ભારતમાં હવે લગ્નોમાં ખોટા ખર્ચાઓ સતત વધતા જઈ રહ્યાં છે. આ સિવાય મનુવાદી વિચારસરણીના પ્રભાવને કારણે મૂહુર્ત જોઈને લગ્ન કરવા જેવી અંધશ્રદ્ધાને કારણે અનેક પરિવારો અને નવદંપતીઓએ મહિનાઓ સુધી રાહ જોવી પડતી હોય છે. પરંતુ મહેસાણામાં એક સુથાર સમાજે આ પ્રથા તોડીને એક નવતર અભિગમ અપનાવ્યો છે.
મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ રોકવા અને પરિવારોને સુવિધા પૂરી પાડવા માટે ‘દૈનિક લગ્ન’ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ હવે સમાજના લોકોએ સમૂહ લગ્નની ચોક્કસ તારીખની રાહ જોવાની જરૂર નથી અને તેઓ પોતાની અનુકૂળતા મુજબ સમાજની વાડીમાં લગ્ન કરી શકે છે.

પાટણવાડા ગજ્જર સુથાર સમાજના પ્રમુખ દિનેશભાઈ સુથારે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરંપરાગત સમૂહ લગ્નોમાં એક જ તારીખે અનેક યુગલોના લગ્ન થતા હોય છે. જેમાં મંડપ, ભોજન સમારોહ, પાર્કિંગ અને અન્ય વ્યવસ્થાઓ પાછળ સમાજને લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઘણીવાર યુવક-યુવતીઓની સગાઈ થઈ ગઈ હોય તો પણ સમૂહ લગ્નની તારીખ માટે ૬ થી ૧૨ મહિના રાહ જોવી પડતી હતી.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર કદી રજા નથી લેતા?

આ સમસ્યાના નિવારણ માટે સમાજે ‘દૈનિક લગ્ન યોજના’ શરૂ કરી છે. જેમાં દીકરા-દીકરીના પરિવારજનો પોતાને અનુકૂળ આવે તે તારીખ કે દિવસે સમાજની વાડીમાં આવીને લગ્ન કરી શકે છે. અહીં માત્ર એક કે બે યુગલોના લગ્ન હોવાથી વ્યવસ્થા પણ જળવાઈ રહે છે અને ભીડ વગર શાંતિથી પ્રસંગ ઉકેલાય છે.
દિનેશભાઈએ આર્થિક પાસા વિશે ચોંકાવનારી વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, “ગયા વર્ષે સમૂહલગ્નમાં ૬ યુગલો જોડાયા હતા, જેની પાછળ સમાજને લગભગ ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેની સામે આ નવી દૈનિક લગ્ન યોજનામાં જો ૬ લગ્ન અલગ-અલગ દિવસોએ કરવામાં આવે, તો પણ મહત્તમ ૨ લાખ રૂપિયાની અંદર પતી જાય છે. આ યોજનામાં દાતા માત્ર 31,000 રૂપિયા જમા કરાવે છે, એટલે કે તમામ ખર્ચ સમાજ ભોગવે છે. આનાથી સમાજને ફંડની બચત થાય છે અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળે છે.”
સુથાર સમાજના કારોબારી સભ્ય જશવંતભાઈ સુથારે આ યોજનાના અન્ય ફાયદાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં સમાજના ઘણા યુવક-યુવતીઓ વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે. જ્યારે તેઓ ભારત પરત આવે ત્યારે તેમની પાસે મર્યાદિત રજાઓ હોય છે. આવા સમયે જો સમૂહ લગ્નની તારીખ નજીકમાં ન હોય તો તેમને મુશ્કેલી પડતી હતી. પરંતુ દૈનિક લગ્ન યોજનાને કારણે તેઓ વેકેશન દરમિયાન ગમે ત્યારે લગ્ન કરી શકે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૪ યુગલોએ નોંધણી કરાવી લીધી છે.
આ પણ વાંચો: ‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે#ઓના પગ પકડવાના?’
આ યોજનાનો લાભ લેનાર પરિવાર અને સમાજની મહિલા અગ્રણીઓએ પણ ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. એક મહિલાએ જણાવ્યું હતું કે દરેક મા-બાપનું સપનું હોય છે કે તેમના સંતાનના લગ્ન ધામધૂમથી થાય, પરંતુ આર્થિક પરિસ્થિતિ ક્યારેક બાધારૂપ બનતી હોય છે. આ યોજનામાં ઓછા ખર્ચે પણ પ્રાઈવેટ લગ્ન જેવો માહોલ મળે છે. અમને એવું જ લાગ્યું કે અમે અમારા ઘરે જ લગ્ન યોજ્યા છે. અહીં કોઈ ધક્કામુક્કી નથી, જમણવાર અને ઉતારાની સગવડ ખૂબ જ સુંદર છે. સમૂહ લગ્નમાં ઘણીવાર ભીડને કારણે જે અવ્યવસ્થા સર્જાતી હોય છે, તે અહીં જોવા મળતી નથી.”
સુથાર સમાજની આ દૈનિક લગ્ન યોજના પર હાલ અન્ય સમાજોએ પણ વિચારવા જેવું છે. ખાસ કરીને બહુજન સમાજમાં જે રીતે લગ્નોમાં ખોટા ખર્ચા કરવાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આ દૈનિક લગ્ન યોજના, અને એ પણ માત્ર રૂ. 31 હજારમાં, તે ખૂબ ફાયદાકારક જણાય છે.
આ પણ વાંચો: 150 વર્ષે પહેલીવાર ગામમાં દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો














