આભડછેટનો અનુભવઃ એક શિક્ષક તરીકે મારું જીવન હંમેશાં મૂલ્યો, નૈતિકતા અને બંધારણીય આદર્શો પર ચાલ્યું છે. વર્ગખંડમાં જ્યારે હું બાળકોને બંધારણની કલમ-17 (અસ્પૃશ્યતા નિવારણ) અને સમાનતાના અધિકારના પાઠ ભણાવું છું, ત્યારે મને ગર્વ થતો હતો કે આપણો સમાજ હવે ઘણો આગળ નીકળી ગયો છે. પરંતુ, શનિવારની એ કાળી સાંજે મારા આ આદર્શવાદી ભ્રમને જડમૂળથી હચમચાવી નાખ્યો. એ સાંજે મને સમજાયું કે મકાનો ભલે બહુમાળી થયા, પણ માનવીના વિચારો આજેય જાતિવાદના સંકુચિત ચોકઠામાં જ જકડાયેલા છે.
હું શાળાએથી થાક્યો-પાક્યો ઘરે આવ્યો અને જેવી ડોરબેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો. તેને જોતા જ હું સ્તબ્ધ થઈ ગયો. જે પત્ની પોતે એક શિક્ષિકા છે, જે સેંકડો બાળકોના ભવિષ્યને આકાર આપે છે, તેની આંખોમાં આંસુ હતા. મેં વ્યાકુળ થઈને પૂછ્યું, “શું થયું? કેમ આટલી વ્યથિત છે?” ત્યારે તેણે ડૂસકાં ભરતા જે વાત કરી, તે સાંભળીને મને ડૉ. બાબાસાહેબ આંબેડકરના એ શબ્દો યાદ આવ્યા કે, “હિંદુ ધર્મ એ એક એવું બહુમાળી મકાન છે જેમાં સીડી નથી; જે માણસ જે માળે જન્મે છે, ત્યાં જ તેણે સડવું પડે છે.”

પત્નીએ રડતા રડતા કહ્યું કે, આજે શાળાએથી વહેલી આવી ત્યારે પડોશના ફ્લેટમાં રહેતી ત્રણ વર્ષની માસૂમ બાળકી તેની પાસે આવી. મેં તેને વાત્સલ્યપૂર્વક મારા ટિફિનમાંથી સુખડીનો ટુકડો આપ્યો હતો.
આ પણ વાંચો: ‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’

મેં તેને મારી પાસે બેસાડીને ફરી પૂછ્યું શું થયું ત્યારે તેણે રડતા રડતા જવાબ આપ્યો કે, “આજે શનિવાર હોવાના કારણે હું શાળાએથી વહેલી આવી ગઈ હતી. હું આપણા ઘરનો દરવાજો ખોલતી હતી તે સમય દરમિયાન સામેના ઘરમાંથી એક નાની ત્રણ વર્ષની દીકરી મારી પાસે આવી. હું તેને જોઈને હસી તો તે પણ મારી સામે જોઈ મીઠું હસી. મારા પાકીટમાં આપણા ઘરેથી બનાવીને નિશાળે લઈ ગયેલ ટિફિનમાં સુખડી હતી. મે દીકરીને જોઈ તેને મારા ટિફિનમાંથી સુખડીનો ટુકડો કાઢીને તેને આપ્યો. આ એક શુદ્ધ માનવીય વ્યવહાર હતો. સામેવાળા ફ્લેટમાં રહેતા બેનના સાસુ, જે હમણાં જ એમની સાથે રહેવા આવ્યા હતા, તેઓ આ જોઈ ગયા. તેઓ તરત જ બહાર આવ્યા અને દીકરીને પોતાના ઘરમાં લઈ ગયા. બીજા પડોશીઓ પણ તેમની સાથે તેમના ઘરમાં બેઠાં હતા, તેથી હું તેમના ઘર તરફ આગળ વધી અને ઘરના દરવાજા પાસે ઊભી રહી અને બીજા પડોશીઓ સાથે વાતચીત કરવા લાગી. આ જોઈ પેલા ડોશી તરત જ બોલ્યા, ‘બેન મારા ઘરમાં ગણપતિ બેસાડેલા છે એટલે તમે અંદર આવશો નહીં , હવે મારે તમારા કારણે આખું ઘર ધોવું પડશે.’ આટલું બોલતા બોલતા મારા પત્ની ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રોઈ પડ્યા.
આ માત્ર શબ્દો નહોતા, પણ મારા મન પર થયેલો એસિડ એટેક હતો. પત્નીનો પ્રશ્ન મારા હૃદયને ચીરી રહ્યો હતો: “શું અમે અનુસૂચિત જાતિના છીએ એટલે ભગવાન પણ અમારાથી અભડાય છે? અમે સુસંસ્કૃત છીએ, શિક્ષિત છીએ, છતાં કોઈને અમારા કારણે ઘર ધોવું પડે એવો તે કેવો ધર્મ?”
આ ઘટના મને સીધી મહાત્મા જ્યોતિબા ફૂલે અને જ્ઞાનની દેવી સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષ તરફ લઈ ગઈ. 19મી સદીમાં જ્યારે સાવિત્રીબાઈ પછાત વર્ગની બાળકીઓને ભણાવવા જતા, ત્યારે જાતિવાદીઓ તેમના પર છાણ અને પથ્થર ફેંકતા હતા. આજે 21મી સદીમાં, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં સાવિત્રીબાઈની એ જ વારસદાર (મારી પત્ની) પર શબ્દોની ગંદકી ફેંકવામાં આવી હતી.
જ્યોતિબા ફૂલેએ જે જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો હતો, તે દીવાને આજે પણ જાતિવાદી તત્વો બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યોતિબાએ કહેલું, “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ.” પેલા ડોશી પાસે ન તો ભણતર હતું, ન સંસ્કાર, છતાં તે માત્ર તેની કથિત સવર્ણ જાતિના કારણે અમારું અપમાન કરી ગઈ.
આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’
ડૉ. બાબાસાહેબ આંબેડકરે મહાડના સત્યાગ્રહ વખતે પાણી પીવા માટે જે સંઘર્ષ કર્યો હતો, તે માત્ર પાણી માટે નહોતો પણ માણસ તરીકેના સન્માન માટે હતો. આજે અમે અમારા જ ફ્લેટના ઉંબરે એ જ સન્માન માટે વલખાં મારી રહ્યા છીએ. શું ગણપતિ, જે વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ કહેવાય છે, તે ખરેખર એક પવિત્ર હૃદયની સ્ત્રીના સ્પર્શથી અભડાઈ જાય? જો ઈશ્વર કણેકણમાં છે, તો શું તે અનુસૂચિત જાતિના વ્યક્તિમાં નથી? આ તો ઈશ્વરનું પણ અપમાન છે. પેલા બહેને ‘ઘર ધોવાની’ વાત કરીને બતાવી આપ્યું કે તેમનો ધર્મ માત્ર શુદ્ધતા-અશુદ્ધતાના પાખંડ પર ટકેલો છે.
બાબાસાહેબે બંધારણ દ્વારા આપણને હક તો અપાવ્યા, પણ તેમણે હંમેશાં ચેતવણી આપી હતી કે, “સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.” જ્યાં સુધી માણસના મનમાંથી જ્ઞાતિવાદનું ઝેર નહીં નીકળે, ત્યાં સુધી ભૌતિક વિકાસ નિરર્થક છે. અમે આર્થિક રીતે સધ્ધર થયા, સારા વિસ્તારમાં રહેવા આવ્યા, પણ પડોશીઓની માનસિકતા હજુ એ જ અંધકારમય મધ્યયુગમાં અટવાયેલી છે.
આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’
આ આઘાતજનક પ્રસંગે મને સામાજિક ક્રાંતિના મશાલચીઓની યાદ અપાવી. સાવિત્રીબાઈ ફૂલેએ જે વેદના સહન કરી હતી, તેનો એક અંશ આજે મારી પત્નીએ સહન કર્યો. પણ એક શિક્ષક તરીકે, આ ઘટનાથી હું તૂટવાને બદલે વધુ મક્કમ થયો છું. મારે હવે મારા વિદ્યાર્થીઓને માત્ર વિષય નથી ભણાવવાના, પણ તેમને ‘માણસ’ બનાવવાની લડત તેજ કરવાની છે. બાબા સાહેબનો સંદેશ “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
આ ઘટના એ વાતની સાબિતી છે કે બહુજન મહાપુરુષોની લડાઈ હજુ અધૂરી છે. આપણે હજુ એવા સમાજનું નિર્માણ કરવાનું બાકી છે જ્યાં કોઈ માસૂમ દીકરીને સુખડી આપતી વખતે કોઈ સ્ત્રીએ પોતાની જ્ઞાતિનો ડર ન રાખવો પડે. જે દિવસે શિક્ષિત લોકો ‘ઘર ધોવા’ ને બદલે ‘મન ધોતા’ શીખશે, તે દિવસે જ સાવિત્રીબાઈ અને બાબાસાહેબના સપનાનું ભારત સાકાર થશે. આ આઘાત મારા હૃદયમાં એક નવી ક્રાંતિની જ્યોત પ્રગટાવી ગયો છે. ગંદકી અમારા પગલામાં નહીં, પણ આભડછેટ પાળનારાના વિચારોમાં છે.
મહેન્દ્રભાઈ મકવાણા, (શિક્ષક, વેજલપુર, અમદાવાદ)
આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’










