પંજાબના શ્રી મુક્તસર સાહિબમાં એક સગીર દલિત છોકરી સાથે કથિત મારપીટ અને ત્યારબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી એકતરફી કાર્યવાહીએ રાજ્યભરમાં ચકચાર મચાવી છે. આ મામલાની ગંભીરતાને જોતા પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ (SC Commission) એ કડક વલણ અપનાવ્યું છે. આયોગે આ મામલે સંતોષકારક કાર્યવાહી ન થવા બદલ અને સગીરાને જેલમાં મોકલવાના ગેરકાયદેસર કૃત્ય બદલ મુક્તસરના SSP ને 10 ફેબ્રુઆરીએ રૂબરૂ હાજર થવા ફરમાન જારી કર્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગત 24 જાન્યુઆરીની રાત્રે શ્રી મુક્તસર સાહિબના ગાંધીનગર વિસ્તારમાં બે પક્ષો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર વિવાદ થયો હતો. પીડિત પક્ષનો આરોપ છે કે આ વિવાદ દરમિયાન અનુસૂચિત જાતિની એક 17 વર્ષની છોકરી પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ માત્ર સગીરા સાથે મારપીટ જ નહોતી કરી, પરંતુ તેના ઘરમાં ઘૂસીને તોડફોડ પણ કરી હતી.

આશ્ચર્યની વાત એ છે કે, પીડિત પરિવારે જ્યારે ન્યાયની આશાએ પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે પોલીસે આરોપીઓ સામે કડક પગલાં લેવાને બદલે ઊલટું સગીર છોકરીને જ કસ્ટડીમાં લઈ લીધી હતી.
આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”

પોલીસે સગીરાને હથકડી પહેરાવી જેલમાં ધકેલી
આ કિસ્સો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે પોલીસે સગીરાને હથકડી પહેરાવી જેલમાં ધકેલી. કાયદાકીય નિયમો મુજબ કોઈપણ સગીરને સામાન્ય ગુનેગારો સાથે જેલમાં રાખી શકાતી નથી, પરંતુ અહીં 17 વર્ષની સગીરાને હથકડી લગાવીને રિમાન્ડ પર સામાન્ય જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ કૃત્ય ‘બાલ સંરક્ષણ અધિનિયમ’ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સીધું ઉલ્લંઘન છે.
જ્યારે આ મામલો પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગના ધ્યાને આવ્યો, ત્યારે આયોગે આને માનવ અધિકારો અને દલિત અધિકારોનું ગંભીર હનન ગણાવ્યું હતું. આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ ‘પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ અધિનિયમ 2004’ ની વિવિધ કલમો હેઠળ કરવામાં આવશે.
SSP ને કડક સૂચના સાથે હાજર થવા ફરમાન
એસસી કમિશને મુક્તસરના એસએસપીને આદેશ આપ્યો છે કે તેઓ 10 ફેબ્રુઆરીએ સંબંધિત એસપી (SP) સાથે આયોગની ઓફિસમાં વ્યક્તિગત રીતે હાજર થાય. આ દરમિયાન તેમણે કેસ ડાયરી, અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. આયોગે ટકોર કરી છે કે સગીરા સાથેની મારપીટ અને પોલીસની શંકાસ્પદ ભૂમિકા—આ બંને વિષયો અત્યંત ગંભીર છે અને આમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: મેરિટમાં આગળ હોય તો જનરલની નોકરીમાં પણ SC-ST-OBCનો હક
પીડિત પરિવારને ન્યાયની આશા
પીડિત પરિવારનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ વગદાર લોકોના દબાણમાં કામ કરી રહી છે. સગીરાને જેલમાં મોકલીને પરિવાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, હવે એસસી કમિશનની સક્રિયતાને કારણે પીડિત પરિવારમાં ન્યાયની આશા જાગી છે. આ મામલે કમિશન દ્વારા લેવામાં આવનારા પગલાં ભવિષ્યમાં પોલીસ પ્રશાસન માટે એક દાખલો બેસાડશે તેવું મનાઈ રહ્યું છે.
જોવાનું એ રહેશે કે 10 ફેબ્રુઆરીએ એસએસપી આયોગ સમક્ષ શું ખુલાસો કરે છે અને જે પોલીસ અધિકારીઓએ સગીરાને હથકડી પહેરાવી જેલમાં મોકલી હતી, તેમની સામે શું શિક્ષાત્મક પગલાં લેવાય છે.
આ પણ વાંચો: અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે દલિત દીકરીએ 14મા માળેથી પડતું મૂક્યું










