ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર(Dr Ambedkar)ની વાત નીકળે એટલે આપણી કલ્પના સામે એક એવું વિરાટ વ્યક્તિત્વ ખડું થઈ જાય છે, જે ગંભીર ચહેરા સાથે હાથમાં પુસ્તક લઈને દેશને શિક્ષણનું મહત્વ સમજાવતું હોય. મહાનાયક ડો.આંબેડકરને આપણે એટલે જ સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે, આ કડક ચહેરા પાછળ એક કરૂણ ચહેરો પણ હતો, જે ક્યારેક એકલતા દૂર કરવા માટે વાયોલિન વગાડી(play the violin) પોતાનું દુઃખ હળવું કરવા મથતો હતો.
બાબાસાહેબ આંબેડકરે પોતાના જીવનમાં માત્ર સામાજિક સંઘર્ષ જ નહોતો જોયો, પરંતુ તેમણે એક ભયાનક એકલતા પણ વેઠી હતી. પુસ્તકો સાથે તેમનો સંબંધ ખૂબ જ ઊંડો હતો, પરંતુ ઉંમર વધવાની સાથે જ્યારે તેઓ ઘણી બીમારીઓથી ઘેરાયા ત્યારે તેમને પ્રથમ વખત પત્ની રમાબાઈની ખોટ સાલી હતી. ખૂબ જ નાની ઉંમરે તેમણે પોતાની જીવનસંગિની ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?
પત્નીના અવસાનના ગમને ભુલાવવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન દલિતો અને વંચિતોના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું. વર્ષ 1935માં માતા રમાબાઈના નિધન પછી તેઓ આશરે 13 વર્ષ સુધી એકલા જ રહ્યા. વર્ષ 1948માં સવિતા આંબેડકર તેમના જીવનસંગિની બન્યા અને આ એકલતા દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ બાબાસાહેબના મનમાં રહેલા એ શૂન્યાવકાશને ભરી શક્યા નહીં, જે તેમના વહાલા નાના પુત્રના જવાથી સર્જાયો હતો.
મધરાતે વાયોલિનના સૂર અને આંસુઓનું ઘોડાપૂર
દિલ્હીના અલીપુર રોડ સ્થિત આવાસ પર બાબાસાહેબ ઘણીવાર ઊંડી વેદનામાં ડૂબી જતા હતા. પોતાના આ આંતરિક દર્દને તેઓ શબ્દો દ્વારા નહીં, પરંતુ સંગીતના માધ્યમથી વ્યક્ત કરવાનો પ્રયાસ કરતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે બાબાસાહેબને વાયોલિન વગાડવાનો ખૂબ શોખ હતો અને તેમણે તેની વિધિવત તાલીમ પણ લીધી હતી.
આ પણ વાંચો: શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP

વાત વર્ષ 1950ના દાયકાની છે. બાબાસાહેબે રાજકારણ છોડી દીધું હતું અને તેઓ પોતાનો મોટાભાગનો સમય બૌદ્ધ ધર્મ વિશે સંશોધન કરવામાં તેમજ ‘બુદ્ધા એન્ડ હીઝ ધમ્મ’ પુસ્તક લખવામાં વિતાવતા હતા. મધરાત સુધી પુસ્તકો વાંચ્યા પછી જ્યારે પણ સમય મળતો, ત્યારે તેઓ વાયોલિન વગાડતા.
એક રાત્રે તેમના સહાયકને બાબાસાહેબના રૂમમાંથી વાયોલિનનો અવાજ સંભળાયો, પરંતુ એ અવાજમાં શાંતિ નહીં પણ અસહ્ય પીડા અને દર્દ હતા. સહાયક જ્યારે રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે બાબાસાહેબની બંધ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સહાયકે પૂછ્યું, “બાબાસાહેબ, આજે તમારા સંગીતમાં આટલી ઉદાસી કેમ છે?” ત્યારે આંસુ ભરેલી આંખો સાથે બાબાસાહેબે કહ્યું, “ખબર નહીં કેમ, આજે રાજરતન બહુ યાદ આવી રહ્યો છે…”
પુત્ર રાજરતનની વિદાય અને કફન માટે પણ પૈસા નહીં
રાજરતન એ બાબાસાહેબનો સૌથી નાનો અને લાડકો દીકરો હતો, જેનો જન્મ વર્ષ 1924માં થયો હતો. જ્યારે તે માત્ર 2.5 વર્ષનો હતો, ત્યારે તેને ડબલ ન્યુમોનિયા થઈ ગયો. તે સમયે બાબાસાહેબ વકીલાત કરતા હતા, પરંતુ તેઓ ગરીબોના કેસ મફતમાં અથવા બહુ ઓછા પૈસા લઈને લડતા હોવાથી ઘરમાં હંમેશા આર્થિક તંગી રહેતી. પૈસાના અભાવે રાજરતનની કોઈ મોટી હોસ્પિટલમાં સારવાર ન થઈ શકી અને દેશી ઈલાજ વચ્ચે જ વર્ષ 1926માં તેનું અવસાન થઈ ગયું.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
આ આઘાતથી માતા રમાબાઈ ભાંગી પડ્યા હતા, પરંતુ ખરી કસોટી તો હજુ બાકી હતી. બાળકના અંતિમ સંસ્કાર વખતે ખબર પડી કે ઘરમાં કફન ખરીદવા જેટલા પણ પૈસા નથી! સગા-સંબંધીઓએ મદદ કરવાની કોશિશ કરી, પણ બાબાસાહેબનું સ્વાભિમાન આડે આવ્યું. આખરે, માતા રમાબાઈની એક જૂની સાડીમાં 2.5 વર્ષના માસૂમ રાજરતનના મૃતદેહને લપેટીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાબાસાહેબનો એકમાત્ર જીવિત પુત્ર યશવંતરાવ આંબેડકર પણ તેમનાથી ઘણીવાર નારાજ રહેતા, કારણ કે તેમનું માનવું હતું કે બાબાસાહેબે સમાજના કલ્યાણ માટે પરિવારને નજરઅંદાજ કર્યો, જેના લીધે ગરીબી અને સારવારના અભાવે ભાઈ-બહેનોને ગુમાવવા પડ્યા.
ત્યાગ પરિવારનો, સફળતા દુનિયાની
જ્યારે પણ બાબાસાહેબ હાથમાં વાયોલિન લેતા, ત્યારે તેમને અહેસાસ થતો કે તેઓ સંગીતના માધ્યમથી રમાબાઈ અને પોતાના મૃત બાળકો સાથે વાત કરી રહ્યા છે. તેઓ સંગીત દ્વારા પોતાના પરિવાર સાથે જોડાતા હતા. કહેવાય છે કે જે સમાજ માટે અજવાળું બનવા માંગે છે, તેણે પહેલા પોતાની જાતને સળગાવવી પડે છે.
બાબાસાહેબે પોતાના અંગત દુઃખોને બાજુ પર મૂકીને એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે ભવિષ્યમાં મોટું પરિવર્તન લાવી શકે. બધું જ ગુમાવ્યા પછી પણ તેમણે ભારતના વંચિતો, શોષિતો અને દલિતોને સમાનતા અપાવવા માટે એક ઐતિહાસિક બંધારણની રચના કરી. બાબાસાહેબના આ ત્યાગ અને તકલીફને માત્ર તેમના પરિવારે જોઈ હતી, પરંતુ તેમની આ અજોડ સફળતા આજે આખી દુનિયા જોઈ રહી છે.
આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા












Wonderful article