ભારત ભલે આજે ટેકનોલોજી અને આધુનિકતાના શિખરો સર કરી રહ્યું હોય, પરંતુ ગ્રામીણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ જ્ઞાતિવાદના મૂળ કેટલા ઊંડા છે તેનું વરવું ઉદાહરણ કર્ણાટકમાંથી સામે આવ્યું છે. કર્ણાટકના ગદગ જિલ્લાના શિંગાતાલુર ગામમાં વર્ષોથી વાળંદો દલિતોના વાળ કાપતા નથી. જો કે, સરકારે આવા તત્વો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાને બદલે તેમને છાવરવાનું શરૂ કર્યું અને રાજ્યના સમાજ કલ્યાણ વિભાગે દલિતો માટે સરકારી સલૂન શરૂ કર્યું છે.
સરકાર આને ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું માની રહી છે. પરંતુ વાસ્તવમાં તે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા છે. મનુવાદી તત્વોને એટ્રોસિટી જેવા મજબૂત કાયદાનો પણ ડર નથી તે ખુદ સરકારે સાબિત કરી દીધું. આ ઘટનાએ સામાજિક સમાનતાના દાવાઓ વચ્ચે જ્ઞાતિવાદના કડવા સત્યને ફરી એકવાર ઉજાગર કર્યું છે.

અંધશ્રદ્ધાની આડમાં અસ્પૃશ્યતાનું વરવું સ્વરૂપ
શિંગાતાલુર ગામમાં વર્ષોથી એક વિચિત્ર અને જડ માન્યતા પ્રચલિત હતી. ગ્રામીણ અંધશ્રદ્ધા મુજબ, એવું માનવામાં આવતું હતું કે વર્ષના અમુક ખાસ દિવસોમાં, ખાસ કરીને મહાનવમી દરમિયાન, આરાધ્ય દેવ વીરભદ્રેશ્વર સ્વામી હડપડા (હજામ) સમાજના લોકોના ઘરે પધારે છે. આ પવિત્ર સમય દરમિયાન જો દલિત સમાજની કોઈ વ્યક્તિના વાળ કાપવામાં આવે કે સેવા આપવામાં આવે, તો તે ગામ માટે ‘અશુભ’ ગણાય છે અને તેનાથી મોટું સંકટ આવી શકે છે. આ પાયાવિહોણી અંધશ્રદ્ધાને બહાનું બનાવીને સ્થાનિક હજામોએ દલિતોને પાયાની સેવાઓ આપવાનું બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો: ‘કાર પાછી વાળો, દલિત થઈને અમારી સામેથી નીકળવું છે?’

પરિણામે, ગામના સેંકડો દલિત યુવાનો અને વૃદ્ધોએ માત્ર વાળ કપાવવા જેવી સામાન્ય જરૂરિયાત માટે કલાકો સુધી ચાલીને પડોશી ગામોમાં જવું પડતું હતું. ઘણીવાર પડોશી ગામોમાં પણ જો તેમની જ્ઞાતિની ખબર પડે, તો ત્યાં પણ તેમને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવતા હતા. આ માનસિક અને સામાજિક શોષણ સામે ગામના દલિત સંગઠનોએ અવાજ ઉઠાવ્યો અને જિલ્લા વહીવટીતંત્રને લેખિત ફરિયાદો કરી હતી.
સરકારે જાતિવાદી તત્વોને સજા કરવાને બદલે અલગ પ્રોત્સાહન આપ્યું
દલિત નિવાસીઓની સતત ફરિયાદો અને વણસતી જતી સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજ કલ્યાણ વિભાગ, તાલુકા વહીવટીતંત્ર અને તાલુકા પંચાયતે સંયુક્ત રીતે આ મામલે તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ જોયું કે માત્ર દંડ કરવાથી કે સૂચના આપવાથી આ પ્રથા બંધ થાય તેમ નથી, કારણ કે સામાજિક બહિષ્કારનો ડર હજામોના મનમાં પણ હતો. આથી, સરકારે ગામમાં જ સરકારી માલિકીની હજામતની દુકાન એટલે કે સલૂન સ્થાપવાનો નિર્ણય કર્યો.
