Homes without Windows: “આજે જ્યારે હું એવું કહું છું કે મને ચોમાસું પસંદ નથી અથવા વરસાદમાં પલળવું ગમતું નથી, ત્યારે સાંભળનારાઓ આશ્ચર્યચકિત થઈને મને જોતા રહી જાય છે. જેણે પોતાના મોટાભાગના ચોમાસાં માત્ર બે જોડી ભીનાં કપડાંમાં વિતાવ્યા હોય, તેને વરસાદમાં પલળવું કેમ ગમે, તે વાત તેમની સમજથી દૂર છે….,” ચંદુ મહેરિયા પોતાના એક નિબંધમાં આવું લખે છે.
તેમના માટે ચોમાસું એટલે નરક જેવા જાહેર શૌચાલયોની યાદો, ઘર પર સસ્તી તાડપત્રી ઢાંકવાની દોડધામ, ઘરો અને શેરીઓમાં ભરાતા વરસાદી પાણી અને વરસાદના દેવ વરુણદેવને પ્રાર્થના કરતી તેમની માતા. અમદાવાદના રાજપુરની ચાલીઓમાં, જ્યાં ચંદુભાઈએ તેમના જીવનનો મોટાભાગનો સમય વિતાવ્યો, ત્યાં મેઘધનુષ્યની સુંદરતા નિહાળવાનો કોઈની પાસે સમય નહોતો.

ચાલીમાં અભાવે વચ્ચે વિતાવેલું જીવન
જ્યારે તમે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં પૂર્વ દિશામાંથી પ્રવેશ કરો છો, ત્યારે મુખ્ય માર્ગની બંને બાજુએ ચાલીઓનું એક ગીચ જાળું દેખાય છે, જેમાં મુખ્યત્વે મુસ્લિમો, દલિતો, ખ્રિસ્તીઓ અને ગરીબ સમાજ રહે છે. ચંદુ મહેરિયા આપણને આ ભૂલભુલામણીની ભીતર લઈ જાય છે. તેઓ આપણને તેની ઋતુઓ અને તહેવારો, ગરીબી અને અસ્પૃશ્યતા વચ્ચે પણ તેમની ખુશીની ક્ષણો અને દુઃખો, તેમની શાળાઓ, શૌચાલયો, હોસ્પિટલો તથા લોકોના જીવનમાં ડૉ.આંબેડકર અને ગાંધીજીની નિરંતર ઉપસ્થિતિથી વાકેફ કરાવે છે.
આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?
ચંદુભાઈનું બાળપણ ભારે અભાવો વચ્ચે વિત્યું હતું. કાપડ મિલમાં કામ કરતા તેમના પિતા 9 સભ્યોના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના શાળાના પ્રારંભિક વર્ષો દરમિયાન, બાળકોને વર્ગ શરૂ થાય તે પહેલાં દરરોજ એક ગ્લાસ દૂધ મળતું હતું, પરંતુ તે સિવાય બીજું કંઈ ખાસ મળતું નહોતું. ચંદુભાઈ તે કઠીન દિવસો વિશે ખૂબ જ પ્રામાણિકતાથી લખે છે. ઘણી વખત ટિફિન પહોંચાડતા એક સગા તેમના ફેરા પૂરા કરીને તેમના ઘરે આવતા અને પરિવારને ટિફિનમાં વધેલું ખાવા દેતા. પ્રકરણના અંતે, ચંદુભાઈ અનામત નીતિ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે, જેણે તેમને અને તેમના ભાઈ-બહેનોને શિક્ષણ મેળવવા, નોકરીઓ મેળવવા અને તે કપરા દિવસોમાંથી બહાર નીકળવામાં મદદ કરી.
અન્ય એક પ્રકરણમાં તેઓ લખે છે, “ભૂખના ખાડાને પૂરવાનો પ્રશ્ન ઓછો જટિલ હોય તેમ, દરરોજ શૌચક્રિયા પતાવવાની દૈનિક વિટંબણાએ અમારા વ્યક્તિગત અને સામાજિક જીવનને શરમજનક અને દયનીય બનાવી દીધું હતું”. તેમના નાના અને અંધારા મકાન, અબુ કસાઈની ચાલીમાં એક પણ જાહેર શૌચાલય નહોતું, જેના કારણે લોકોને બાજુની હીરાલાલની ચાલીના ગંદા શૌચાલયોનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. દાયકાઓ પછી, ત્યાં એક મોટું, આધુનિક અને સારી રીતે જાળવવામાં આવેલું જાહેર શૌચાલય ઊભું છે, છતાં તે રોજમદાર ગરીબો અને બેરોજગારોની પહોંચની બહાર છે, કારણ કે તેનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ દીઠ 1 રૂપિયો ખર્ચ થાય છે. પરિણામે, સ્થાનિક રહેવાસીઓ તેનો ભાગ્યે જ ઉપયોગ કરે છે અને તેઓ તેને કટાક્ષમાં ‘મેયરનો બંગલો’ કહે છે.

આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?
ચંદુ મહેરિયા પાસે ગાંધી અને આંબેડકર વચ્ચેના વિવાદિત વિષય પર કહેવા માટે મહત્વના વિચારો છે. તેમના ઘણા દલિત મિત્રોથી અલગ, તેઓ ગાંધીજીના પ્રશંસક છે. તેઓ લખે છે, “ગાંધી ગમે તે હોઈ શકે — તેમને ગમે તે નામ આપો — પણ એક વાત ચોક્કસ છે કે તેઓ દલિત વિરોધી નહોતા”. તેમની માતાના વિરોધ છતાં મહેરિયાને ખાદી પહેરવી ગમતી હતી; તેમના પિતા પણ ગાંધી વિરોધી હતા. છતાં ચંદુભાઈ સ્નેહપૂર્વક ગાંધીજીનો ઉલ્લેખ કરે છે.
ચંદુભાઈને નિવૃત્તિના 2 વર્ષ પહેલા પ્રમોશન સાથે સૌરાષ્ટ્રના ધોરાજીમાં બદલી મળી હતી. ત્યાં લેખક કહે છે કે તેમને વારંવાર “તમે કેવા? (તમારી જ્ઞાતિ કઈ?)” પ્રશ્નનો સામનો કરવો પડ્યો, જે તેમને શહેરી ગુજરાતમાં ક્યારેય પૂછવામાં આવ્યો નહોતો. જ્યારે તેમનું મોટાભાગનું લખાણ શહેરી ગુજરાતમાં દલિત જીવન પર કેન્દ્રિત છે, ત્યારે આ ધૂળિયા શહેરમાં તેમનો 2 વર્ષનો મુકામ જ્ઞાતિગત ભેદભાવ અને કઈ રીતે દલિતો તથા મુસ્લિમોને વિકાસના મુખ્ય પ્રવાહમાંથી બહાર રાખવામાં આવે છે તેની ઝાંખી કરાવે છે. તે એ પણ દર્શાવે છે કે આ સમાજોને કહેવાતા વિકાસશીલ શહેરોના સીમાડા પર કેવી રીતે અલગ અલગ વિસ્તારોમાં કેવી રીતે ધકેલી દેવામાં આવે છે.
આ પણ વાંચો: મહિલાના શરીર પર માત્ર તેનો જ હક કેમ નહીં?
‘હોમ્સ વિધાઉટ વિન્ડોઝ’ (Homes Without Windows) એક મહત્વપૂર્ણ અને ઊંડી અસર છોડતું પુસ્તક છે. ચંદુ મહેરિયાના નિબંધો શહેરી ગુજરાતમાં જાતિ, ગરીબી અને અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈનો એક વાસ્તવિક અનુભવ રજૂ કરે છે. વાચકના મનમાં જે વાત વસી જાય છે, તે છે તેમની ગરિમા અને રમૂજપૂર્ણ રજૂઆત. અને તે જ આ પુસ્તકને વધુ સશક્ત બનાવે છે.
(મૂળ લેખ મેહુલ દેવકલાએ ધ હિંદુમાં અંગ્રેજીમાં લખ્યો હતો. આ તેનો અનુવાદ છે.)
આ પણ વાંચો: ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો
પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો












Congratulations 🎊 👏
This is written about sc ,poor people lifestyle is absolutely 💯 right.in this time also same difficulties lives with scstobc community in bharat.