કૉંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે થોડા દિવસ પહેલા કૉંગ્રેસના ટોચના નેતાઓ અને કોંગ્રેસ એસસી મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાને કથિત રીતે ‘ફૂટેલી તોપ’ કહીને જો તે પાટણ આવશે તો તેને માર મારીશું તેવું નિવેદન કર્યું હતું. આ મામલે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. મેવાણીએ ધારાસભ્ય કિરીટ પટેલનું નામ લીધા વિના કહ્યું હતું કે, “જેમને હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય, તો કાઢી નાખજો. તારા જેવા ચણાનું ફુદું એ નહીં આવે.”
પાટણમાં માયા સાતમે મેવાણીએ મોરચો માંડ્યો
જિગ્નેશ મેવાણીના આ નિવેદનથી પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે માયા સાતમના દિવસે પાટણના વીર મેઘમાયા મંદિર ખાતે આવેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન સાધીને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. મેવાણીએ કિરીટ પટેલનું નામ લીધા વિના આ નિવેદન આપ્યું હતું.

“તાકાત હોય તો મોટેરા સ્ટેડિયમનું નામ બદલનાર સામે લડો”
આજે વીર મેઘમાયા સાતમ નિમિત્તે પાટણમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા સહિતના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો જોડાયા હતા. આ ઉજવણી ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ જયાબેન શાહે એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે મૌન તોડતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, “જે પણ માણસને મનમાં ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું. તે ફાંકો કાઢી નાખે. અમે ગુજરાતની સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાનું ફુદું એ નહીં આવે. જો આટલો જ ફાંકો હોય તો જ્યાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલ્યું ત્યાં જઈને પોતાની તાકાત બતાવે.”
આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!

આત્મસન્માન મુદ્દે અમે સમાધાન નથી કરતાઃ મેવાણી
મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, “કોઈ રાજકીય પક્ષનો માણસ હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરે તો પાટણ અને ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે. આ મુદ્દે જડબાતોડ જવાબ આપીશું. હું જે દિવસે આહવાન કરું તે દિવસે બધાએ મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય કે સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય. આત્મસન્માન માટે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી.
તમારા જેવી ચૌદશોનો ફાંકો કાઢવા મારો જન્મ થયો છેઃ મેવાણી
મેવાણીએ ઉમેર્યું હતું કે, કોઈના મનમાં ફાંકો હોય તો તમારા જેવી ચૌદશોનો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે. મારા ભાઈ હિતેન્દ્ર પીઠડિયાનું નામ લેતા ફરીવાર વિચારજો. હું એ જ જિજ્ઞેશ મેવાણી છું. જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી ગુજરાત સરકારને દોડતી કરી હતી. તારો તો ચણો ય નહીં આવે.” જિજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદનથી પાટણ કોગ્રેસનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવી જતાં કોગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આખી ઘટનાના મૂળમાં પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો હોદ્દો છે. હાલમાં જ કોંગ્રેસે પાટણમાં એસસી વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂંક કરી છે. પણ પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ તેમને કામમાં સહકાર ન આપતા હોવાની તેમણે વાત કરી હતી. જયાબેન શાહે ધારાસભ્ય કિરીટ પટેલ સામે મોરચો ખોલી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો કે, નવી બોડીની નિમણૂક અને મીટિંગમાં હાજર રહેવા બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે તેમને સહકાર આપવાનો સાફ ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો: દલિત માતા બજારમાં શાકભાજી વેચતી હતી, પછી જે થયું તે રડાવી દેશે..
કિરીટ પટેલે કોંગ્રેસના હાઈકમાન્ડ અને ટોચના નેતાઓને ‘ફૂટેલી તોપ’ ગણાવી અપમાન કર્યું હતું. એટલું જ નહીં, કિરીટ પટેલે કોંગ્રેસ એસસી મોરચાના નેતા હિતેન્દ્ર પીઠડીયાને પણ ‘ફૂટેલી તોપ’ કહી તેઓ જો પાટણ આવશે તો તેમને માર મારીશું તેમ જણાવ્યું હોવાનો વીડિયોમાં આક્ષેપ કર્યો. વીડિયોમાં જયાબેને કહ્યું કે, જો હિતેન્દ્ર પીઠડીયા પર કોઈ હુમલો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને કિરીટ પટેલની રહેશે.
પાટણ જિલ્લા કોંગ્રેસ એસસી પ્રમુખનો વિવાદ
પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ રિપિટ કરવાની માગ સાથે 20 દિવસ પહેલાં કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે જીજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જે તે સમયે હસમુખ સક્સેનાએ જણાવ્યું હતું કે, જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે. સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજને પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણે થવા નહી દઈએ. હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં રિપિટ નહી કરાતા વિરોધ ઉભો થયો છે.
આ પણ વાંચો: પોલીસ પરિવારોના વિરોધ વચ્ચે Jignesh Mevani એ મોટું એલાન કર્યું










