યાદિત નહોતા. રાજૂ બારોટ એક ઉત્તમ ગાયક પણ હતા. પ્લેબેક સિંગિંગમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. સંગીત અને અભિનયના અનોખા સમન્વયને કારણે તેઓ કલાકારો અને પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમના કલાક્ષેત્રના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા હતા. ગુજરાત સંગીત નાટક અકાદમીનો પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર, વર્ષ 2000માં મેળવેલો શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ, રાજ્ય સરકાર દ્વારા એનાયત કરાયેલ શ્રેષ્ઠ ફિલ્મ ડોક્યુમેન્ટરી એવોર્ડ તેમાં મુખ્ય છે.

રાજુ બારોટના નિધનના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર કલાકારો અને તેમના ચાહકો ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં તેમનું નામ હંમેશા આદરપૂર્વક લેવામાં આવશે.
આ પણ વાંચો: દલિતોની ‘ભાગવત કથા’માં બબાલ, ડો.આંબેડકરની મૂર્તિ તોડી










