વણકરે માચીસ બોક્સમાં સમાઈ જાય તેવી 5.5 મીટરની સાડી બનાવી

વણકરે માચીસની ડબ્બીમાં સમાઈ જાય તેવી 5.5 મીટર લાંબી અદ્ભુત રેશમી સાડી વણીને બતાવી, સૌ કોઈ આશ્ચર્યમાં ડૂબાઈ ગયું.
Weaver creates a saree

સામાન્ય રીતે એક સાડીને સાચવીને રાખવા માટે આપણે કબાટમાં ઘણી જગ્યાની જરૂર પડતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું વિચારી શકો કે આખેઆખી 5.5 મીટર લાંબી સાડી એક નાનકડી માચીસની ડબ્બીમાં સમાઈ શકે? આ વાત કદાચ માનવામાં ન આવે, પરંતુ તેલંગાણાના એક વણકરે આ અશક્ય લાગતા કામને હકીકત કરીને બતાવ્યું છે. તેલંગાણાના સિરસિલ્લાના વણકરે એક એવી અદ્ભુત અને દુર્લભ રેશમી સાડી (Matchbox Silk Saree) વણી છે, જે સહેલાઈથી એક નાની માચીસની ડબ્બીમાં ફિટ થઈ જાય છે. આ અનોખી ‘ઇકત’ સાડીના વણાટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વણકરે આ અદ્ભુત સાડી આંધ્રપ્રદેશના પ્રખ્યાત શ્રીશૈલમ મંદિરમાં દેવી ભ્રમરામ્બાને વિશેષ ભેટ તરીકે અર્પણ કરી છે.

1 અઠવાડિયું, આખો પરિવાર કામ કરતો રહ્યો

એક અહેવાલ અનુસાર, આ અનોખી સાડી ‘કલારત્ન’ પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકેલા હથકરઘા (હસ્તકલા) વણકર નલ્લા વિજય કુમાર દ્વારા બનાવવામાં આવી છે. પોતાની આ અદભુત કળા વિશે વાત કરતા વિજય કુમારે જણાવ્યું હતું કે, આ અનોખી સાડીને વણવા માટે તેમણે અને તેમના પરિવારે સાથે મળીને પરંપરાગત હથકરઘા પર આશરે 1 અઠવાડિયા સુધી સતત સખત મહેનત કરી હતી.

આ પણ વાંચો: હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?

માચીસમાં સમાતી સાડીની અનોખી ખાસિયતો

આ સાડી દેખાવમાં ભલે જાદુઈ લાગતી હોય, પરંતુ તે સંપૂર્ણપણે સ્ટાન્ડર્ડ સાઈઝની છે. આ રેશમી સાડીની લંબાઈ 5.5 મીટર અને પહોળાઈ 48 ઈંચ છે. આટલી સંપૂર્ણ લંબાઈ ધરાવતી હોવા છતાં, તેની બારીક વણાટને કારણે આ સાડીનું કુલ વજન માત્ર 200 ગ્રામ છે. આ સાડીને પરંપરાગત ‘ઇકત’ (Ikkat) પેટર્નમાં અત્યંત સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેની વણાટ કારીગરી એટલી તો બારીક, હલકી અને ઉત્કૃષ્ટ છે કે તેને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરવામાં આવે તો તે માત્ર એક નાનકડી માચીસની ડબ્બીમાં આસાનીથી ગોઠવાઈ જાય છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા વણકરનું ભવ્ય સન્માન કરાયું

નલ્લા વિજય કુમારે આ અનોખી રેશમી સાડી શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિર ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ પોથુગુન્ટા રમેશ નાયડુ અને ટ્રસ્ટી બોર્ડના સભ્ય કોડે કંથિવર્ધિનીની વિશેષ ઉપસ્થિતિમાં દેવી માતાના ચરણોમાં ભેટ ધરી હતી. વણકરની આ અદ્ભુત ભેટનો આદરપૂર્વક સ્વીકાર કરીને મંદિરના અધ્યક્ષ રમેશ નાયડુએ વણકરની અદભુત કળા અને કારીગરીના મુક્તકંઠે વખાણ કરી તેમનું સન્માન કર્યું હતું.

આ પણ વાંચો: “દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”

તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હથકરઘા વણાટ એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ પેઢીઓથી ચાલી આવતી આપણા દેશની એક મહાન, ઐતિહાસિક અને ગૌરવશાળી કળા છે. તેમણે દેશના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ ભારતના પરંપરાગત વણકરો અને હથકરઘા ઉત્પાદનો (Handloom Products) ને પ્રોત્સાહન આપે.

વણકરની આ અદભુત ભેટના બદલામાં મંદિર પ્રશાસન તરફથી આ પ્રતિભાશાળી વણકર અને તેમની આખી ટીમને દેવી માતાના વિશેષ અને ભવ્ય દર્શન કરાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અનોખી સાડી અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x