ભારતમાં પોલીસની છાપ સામાન્ય માણસમાં તેના રક્ષક કરતા ભક્ષકની વધુ રહી છે. અને એટલે જ દેશનો સામાન્ય માણસ કદી તેને સન્માનની નજરે જોતો નથી. ખાખીનું નામ પડતા જ ગરીબ અભણ માણસ તો રીતસરનો ફફડી ઉઠે છે. આવું શા માટે થાય છે તેની સાબિતી આપતી એક ઘટના હાલ યુપીમાંથી સામે આવી છે. જ્યાં ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી એક દલિત મહિલાને મહિલા પીએસઆઈએ જાહેરમાં પાંચ થપ્પડ મારી દીધી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થયા મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાઈ છે.
ઉત્તર પ્રદેશના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવેલી એક દલિત મહિલાને ફરજ પર તૈનાત મહિલા સબ-ઇન્સ્પેક્ટરે જાહેરમાં 5 થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભરીને આરોપી મહિલા દરોગાને સસ્પેન્ડ કરી દીધી છે.

8 સેકન્ડનો વીડિયો વાયરલ થતાં પોલીસ પર ફિટકાર વરસી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અંદાજે 8 સેકન્ડનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ટૂંકા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તે મહિલા સબ-ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટેશનમાં હાજર એક દલિત ફરિયાદી મહિલાને એક પછી એક સતત 5 થપ્પડ મારી રહી છે. પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત ગણાતા સ્થળે જ ન્યાયની આશાએ આવેલી મહિલા પર આ પ્રકારે થયેલા હુમલાનો વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે વારાણસી પોલીસ વિભાગની કાર્યશૈલી અને માનવીય અભિગમ સામે પણ ગંભીર સવાલો ઊભા થવા લાગ્યા છે.
આ પણ વાંચોઃ 7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે રેપ કર્યો, પોલીસે SC-ST એક્ટ ન લગાડ્યો
एक महिला दरोगा दूसरी महिला को महिला लगातार थप्पड़ मार रही हे क्या संविधान अधिकार देता हे
वाराणसी के थाना चौबेपुर क्षेत्र से एक मामला सामने आया है। वायरल वीडियो में SI रोशनी एक महिला को थाने में मारते पीटते दिखाई दे रही हैं।@Uppolice महोदय तत्काल केस संज्ञान में ले pic.twitter.com/7xvK0VM0aq
— National bahujan Sena नेशनल बहुजन सेना (@Nationalsena01) July 18, 2026
જમીન વિવાદના કારણે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો મામલો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ જમીનની માલિકીને લઈને શરૂ થયો હતો. આ મામલો ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરાનાપુર ગામનો હોવાનું બહાર આવ્યું છે. ગામમાં આવેલી વસ્તીની એક જમીનને લઈને દલિત મહિલા પૂનમબેન અને ગામના જ બીજા પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન વિવાદના ઉકેલ માટે અગાઉ સ્થાનિક સ્તરે પંચાયત પણ યોજાઈ ચૂકી હતી, પરંતુ તેમાં કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નહોતો. આથી, આ જ વિવાદના સંદર્ભમાં કાનૂની કાર્યવાહી અને સમાધાન માટે બંને પક્ષો ચૌબેપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં મામલો થાળે પાડવાના બદલે મહિલા પીએસઆઈએ કાયદો હાથમાં લઈને ફરિયાદી મહિલા પર જ હાથ ઉપાડી દીધો હતો.
આરોપી મહિલા પીએસઆઈને સસ્પેન્ડ
દલિત મહિલાને પોલીસ સ્ટેશનમાં જ ફટકારવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ડીસીપીએ આરોપી મહિલા સબ-ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો કડક આદેશ જારી કરી દીધો છે. આ સાથે જ આ મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પત્રકારો અને સામાજિક સંગઠનોનું કહેવું છે કે ન્યાય મેળવવા આવતા ગરીબ ફરિયાદીઓ સાથે આવું અમાનવીય વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.

આ પણ વાંચોઃ પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ











