જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાંથી વધુ એક દલિતની હત્યાના સમાચાર આવ્યા છે. અહીંના મુઝફ્ફરનગર જિલ્લાના મલીરા ગામમાં રવિવારે સવારે જ્યારે ગ્રામજનો ઉઠ્યા ત્યારે ગામના રસ્તા પર લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ જોઈને ફફડાટ વ્યાપી ગયો હતો. મૃતકની ઓળખ ૨૮ વર્ષીય સંદીપ સિંહ તરીકે થઈ છે, જે મલીરા ગામનો જ રહેવાસી હતો.
અજાણ્યા શખ્સોએ હત્યા કર્યાની આશંકા
સંદીપ તેના પરિવારનો આધારસ્તંભ હતો. શનિવારે સવારે તે રોજની જેમ બામેનહેડી સ્થિત એક ફેક્ટરીમાં પોતાની ડ્યુટી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. આખો દિવસ ફેક્ટરીમાં કાળી મજૂરી કર્યા બાદ તે સાંજે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં અંધારાનો લાભ લઈને ઘાત લગાવીને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેની ઉપર હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સંદીપને બચવાની કોઈ તક આપી નહોતી અને તેની હત્યા કરી તેનો મૃતદેહ સુમસામ રસ્તા પર ફેંકી દીધો હતો. જ્યારે રાત્રે સંદીપ ઘરે ન પહોંચ્યો ત્યારે પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ રવિવારે સવારે તેની લાશ મળતા જ સમગ્ર ગામમાં શોક અને રોષની લહેર દોડી ગઈ હતી.

આ પણ વાંચો: તાંત્રિક વિધિની આડમાં 85 વર્ષની દલિત મહિલા પર રેપ કરાયો
માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી
ઘટનાની જાણ થતા જ શહેર પોલીસ નિરીક્ષક બબલુ સિંહ વર્મા અને રોહાના ચોકીના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર મોહિત કુમાર મોટા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સંદીપના માથાના ભાગે અત્યંત ગંભીર અને ઊંડા ઘા જોવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે કોઈ તીક્ષ્ણ ધારદાર શસ્ત્ર અથવા બોથડ પદાર્થ વડે તેના માથા પર વારંવાર પ્રહાર કરવામાં આવ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે સ્થળ પર જ પુષ્કળ રક્તસ્ત્રાવ થવાને કારણે સંદીપનું મોત નીપજ્યું હતું.

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
ગામમાં આ હત્યાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો તેને અંગત અદાવત માની રહ્યા છે, તો કેટલાક લોકો આમાં કોઈ ગુપ્ત સંબંધોની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, પોલીસે અત્યારે કોઈ પણ સત્તાવાર કારણ જણાવવાની ના પાડી છે. સંદીપના પરિવારની હાલત અત્યંત દયનીય છે. તેના નાના ભાઈ અને માતા-પિતા કામ અર્થે અન્ય સ્થળે ગયા હતા, ત્યારે ઘરે માત્ર તેની પત્ની અને બે માસૂમ બાળકો જ હતા. પિતાની છત્રછાયા ગુમાવનારા આ બાળકો અને વિધવા પત્નીના આક્રંદથી આખું ગામ ધ્રૂજી ઉઠ્યું છે.
આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?
પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
મુઝફ્ફરનગરના પોલીસ અધિક્ષક (નગર) સત્યનારાયણ પ્રજાપતિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ આ કેસને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. ઘટનાના વહેલામાં વહેલી તકે ખુલાસા માટે આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના સીધા માર્ગદર્શન હેઠળ બે વિશેષ ટીમો બનાવવામાં આવી છે.
સીસીટીવી કેમેરાની તપાસ શરૂ
પોલીસની આ ટીમો ફેક્ટરીથી ગામ સુધીના તમામ રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે જેથી હુમલાખોરોની હિલચાલ જાણી શકાય. આ ઉપરાંત સંદીપના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ કઢાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ગુનેગારોની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવશે. આ હત્યા બાદ દલિત સંગઠનોમાં પણ આક્રોશ છે અને તેઓ વહેલી તકે ન્યાયની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 123 વર્ષ બાદ કતલખાનું બનશે, ભાજપે 32 કરોડ ફાળવ્યા!











યોગી આદિત્યનાથ ના શાસન માં આટલી આટલી દલિતો ની યુવાનો ની ક્રૂર હત્યાઓ થઇ રહી છે. ત્યારે કેવું ઘટે કે ગુંડા રાજ હજુ પણ ચાલુ છે યોગી ઠોગી નુ કાંઈજ ઉપજતું હોય કે પછી એની કોઈજ કાયદાકીય દહેશત નાગરિક માં રહી નથી. આવા કૃત્ય કરનાર ને એન્કાઉન્ટર કરી દેશ ની આબાદી ઓછી કરવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.