અમદાવાદ: અમદાવાદના વેજલપુરમાં રહેતા જાણીતા દલિત એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર રાકેશ મહેરિયા(Rakesh Mehria)ને અમદાવાદ સહિત આસપાસના 5 જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે હદપાર (તડીપાર) કરવા(notice for deportation) અંગેની કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ નોટિસના વિરોધમાં અને રાકેશ મહેરિયાના સમર્થનમાં ગુજરાતભરના દલિત સંગઠનો, અગ્રણી વકીલો અને સામાજિક કાર્યકરો એકજૂથ થયા છે. ગઈકાલે વેજલપુર ખાતે રાકેશ મહેરિયાના નિવાસસ્થાને એક મોટી જન સમર્થન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાયદાકીય અને સામાજિક સ્તરે લડત આપવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે.
અમદાવાદ પ્રશાસન દ્વારા આ તડીપારની નોટિસ જાહેર કરવા માટે રાકેશ મહેરિયા વિરુદ્ધ ભૂતકાળમાં નોંધાયેલા ત્રણ પડતર (Court Pending) ગુનાઓને કાયદાકીય આધાર બનાવવામાં આવ્યો છે. આ કાયદાકીય પત્રક મુજબ, પ્રથમ ગુનો આનંદનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં ગુના રજિસ્ટર નંબર 11191001250074/25 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 221 અને 54 મુજબ નોંધાયેલો છે, જેની દાખલ તારીખ 26-3-2025 છે.

બીજો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં ગુના રજિસ્ટર નંબર 11191020220281/2022 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 186, 332, 264(B), 143, 147, 149 મુજબ 30-3-2022 ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ અપંગ દલિત RTI એક્ટિવિસ્ટની બિલ્ડરોએ 20 લાખમાં હત્યા કરાવી
ત્યારબાદ ત્રીજો ગુનો પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ વર્ષ 2020 માં ગુના રજિસ્ટર નંબર 11191020200101/2020 હેઠળ આઈ.પી.સી. કલમ 186, 323, 332, 143, 147, 149 મુજબ 5-2-2020 ના રોજ નોંધાયો હતો. આ ત્રણેય ગુનાઓ હાલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ સ્થિતિમાં છે. આ ઉપરાંત નોટિસમાં 5 અજાણ્યા સાક્ષીઓના ગુપ્ત નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમામ નિવેદનો 28-5-2025 ના રોજ લેવાયેલા હોવાનું દર્શાવાયું છે. આ નિવેદનોમાં આક્ષેપ કરાયો છે કે રાકેશ મહેરિયા વિસ્તારના લારી-ગલ્લા ધારકો અને નાના વેપારીઓ પાસેથી કથિત રીતે નાણાં પડાવવા તેમજ ડરનું વાતાવરણ ઊભું કરવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
પોલીસે તડીપાર કરવાની નોટિસ ફટકારી
આ મામલે પોલીસ દ્વારા રાકેશ મહેરિયાને તડીપાર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. મદદનીશ પોલીસ કમિશનર, ‘ડી’ ડિવિઝન કચેરી, અમદાવાદ દ્વારા રાકેશ મહેરિયાને આ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જેનો જાવક પત્ર ક્રમાંક: ડી/હદપ/911/2026 અને તારીખ: 16-5-2026 છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે કલમ 56(ખ) અન્વયે રાકેશ મહેરિયા સામે મૂકવામાં આવેલા આક્ષેપો જો સાબિત થાય, તો તેમને અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની હદમાંથી 2 વર્ષની મુદત માટે હદપાર કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો
નોટિસના આધારે કાયદેસરનો ખુલાસો રજૂ કરવા અને પોતાના બચાવ પક્ષના સાક્ષીઓ તેમજ 15,000 રૂપિયાના જામીન અને જાતમુચરકા સાથે 22-5-2026 ના રોજ બપોરે 1.00 કલાકે કાલુપુર રેલ્વે સ્ટેશન સામે આવેલી ‘ડી’ ડિવિઝન ઑફિસ ખાતે રૂબરૂ હાજર રહેવા આદેશ કરાયો હતો. આ નોટિસની સત્તાવાર બજવણી આનંદનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કુલદીપસિંહ નારુકા દ્વારા સ્થળ પર રૂબરૂમાં કરવામાં આવી છે.
સામાજિક સંગઠનોનો વિરોધ અને જનઆક્રોશ
દલિત સમાજના અગ્રણીઓ, વકીલો અને સામાજિક એક્ટિવિસ્ટોએ પ્રશાસનના આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત ગણાવ્યા છે. પ્રશાસન દ્વારા ગરીબો અને વંચિતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે વેજલપુર ખાતે રાકેશ મહેરિયાના નિવાસસ્થાને એક મોટી સમર્થન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસાણા, વિરમગામ, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદના સરસપુર, બાપુનગર, નરોડા અને વાસણા જેવા વિવિધ વિસ્તારોમાંથી પ્રમુખ સંગઠનોના આગેવાનો સહિત અનેક નામી-અનામી લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદની ભીમ શક્તિ સેનાના 12 આગેવાનો 8 વર્ષે નિર્દોષ છૂટ્યાં!
આ બેઠકમાં ભીમસેના પ્રમુખ મનીષભાઈ સોંદરવા, સુરેશ સોંદરવા, ભીમ આર્મી ગુજરાત પ્રમુખ કમલેશભાઈ ધવન, એક્ટિવિસ્ટ કિરીટ રાઠોડ, એડવોકેટ કૌશિક મંજુલા બાબુભાઈ, એડવોકેટ યશ મકવાણા, પ્રકાશભાઈ બેંકર, એડવોકેટ દર્શિલ કંથારિયા અને કુણાલ રાઠોડ, કાંતિલાલ પરમાર, અરૂણ પટેલ, મનીષ ભારતીય સહિતના અગ્રણીઓએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. આગેવાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે રાકેશ મહેરિયા વર્ષોથી લારી-ગલ્લા અને પાથરણા વાળા ગરીબ શ્રમિકોના હકો માટે જમીની સ્તરે લડત ચલાવે છે, જેથી આ તડીપારની નોટિસ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ નથી પરંતુ સમગ્ર શોષિત સમાજના સ્વાભિમાન પર પ્રહાર છે અને તેનો મજબૂતીથી સામનો કરવામાં આવશે.
કાયદાકીય લડત અને આગામી રણનીતિ
વેજલપુરની સમર્થન બેઠકમાં કાયદાકીય અને લોકતાંત્રિક રીતે પ્રશાસન સામે લડત આપવા માટેની ચોક્કસ રણનીતિ નક્કી કરવામાં આવી છે. હાઈકોર્ટ અને કાયદાકીય મંચ પર આ કેસને મજબૂતાઈથી લડવા માટે અગ્રણી વકીલોની એક વિશેષ લીગલ ટીમ તૈયાર કરવામાં આવી છે.
આ કાયદાકીય પ્રક્રિયા અને આગામી આંદોલનની સત્તાવાર રૂપરેખા ઘડવા માટે આજે તા. 26-5-2026 ના રોજ બીજી મહત્વની મિટિંગની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનોએ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો બંધારણીય અને લોકતાંત્રિક અવાજને કચડવાનો પ્રયાસ ચાલુ રહેશે, તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી










