’25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી’

આભડછેટનો અનુભવઃ મોરબીના એક અંતરિયાળ ગામના દલિત યુવકને નાનપણમાં ત્રણ થપ્પડો પડેલી. આજે 25 વર્ષ પછી પણ તેઓ એ ઘટનાને લોકો સમક્ષ મૂકી રહ્યાં છે.
untouchability

આભડછેટનો અનુભવઃ મારી ઉંમર 32 વર્ષ છે. રાજકોટમાં રહું છું. સવાર પડ્યે અહીંના ધમધમતા રસ્તાઓ પર મારા સેન્ટિંગના કામે જવા નીકળું છું ત્યારે લોકો મને એક સતત વ્યસ્ત રહેતો મૌન માણસ માને છે. પરંતુ તેમને ખ્યાલ નથી કે, મૌન દેખાતા મારા ચહેરા પાછળ આજથી પચીસેક વર્ષ પહેલા બનેલી એક ક્રૂર ઘટના છે. મારા મૌન પાછળ એખ આઠ વર્ષનો નાનકડો બાળક છુપાયેલો છે, જે આજે પણ મોરબીના એક અંતરિયાળ ગામના તળાવ કાંઠે બેસીને રડી રહ્યો છે. આજે પહેલીવાર હું એ કાળી રાત જેવી યાદને વાચા આપી રહ્યો છું, જે મેં અત્યાર સુધી મારા પિતા કે માતાને પણ કહી નથી.

એ ઘટના ભૂલી ભૂલાતી નથી. જ્યારે પણ એ યાદ આવે છે ત્યારે વર્ષો પહેલાની એ બપોર આજે પણ મારી નજર સામે લોહીલુહાણ થઈને ઊભી રહી જાય છે. એ સમયે હું ગામની પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં ભણતો હતો. નાનપણની એ ઉંમર કેટલી નિર્દોષ હોય છે! અમને તો એ પણ ખબર નહોતી કે આ દુનિયામાં માણસો લોહીથી નહીં પણ જ્ઞાતિથી ઓળખાય છે. શાળામાં મારા સવર્ણ મિત્રો સાથે હું રમતો, અમે સાથે બેસતા અને સાથે ભણતા. એક દિવસ શાળા છૂટ્યા પછી અમે સૌ મિત્રો તળાવના કાંઠે રમતા હતા. ત્યાં હનુમાનજીનું મંદિર હતું. મારા સવર્ણ મિત્રો તો દોડીને મંદિરના પટાંગણમાં જઈને રમવા લાગ્યા. તેમણે મને બૂમ પાડી, “સંજય, ચાલ અંદર… અહીં બહુ મજા આવશે!”

મિત્રોના આગ્રહ અને બાળસહજ જિજ્ઞાસાને વશ થઈને મેં મંદિરના ઉંબરાની અંદર ડગલું માંડ્યું. મારે કોઈ ભગવાનના દર્શન નહોતા કરવા, મારે તો બસ મારા ભાઈબંધો સાથે રમવું હતું. હું મંદિરમાં હજુ તો પગ મૂકીને આમ-તેમ દોડું એ પહેલાં જ મંદિરનો વહીવટ સંભાળતા ત્રણ સેવકોની નજર મારા પર પડી. તેમણે અંદરોઅંદર કંઈક વાતચીત કરી. એ પછી એમાંથી એક વ્યક્તિએ મને ઈશારો કરીને તેમની પાસે બોલાવ્યો. હું કુતૂહલતાથી તેની નજીક ગયો. હજુ તો હું કંઈ બોલું એ પહેલાં જ, તેણે સટ્ટાક દઈને મારા ગાલ પર એક થપ્પડ ઝીંકી દીધી.

આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’

‘સટ્ટાક…’ એ અવાજ આજે પણ મારા કાનમાં ગુંજે છે. મારા કાનમાં તમરાં બોલી ગયા, આંખ સામે અંધારાં છવાઈ ગયાં અને મોઢામાં લોહીનો સ્વાદ ઉતરી આવ્યો. હજુ તો હું શ્વાસ લઉં એ પહેલાં બીજી અને ત્રીજી થપ્પડ પડી. “અલ્યા ઢે#@! તને ખબર નથી પડતી? તું અહીં ક્યાં ઘૂસી આવ્યો? આખું મંદિર અભડાવી દીધું!” એ શબ્દો થપ્પડ કરતા પણ વધુ ઝેરીલા હતા. મને પકડીને જાણે કોઈ ગંદકી હોય તેમ મંદિરની બહાર ફેંકી દેવામાં આવ્યો.

