ગુજરાત સહિત દેશભરમાં હાલ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિજનમાં મોટાપાયે ગોટાળાની બૂમ ઉઠી રહી છે. અગાઉ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, બોટાદ, સુરત સહિત અનેક શહેરોમાં એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના મતદારોના નામ તેમની જાણ બહાર અજાણ્યા લોકો દ્વારા ફોર્મ-7 ભરીને કમી કરી દેવાની અરજી કરી દેવામાં આવી હોવાની અનેક ફરિયાદો થઈ છે. હવે આવી જ ફરિયાદ ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં રહેતા સીદી આદિવાસીઓએ કરી છે.
અજાણ્યા લોકો સીદીઓના નામ કમી કરાવવા ફોર્મ ભરી ગયા!
મળતી માહિતી મુજબ, તાલાલા શહેરના વોર્ડ નંબર 6 માં સિદી આદિવાસી મતદારોના નામો મતદાર યાદીમાંથી કઢાવવા માટે અજાણ્યા શખ્સો દ્વારા ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક મતદારોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: મહેસાણામાં 561 મતદારોની જાણ બહાર નામ કમી કરવા અરજી થઈ
આ અંગે તાલાલા મામલતદાર અને પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સીદી આદિવાસી જમાત ચેરીટેબલ ટ્રસ્ટ, તાલાલાના નેજા હેઠળ સ્થાનિક મતદારો અને આગેવાનોએ આ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઇલેક્શન કમિશનર દ્વારા એસ.આઇ.આર. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાંધા અરજીઓ ફોર્મ નંબર 7 દ્વારા દાખલ કરવામાં આવે છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર છ ના મતદારોને ઓળખતા પણ ન હોય તેવા બહારગામના વ્યક્તિઓ દ્વારા આદિવાસી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારવાના ઈરાદાથી ફોર્મ 7 રજૂ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમરેલીમાં BLO નું નામ પરિવાર સાથે કમી કરવા અરજી થઈ ગઈ!
તાલાલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી
આ પ્રયાસ સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને ગેરમાર્ગે દોરવા તેમજ રાષ્ટ્રીયતાની કલમ અને લોકશાહીના મૂળભૂત અધિકારો છીનવી લેવાના ઈરાદાપૂર્વકનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પછાત વર્ગના સિદી આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર ગુજારવાના હેતુથી આ કૃત્ય કરાયું છે. સમાજ વતી માંગ કરવામાં આવી છે કે આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ આવેદનપત્ર સાથે મામલતદારને રૂબરૂ રજૂઆત કરાઈ હતી અને તાલાલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: SIR સૌથી વધુ કામગીરી રાજકોટમાં, છતાં TOP 10 માંથી ગાયબ












