ભાજપ નેતાએ દલિત પરિવારને માર મારી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

ભાજપના નેતાએ દલિત પરિવારને નજીવી બાબતે માર માર્યો, બંદૂકથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.
dalit news
ai jenerated image

ભાજપના નેતાઓ ચૂંટણી વખતે દલિતોના મત લેવા માટે તેમના હામી હોવાની વાત કરતા હોય છે, પરંતુ ચૂંટણી જીતી ગયા બાદ તેઓ દલિતો પર હુમલો કરીને જાનથી મારી નાખવી ધમકી આપતા પણ અચકાતા નથી. બિહારના ગોપાલગંજ જિલ્લામાં સત્તાના નશામાં ચૂર ભાજપના એક સ્થાનિક નેતાએ તમામ હદો વટાવી દીધી હતી. જિલ્લાના માંઝાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોઇની બાબુ ટોલા ગામમાં ભાજપના નેતા દ્વારા એક દલિત પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં માત્ર લાઠી-ડંડાનો જ ઉપયોગ નથી થયો, પરંતુ ભાજપના નેતા અને તેમના સમર્થકોએ હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ પેદા કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોબાળો મચી ગયો છે.

મામલો શું હતો

આ ઘટનાની મળતી માહિતી મુજબ, ગુરુવારની સવારે ભાજપ યુવા મોરચાના જિલ્લાધ્યક્ષ અનુજ કુમાર સિંહ અને ગામના જ વતની સંતોષ બેઠાના ભત્રીજા વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય રીતે લોકશાહીમાં સંવાદથી ઉકેલ લાવવાનો હોય છે, પરંતુ અહીં ભાજપના નેતાએ પોતાની રાજકીય વગ અને પદનો અહંકાર બતાવવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે અનુજ કુમાર સિંહના પરિવારજનો અને સમર્થકો હથિયારો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દલિત પરિવાર પર તૂટી પડ્યા હતા.

બંદૂકથી માર મારી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

આ પણ વાંચો: દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો

જ્યારે સંતોષ બેઠા પોતાના ભત્રીજાને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે ભાજપ નેતાના પરિવારે પિસ્તોલના બટથી તેમના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. સંતોષ બેઠા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હોવા છતાં હુમલાખોરો અટક્યા નહોતા. આ દરમિયાન આશરે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પીડિત પરિવારનો આરોપ છે કે ભાજપ નેતાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરીને તેમનું અપમાન કર્યું હતું.

ચૂંટણીમાં ‘મિત્ર’ અને સત્તા મળતા ‘શત્રુ’

આ ઘટના ભાજપના નેતાઓના એ બેવડા ચરિત્રને ખુલ્લું પાડે છે જે તેઓ વારંવાર છુપાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ચૂંટણીનો સમય આવે છે, ત્યારે ભાજપના મોટા નેતાઓથી લઈને સ્થાનિક કાર્યકરો દલિતોના ઘરે જઈને ભોજન લેવાના નાટકો કરે છે અને તેમને પછાત વર્ગના તારણહાર ગણાવે છે. પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય અને સત્તા હાથમાં આવે, એટલે તેમનું અસલ દલિત વિરોધી ચરિત્ર પ્રગટ થાય છે.

ગોપાલગંજની આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે ભાજપના નેતાઓ માટે દલિતો માત્ર ‘વોટ બેંક’ સમાન છે. સત્તા મળતા જ આ નેતાઓ દલિતોને પોતાના પગની જૂતી સમાન ગણવા લાગે છે અને નાની વાતોમાં પિસ્તોલ કાઢીને ડરાવવાનું શરૂ કરી દે છે.

આ પણ વાંચો: મહિસાગરમાં મહિલા PSI એ આદિવાસી વેપારીને ઢોર માર માર્યો

પીડિત સંતોષ બેઠાએ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું કે, “અનુજ કુમાર સિંહ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહે છે કે સરકાર અમારી છે, પોલીસ અમારી છે, અમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે સત્તાધારી પક્ષના નેતાઓમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી.

પોલીસે ફરિયાદ નોંધી પણ ભાજપના નેતાને ન પકડ્યાં

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આરોપી નેતા હાથમાં હથિયાર લહેરાવતા સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો પુરાવા તરીકે સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. સદર SDPO-2 રાજેશ કુમારે જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત FIR નોંધવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી અનુજ કુમાર સિંહ અને અન્ય સાથીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં કોઈની ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે દલિત સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બિહારમાં હવે ભાજપના સીએમ હશે, હવે શું થશે?

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને ખાસ કરીને પછાત વર્ગો પર સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા થતા અત્યાચારો વધી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ પોતાના આ દબંગ નેતા વિરુદ્ધ કોઈ સંગઠનાત્મક પગલાં લે છે કે પછી હંમેશાની જેમ મૌન રહીને આવા ગુનેગારોને છાવરવાનું કામ કરે છે.

આ પણ વાંચો: બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો! 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x