આ સલૂનનું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ અને શિવશરણ હડપદ અપ્પન્ના સમાજના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. પડોશી ગામ તિપ્પાપુરના બસવરાજ હડપદા નામના હજામને આ સલૂન ચલાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના તમામ ગ્રામજનોને સમાન રીતે સેવા આપશે. સરકારનું કહેવું છે કે, આ પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સેવા પૂરી પાડવાનો જ નથી, પરંતુ સમાજમાં એક મજબૂત સંદેશ આપવાનો છે કે કાયદો અને વ્યવસ્થા જ્ઞાતિવાદથી ઉપર છે.
આ પણ વાંચો: ‘પોલીસ હોય તો શું થયું? અમે દલિતોના વાળ નહીં કાપીએ’
પરંતુ હકીકત એ છે કે, ખુદ સરકાર જાતિવાદી તત્વો સામે ઝુકી ગઈ છે. સરકારે કાયદો-વ્યવસ્થાનો ડર બતાવીને જાતિવાદી તત્વોને સીધા દોર કરી શકતી હતી. પરંતુ તેણે જાતિવાદીઓનો પક્ષ લીધો હતો. સરકારે આવા તત્વોને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ કરીને જેલમાં ધકેલી દેવાની જરૂર હતી, પરંતુ સરકારે તેમને છાવર્યા છે અને જાતિપ્રથાને કાયદેસર કરી નાખી છે.
ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી
કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં આ કોઈ નવી વાત નથી. અગાઉ ઓક્ટોબર 2019માં પણ કોપ્પલ અને ધારવાડ જિલ્લામાં આવી જ ઘટનાઓ નોંધાઈ હતી, જ્યાં પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ‘ધ હિન્દુ’ના એક અહેવાલ મુજબ, હુલીકલ ગામમાં તો દલિતોએ 8 કિલોમીટર દૂર જવું પડતું હતું કારણ કે ‘ઓન-કોલ’ હજામો પણ તેમના ઘરે આવવાની ના પાડતા હતા. કર્ણાટક સરકારનું આ નવું પગલું કેરળના મોડેલ પરથી પ્રેરિત છે. કેરળમાં પણ જ્યારે આવી સમસ્યાઓ સામે આવી હતી, ત્યારે ત્યાંની સરકારે પંચાયત સ્તરે સરકારી સલૂન ખોલ્યા હતા, જે તેમની નિષ્ફળતા હતી.
આ પણ વાંચો: UGC નિયમના સમર્થનમાં ઉતરેલી MLA ને પોલીસે વાળ પકડીને ઢસડી
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાની અધ્યક્ષતામાં મળેલી SC/ST અત્યાચાર અધિનિયમની સમીક્ષા બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે જે ગ્રામ પંચાયતોમાં દલિતોને આવી પાયાની સેવાઓથી વંચિત રાખવામાં આવે છે, ત્યાં સરકારી ખર્ચે સલૂન ખોલવામાં આવશે અને તેના માટે જરૂરી નાણાકીય સહાય સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે.
ગદગના શિંગાતાલુર ગામમાં જ્યારે આ સલૂનનું ઔપચારિક ઉદઘાટન કરવામાં આવ્યું, ત્યારે અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલ ‘અસ્પૃશ્યતા નિવારણ જાગૃતિ અને સૌહાર્દપૂર્ણ જીવન’ કાર્યક્રમનો એક ભાગ છે. આ ઘટના એ વાતની યાદ અપાવે છે કે આર્થિક પ્રગતિ છતાં સામાજિક સમાનતા માટે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. જો સરકાર આ પ્રકારે સક્રિય રીતે હસ્તક્ષેપ કરે, તો જ વર્ષો જૂની આ અન્યાયી પરંપરાઓની બેડીઓ તોડી શકાય તેમ છે.
આ પણ વાંચો: જ્યારે વાળ કપાવતી વખતે લોહી નીકળતું છતાં ચૂપ રહેવું પડતું…