હું રડતો રહ્યો, મારા પેલા મિત્રો પણ લાચાર બનીને જોતા રહ્યા. હું હીબકાં ભરતો ઘરે પહોંચ્યો, પણ ઉંબરે પહોંચતા જ મેં મારા ઝડપી શ્વાસ અને આંસુને રોકી લીધા. મેં અરીસામાં જોયું, મારા ગાલ પર આંગળીઓના લાલચોળ નિશાન ઉભરી આવ્યા હતા. મારા માતાપિતાને એમ કે, રમતી વખતે કંઈક થયું હશે. તેમણે કશું પૂછ્યું નહીં અને મેં કહ્યું નહીં. મેં ચુપચાપ એ દર્દ પી લીધું. એ રાત્રે મને તાવ ચઢી ગયો હતો, પણ ઘરનાને લાગ્યું કે હું બહું રખડું છું એટલે રમતમાં થાક લાગ્યો હશે. પરંતુ એ તાવ શરીરનો નહોતો, એ તાવ તો એ અપમાનનો હતો જેણે મારા બાળપણને છિન્નભિન્ન કરી નાખ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?

જેમ-જેમ હું મોટો થયો અને મને સમજાતું ગયું કે જે મૂર્તિને હું ‘દુઃખભંજન’ સમજતો હતો, તેના જ રખેવાળોએ મને આજીવન મટે નહીં તેવું દુઃખ આપ્યું હતું. મને સમજાઈ ગયું કે ગામના રામજી મંદિરમાં અમને પ્રવેશ કેમ નથી મળતો. આભડછેટ શું છે, તેની વ્યાખ્યા મારે કોઈ પુસ્તકમાં વાંચવાની જરૂર ના પડી; એ તો મારા ગાલ પર પડેલી પેલી થપ્પડોએ મને શિખવાડી દીધી હતી.

આજે જ્યારે હું રાજકોટમાં રહું છું અને મારા કામમાં વ્યસ્ત હોઉં છું, ત્યારે અચાનક ક્યાંક હનુમાનજીનો ફોટો દેખાય, તો મારું હૃદય ધબકારો ચૂકી જાય છે. મને મનુવાદીઓા ભગવાન પ્રત્યે નફરત નથી, પણ એ વ્યવસ્થા પ્રત્યે નફરત છે જેણે એક બીજા ધોરણના બાળકને તેના દલિત હોવાના ગુના હેઠળ આટલો ક્રૂર માર માર્યો હતો. એ ઘા આજે 25 વર્ષ પછી પણ રૂઝાયો નથી. દેતવા પર જેવી રાખ જામી ગઈ હોય અને પવન આવતા જ તે ધગધગે, તેમ આજે આ વાત લખતા મારો આક્રોશ ધગધગી રહ્યો છે.

પરંતુ, આ વેદનાએ મને એક નવો રસ્તો બતાવ્યો. મેં નક્કી કર્યું કે હવે મારે કોઈના મંદિરના પગથિયાં નથી ઘસવા. મને મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચારોમાં મારો સાચો ધર્મ મળી ગયો છે. જ્યોતિબાએ કહ્યું હતું કે “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ…” મેં એ વાત ગાંઠે બાંધી લીધી. જે સમાજ આપણને મંદિરમાં નથી બેસવા દેતો, એ સમાજની બરાબરી કરવા માટે મેં કન્સ્ટ્રક્શન લાઈનમાં દિવસ-રાત એક કરી દીધા. આજે હું ઈમારતો ચણું છું, કારણ કે મને ખબર છે કે મજબૂત પાયા વિના કોઈ ભવિષ્ય નથી.

આ પણ વાંચો: ‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’

આજે હું મારા સમાજના ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે, જે મંદિરોમાં તમારા બાળકોને ધિક્કાર મળતો હોય ત્યાં જવાનું બંધ કરો. આપણું સાચું મંદિર મહાત્મા ફૂલે અને ડો. આંબેડકરનું સાહિત્ય છે. જ્યોતિબાએ પોતાના ઘરના પાણીના કૂવા દલિતો માટે ખોલી નાખીને જે ક્રાંતિ કરી હતી, એવી જ ક્રાંતિ આપણે શિક્ષણ અને વ્યવસાય દ્વારા કરવાની છે. મંદિરમાં ચડાવવામાં આવતા નાળિયેર અને દાન કરતા તમારા બાળકની શિક્ષણ ફી પાછળ એ પૈસા ખર્ચો.

આજે 32 વર્ષની ઉંમરે હું ગર્વથી કહી શકું છું કે હું આર્થિક રીતે સશક્ત છું, પણ એ સફળતા પાછળ પેલી ત્રણ થપ્પડોનો આક્રોશ છે. એ જાતિવાદીએ મારા ગાલ પર જે આંગળીઓ છાપી હતી, એ જ આંગળીઓએ આજે મને મહેનત કરીને સફળતાના શિખરો સર કરતા શીખવ્યું છે. હવે કોઈની હિંમત નથી કે મને ‘તમે કેવા?’ એમ પૂછીને હાથ ઉપાડે.

સંજયભાઈ પરમાર(મોરબી, હાલ-રાજકોટ)

આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x