બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક એવા શિહોરી ગામમાં આજે સામાજિક વિવાદ લોહિયાળ બન્યો હતો. શિહોરીના પીપળા વાળા વાસમાં ચાલી રહેલા લાંબા સમયના કૌટુંબિક અને સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં એક શાંતિ સમિતિ જેવી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા મનભેદ દૂર કરવાનો હતો.
જોકે, ચર્ચા દરમિયાન મામલો ગરમાયો હતો. સુલેહ કરવાના હેતુથી ભેગા થયેલા લોકોમાં અચાનક ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું અને બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. લાકડીઓ અને અન્ય હથિયારો વડે થયેલા હુમલામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં દરરોજ 25 લોકો આપઘાત કરે છે, કારણો ચોંકાવનારા છે
ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાબડતોબ શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ ઇજાગ્રસ્તોની ગંભીર હાલત જોઈ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, વધુ પડતા લોહી વહેવાને કારણે અને ઊંડી ઈજાઓને પગલે છ પૈકીના ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

શિહોરી પોલીસના કાફલો ઘટના સ્થળે દોડી ગયો
આ ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળ બંને જગ્યાએ પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે. ગામમાં વધુ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ચંદ્રુમાણા વરઘોડા વિવાદમાં 8 સામે એટ્રોસિટીની ફરિયાદ, 3ની ધરપકડ
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં આ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સામાજિક આગેવાનોની હાજરીમાં આટલી મોટી મારામારી કેવી રીતે થઈ અને કયા કારણોસર ઉશ્કેરણી થઈ, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હુમલાખોરોની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: દલિત મેનેજરની ટ્રાન્સફર બાદ ઓફિસ ગોબરથી પવિત્ર કરાવી!














