દેશભરમાં હાલ જાતિવાદી તત્વો દ્વારા સતત હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવામાં આવી રહ્યું છે. જેમાં ખુદ સરકારનું જાણે પીઠબળ હોય તેવી સ્થિતિ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચેની ખાઈ સતત પહોળી થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રમાંથી કોમી એકતાની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. જ્યાં એક હિંદુ મહિલાની કિડની મુસ્લિમ પુરુષને અને મુસ્લિમ મહિલાની કિડની હિંદુ પુરુષને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
છત્રપતિ સંભાજીનગર શહેર હાલમાં નગર નિગમની ચૂંટણીઓના પ્રચારથી ગાજી રહ્યું હતું. કેટલાક વોર્ડમાં વિકાસના મુદ્દાઓ પાછળ ધકેલાઈ ગયા હતા અને વાતાવરણ હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ તરફ વળી રહ્યું હતું. નેતાઓ મતોના ગણિતમાં વ્યસ્ત હતા, પરંતુ બરાબર એ જ સમયે શહેરની ‘કેર સિગ્મા હોસ્પિટલ’માં એક અલગ જ ઇતિહાસ રચાઈ રહ્યો હતો. ઓપરેશન થિયેટરના બંધ દરવાજા બહાર ઉભેલા બે પરિવારો માટે ન તો કોઈ ધર્મ હતો, ન કોઈ જાતિ. ત્યાં માત્ર એક જ પ્રાર્થના હતી – પોતાના પ્રિયજનનું જીવન.

પ્રેમ અને સમર્પણની અનોખી કહાની
આ ઘટના બે એવા પુરુષોની છે જેમની કિડની સંપૂર્ણપણે ફેઈલ થઈ ચુકી હતી. એક હિન્દુ અને એક મુસ્લિમ પરિવાર લાંબા સમયથી ડાયાલિસિસ અને અન્ય સારવાર પાછળ સંઘર્ષ કરી રહ્યા હતા. ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું હતું કે જો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નહીં આવે તો જીવ બચાવવો મુશ્કેલ છે. બંને પરિવારોમાં પત્નીઓ પોતાના પતિને બચાવવા માટે મક્કમ હતી. તેઓ પોતાની કિડની આપવા તૈયાર હતી, પરંતુ કુદરતે કદાચ કંઈક અલગ જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. મેડિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું કે બંને કિસ્સામાં પત્ની અને પતિના બ્લડ ગ્રુપ મેચ થતા નહોતા.
આ પણ વાંચો: અમરેલીના ચલાલામાં મસ્જિદના ઉદ્ઘાટનમાં હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા

મુસ્લિમ મહિલાનું બ્લડ ગ્રુપ હિંદુ પુરુષ સાથે મેચ થયું
તબીબી વિજ્ઞાનમાં જ્યારે અંગદાતા અને અંગદાન મેળવનારનું બ્લડ ગ્રુપ મેચ ન થાય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ જટિલ બની જાય છે. આ સમયે હોસ્પિટલના સીનિયર નેફ્રોલોજિસ્ટ ડો. પ્રદીપ સરુક અને ડો. શ્રીકાંત દેશમુખે એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુસ્લિમ મહિલાનું બ્લડ ગ્રુપ હિન્દુ દર્દી સાથે અને હિન્દુ મહિલાનું બ્લડ ગ્રુપ મુસ્લિમ દર્દી સાથે મેચ થતું હતું.
આ એક એવી ક્ષણ હતી જ્યાં સાબિત થયું કે માણસના લોહીનો કોઈ રંગ હોતો નથી; તે ન કેસરી હોય છે, ન લીલો. તે માત્ર લાલ હોય છે જે જીવન બચાવે છે. ડોક્ટરોએ બંને પરિવારોનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને ‘સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ’ (અદલા-બદલી) વિશે સમજાવ્યું.
ઐતિહાસિક નિર્ણય અને સર્જરી
બંને મહિલાઓએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર એકબીજાના પતિને કિડની દાન કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય માત્ર તબીબી નહોતો, પરંતુ સામાજિક રીતે પણ ઘણો મોટો હતો. ધર્મના વાડાઓ તોડીને લેવાયેલા આ નિર્ણયે હોસ્પિટલના સ્ટાફને પણ હરખના આંસુએ રડતો કરી દીધો હતો.
કેર સિગ્મા હોસ્પિટલની નિષ્ણાત ટીમે ઓપરેશનની તૈયારીઓ શરૂ કરી. એનેસ્થેટિસ્ટ ડો. પ્રમોદ આપસિંગેકર, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર વિશાલ નરવાડે અને ઓટી ટેકનિશિયન સહિતના સ્ટાફે રાત-દિવસ મહેનત કરી. જટિલ સર્જરી બાદ બંને ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા હતા. હવે હિન્દુ પતિના શરીરમાં મુસ્લિમ મહિલાની કિડની અને મુસ્લિમ પતિના શરીરમાં હિન્દુ મહિલાની કિડની ધબકી રહી છે.
આ પણ વાંચો: સ્મશાનનો રસ્તો ન અપાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમવિધિ કરાઈ
કોમવાદ હાર્યો, માણસાઈની જીતી
આ સફળતા બાદ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડો. ઉન્મેશ ટકલકર અને ડાયરેક્ટર ડો. મનીષા ટકલકરે આ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “સમાજમાં જ્યારે નફરત ફેલાવવાની કોશિશ થતી હોય, ત્યારે આવા કિસ્સાઓ આશાનું કિરણ જગાવે છે.” ચીફ
ઓપરેટિંગ ઓફિસર સમીર પવારે પણ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આજે આ બંને પરિવારો માત્ર પાડોશી કે અજાણ્યા નથી રહ્યા, પરંતુ લોહીના સંબંધથી પણ ઉપર એવા માનવતાના અતૂટ બંધનથી જોડાઈ ગયા છે. જ્યારે રાજકારણ લોકોને વહેંચવાનું કામ કરે છે, ત્યારે સંભાજીનગરની આ બે મહિલાઓએ સાબિત કરી દીધું કે પ્રેમ અને બલિદાનની કોઈ ભાષા કે ધર્મ હોતો નથી.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?










