આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?

મનુમીડિયા દ્વારા બિહારના દરભંગાના એક ગામના બધાં બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ થયાના સમાચાર પ્રકાશિત થયા છે, તેમાં સાચું શું?
Complaint of atrocity Darbhanga Bihar

મનુવાદી મીડિયા દ્વારા બિહારના દરભંગા જિલ્લાના હરિનગર ગામમાં ગામના તમામ બ્રાહ્મણો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થઈ હોવાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ મનુવાદીઓ ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. શું છે હકીકત, ચાલો સમજીએ.

મામલો શું છે?

મનુવાદી મીડિયા દ્વારા બિહારના દરભંગામાં કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશનમાં હરિનગર ‘ગામના તમામ બ્રાહ્મણો વિરુદ્ધ એટ્રોસિટી’ એક્ટની FIR દાખલ કરવામાં આવી હોવાના સમાચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં 12 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. એક NGO નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ આ માહિતી શેર કરી છે. NCIB એ લખ્યું છે કે “એવા બ્રાહ્મણો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના દિલ્હી અને મુંબઈમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.”

મનુવાદી મીડિયા કહે છે કે, હરિનગર ગામના રહેવાસી અશરફી પાસવાને કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશનમાં આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. પરંતુ તે સત્ય નથી. અશરફી પાસવાને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં ગામના 70 બ્રાહ્મણો સામે નામજોગ અને 100-150 અજાણ્યા લોકોને આરોપી દર્શાવ્યા છે.

આ પણ વાંચો:  પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ દરમિયાન દલિત PSI નું મોત

અરજીમાં જણાવાયું છે કે વિક્રમ પાસવાનના મોટા ભાઈ કૈલાશ પાસવાને 2015માં ગામના હેમંત ઝાનું ઘર બનાવ્યું હતું. તેની બાંધકામની મજૂરીના રૂ.2.50 લાખ હજુ બાકી છે અને વારંવાર પૈસાની માંગણી કરવા છતાં ચુકવણી કરવામાં આવી નથી.

અરજીમાં, અશરફી પાસવાને આરોપ લગાવ્યો છે કે, બાકી નીકળતા પૈસા માંગવાને કારણે હેમંત ઝા, શ્રીનાથ ઝા, પંકજ ઝા, ઓમપ્રકાશ ઝા, બાબુ સાહેબ ઝા, જગન્નાથ ઝા અને અમિત કુમાર ઝા સહિત અનેક વ્યક્તિઓએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો. આ હુમલામાં તેના પરિવારની મહિલાઓ અને એક બાળક ઘાયલ થયા હતા. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલાનું સ્થળ અને અંધાધૂંધી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

બિરૌલીના ડીએસપી પ્રભાકર તિવારીના જણાવ્યા મુજબ 31 જાન્યુઆરી 2026ના રોજ આરોપીઓ અશરફી પાસવાનના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં પરિવારના 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે 12 લોકોની પોલીસે અટકાયત(યાદ રાખો, ધરપકડ નહીં) કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર લગાવવામાં ડો.આંબેડકરનો શું ફાળો હતો?

આખા મામલામાં હકીકત શું છે?

આ આખી ઘટનાને મનુવાદી મીડિયા દ્વારા ‘એટ્રોસિટીની ખોટી ફરિયાદ’ તરીકે ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એવું છે નહીં. વાસ્તવમાં, અશરફી પાસવાને પોલીસને કરેલી અરજીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 70 જેટલા નામજોગ લોકો લાકડી, દંડા, લોખંડના પાઈપ, લોખંડની દાંતી, ધારદાર ફરસા સહિતના અન્ય ઘાતક હથિયારો લઈને જાતિસૂચક અપશબ્દો બોલી તેમના પુત્રને જાનથી મારી નાખવાના ઈરાદે તેની પાછળ દોડ્યા હતા. જો કે, તેમનો પુત્ર વિક્રમ પાસવાન ભાગીને ઘરે આવી ગયો હતો. પરંતુ આરોપીઓ અશરફી પાસવાનના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પુત્ર વિક્રમ પાસવાનને ખેંચીને બહાર લઈ ગયા હતા અને તેના બેભાન થઈ ગયો ત્યાં સુધી લોખંડની પાઈપો, લાકડીઓ સહિતના હથિયારોથી માર મારીને અધમૂઓ કરી દીધો હતો. એ દરમિયાન પરિવારના અન્ય પુરૂષો બચાવમાં વચ્ચે પડ્યા હતા. તો આરોપી ટોળાંએ તેમના પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો.

અશરફી પાસવાનની અરજીમાં તેમણે જણાવ્યું છે કે, આરોપીઓએ તેમની પત્ની રામતારા દેવીને માર મારી નિર્વસ્ત્ર કરી દીધી હતી. તેમની પૌત્રી કોમલ, જે આ હુમલો જોઈને હેબતાઈ ગઈ હતી અને પરિવારને છોડી મૂકવા માટે રાડો પાડી રહી હતી, તેને પણ આરોપીઓએ કમરના ભાગે લાકડીઓ ફટકારીને હાડકું ભાંગી નાખ્યું હતું. આરોપીઓ અશરફી પાસવાનના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી, ઘરમાંથી સોનાચાંદીના ઘરેણાં અને પૌત્રીના લગ્ન માટે રાખેલા રૂ. 2 લાખ લૂંટી લીધા હતા. ઘરમાં રાખેલા ફ્રિજ, એલસીડી તોડી નાખ્યું હતું.

આ સિવાય ઘરે પાર્ક કરેલા 4 મોટરસાઈકલને પણ તોડી નાખ્યા હતા. આરોપીઓએ અશરફી પાસવાનની હોટલ મિથિલાંચલ ઢાબામાં પણ તોડફોડ કરી હતી અને ત્યાં પણ લૂંટ મચાવી હતી. જતા જતા આરોપીઓ ધમકી આપતા ગયા હતા કે, “માદર#@ દુસધવા કો ગાંવ મેં રહને નહીં દૂંગા”

આ પણ વાંચો: કોણ છે Rohit Pisal, જેણે ડૉ.આંબેડકરને સોનાથી મઢી દીધાં?

મનુમીડિયાએ ફેલાવેલા જુઠ્ઠાણાની હકીકત શું છે?

હવે મનુમીડિયાએ ફેલાવેલા જુઠ્ઠાણાની વાત કરીએ. હકીકતે હરિનગર ગામમાં સૌથી વધુ વસ્તી જ બ્રાહ્મણોની છે. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીં કુલ 1058 પરિવારો વસે છે, જેમાં 500 જેટલા પરિવારો માત્ર બ્રાહ્મણો છે. આ જ કારણ છે કે અશરફી પાસવાને જ્યારે અરજી કરી, ત્યારે તેમાં ૭૦ જેટલા બ્રાહ્મણો સામે નામજોગ ફરિયાદ થઈ તો તેને “સમગ્ર બ્રાહ્મણ સમાજ” પરના કેસ તરીકે ખપાવવામાં આવી રહ્યો છે.

જો આપણે સમગ્ર બિહાર કે દરભંગા જિલ્લાના આંકડા જોઈએ, તો દરભંગામાં બ્રાહ્મણોની વસ્તી રાજ્યની સરેરાશ કરતા વધુ છે. હરિનગર જેવા ગામોમાં આ વસ્તી કેન્દ્રિત હોવાથી ત્યાં તેમનું વર્ચસ્વ અને સંખ્યા વધુ જોવા મળે છે. ગામની કુલ વસ્તીમાં અડધાથી વધુ વસ્તી માત્ર બ્રાહ્મણોની છે. એટલે જ્યારે આરોપીઓએ અશરફી પાસવાન પર હુમલો કર્યો, ત્યારે તેમાં મોટાભાગના આરોપીઓ બ્રાહ્મણો છે. પણ તે ગામની કુલ વસ્તીનો બહુ ઓછો ભાગ છે.

આ પણ વાંચો: મેરિટમાં આગળ હોય તો જનરલની નોકરીમાં પણ SC-ST-OBCનો હક

ગામમાં બ્રાહ્મણોની બહુમતી છે તે વાત સાચી છે, પરંતુ “આખા ગામના તમામ બ્રાહ્મણો” પર એટ્રોસિટીનો કેસ થયો હોવાની વાત અતિશયોક્તિભરી છે. હરિનગરમાં 500 જેટલા પરિવારો બ્રાહ્મણોના છે. જેમાંથી આ કેસમાં ફર્ક 70 લોકો સામે નામજોગ અને 100-150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે, તેથી તે વધુ લાગી રહી છે. એમાં પણ અત્યાર સુધીમાં પોલીસે માત્ર 12 લોકોની અટકાયત(ધરપકડ નહીં) કરી છે. એટલે ફરિયાદની ગંભીરતા સામે કશું ન કહેવાય.

2011ની વસ્તી ગણતરી મુજબ ગામમાં અનુસૂચિત જાતિના 541 લોકો વસે છે. એટલે કે તેમની વસ્તી અંદાજે 10.7 ટકા આસપાસ છે. આમાં પાસવાન (દુસાધ), રવિદાસ (ચમાર) અને મુસહર જેવી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. અશરફી પાસવાન પોતે પાસવાન સમાજના છે. અને તેઓ સુખી સંપન્ન છે. કદાચ એટલે જ જાતિવાદી તત્વોને તે ગમતું ન હોય તેમ બની શકે છે. ટૂંકમાં, આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી તેવો મનુમીડિયાનો દાવો અતિશ્યોક્તિભર્યો અને ગેરમાર્ગે દોરનારો જણાય છે.

આ પણ વાંચો: દલિત મેનેજરની ટ્રાન્સફર બાદ ઓફિસ ગોબરથી પવિત્ર કરાવી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x