Untouchability News: એકબાજુ પીએમ મોદીએ આજે સાણંદમાં સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટનું લોકાર્પણ કરી ઈન્ડિયા ઈઝ રેડીનો નારો આપી ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાની પહેલ કરી છે, બીજી તરફ જાતિવાદ જેવું દૂષણ દલિતોનો પીછો છોડી રહ્યું નથી. કર્ણાટકના બાગલકોટ જિલ્લાના ચિન્નાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને વિચારતા કરી દીધો છે. જે હાથે દેશની રક્ષા માટે બંદૂક પકડી હતી, એ જ હાથના સિક્કા લેવામાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિના લોકોને ‘અસ્પૃશ્યતા’ નડી હતી. આ ઘટના છે 55 વર્ષીય નિવૃત્ત સૈનિક હનમંતપ્પા હરિજનની, જેમણે 20 વર્ષ સુધી સેનામાં સેવા આપી હતી. પણ તેમના અંતિમ સંસ્કાર દરમિયાન ગામના જાતિવાદી તત્વોએ અસ્પૃશ્યતા પાળી હતી.
દેશની સરહદે 20 વર્ષ ખડે પગે રહેનારને જાતિ નડી
હનમંતપ્પા હરિજન લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા અને તાજેતરમાં તેમનું અવસાન થયું હતું. એક સૈનિકના માનમાં આખું ગામ ઉમટી પડવું જોઈએ તેને બદલે ગામના સવર્ણ હિન્દુઓએ એક અઘોષિત બહિષ્કાર જેવું વાતાવરણ ઉભું કર્યું. હનમંતપ્પાના નિધનના સમાચાર મળતા જ તેમના સંબંધીઓ અને પરિચિતો અન્ય ગામોથી અંતિમ વિધિમાં સામેલ થવા માટે ચિન્નાપુર પહોંચ્યા હતા. શોકતુર સ્વજનો જ્યારે તરસ અને ભૂખ છિપાવવા ગામના બજારમાં ગયા, ત્યારે તેમને આઘાત લાગ્યો. ગામની મોટાભાગની હોટલો, નાસ્તાની લારીઓ અને કરિયાણાની દુકાનોના શટર પાડી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
ડિજિટલ પેમેન્ટના બહાને સામાજિક બહિષ્કાર કરાયો
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ એક ખુલ્લી દુકાને પહોંચ્યા અને જ્યુસ ખરીદ્યો, ત્યારે દુકાનદારે તેમની પાસેથી રોકડ (કેશ) લેવાનો સખત શબ્દોમાં ઈનકાર કરી દીધો. દુકાનદારનું કહેવું હતું કે જો તમારે સામાન લેવો હોય તો માત્ર મોબાઈલ એપ (UPI) થી જ પેમેન્ટ કરવું પડશે. જ્યારે પરિવારે કારણ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે દુકાનદાર દલિતોના હાથમાંથી નોટો કે સિક્કા લેવા માંગતો ન હતો કારણ કે તેને ‘અભડાઈ’ જવાનો ડર હતો. આટલું જ નહીં, ગ્રામજનોમાં એવી ચર્ચા હતી કે દલિત વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી અશુદ્ધિ ફેલાઈ છે, માટે દુકાનો બંધ રાખવી જ હિતાવહ છે.

વહીવટીતંત્રની દખલ સામે ગ્રામજનોના પોકળ બહાના
પરિસ્થિતિ વણસતા પરિવારજનોએ તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન 112 પર સંપર્ક કર્યો. ઘટનાની ગંભીરતા જોઈને મામલતદાર અમરેશ પમ્માર, પોલીસ અધિકારીઓ અને સામાજિક કલ્યાણ વિભાગની ટીમ ગામમાં દોડી આવી હતી. અધિકારીઓએ જ્યારે ઉચ્ચ જ્ઞાતિના લોકોની પૂછપરછ કરી, ત્યારે તેમણે એવા બહાના કાઢ્યા જે પાયાવિહોણા જણાતા હતા. તેમણે દાવો કર્યો કે તેઓ ખેતરમાં કામ કરવા ગયા હતા અને બપોરે દુકાનો બંધ રાખવી એ તેમનો નિયમ છે. જોકે, એકસાથે આખા ગામની દુકાનો બંધ થવી એ સ્પષ્ટપણે સમજી વિચારીને ઘડવામાં આવેલું કાવતરું અને ભેદભાવ જ હતો.
આ પણ વાંચો: બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!
દેશ માટે લડનારને પણ છેલ્લે જાતિ નડી ગઈ!
આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે શું કોઈ વ્યક્તિની દેશભક્તિ તેની જ્ઞાતિ કરતા નાની છે? હનમંતપ્પાએ સરહદ પર લોહી વહાવ્યું ત્યારે કોઈએ તેની જ્ઞાતિ પૂછી નહોતી, પણ જ્યારે તેઓ પોતાના વતનમાં અંતિમ શ્વાસ લે છે ત્યારે તેમને ‘અછૂત’ માની લેવામાં આવે છે. સવર્ણ હિન્દુઓની આ માનસિકતા દર્શાવે છે કે બંધારણીય અધિકારો અને કાયદાઓ હોવા છતાં, જમીની સ્તરે દલિતો માટે સન્માન માત્ર કાગળ પર જ છે.
તંત્ર દ્વારા હાલમાં શાંતિ સમિતિની બેઠકો બોલાવવામાં આવી છે અને 2 માર્ચના રોજ ફરી એક મોટી મીટિંગનું આયોજન છે. પરંતુ પ્રશ્ન એ જ રહે છે કે, શું દંડ કે પોલીસના ડરથી હૃદયમાં રહેલું જ્ઞાતિવાદનું ઝેર દૂર થશે? દેશ માટે જીવ આપનાર સૈનિકના પરિવારને આભડછેટનું જે દર્દ મળ્યું છે, તેની ભરપાઈ કોઈપણ વહીવટી ખાતરી કરી શકશે નહીં.
આ પણ વાંચો: અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!










