હોળી કહેવા માટે તો ભાઈચારાનો તહેવાર છે, પરંતુ જાતિવાદી તત્વોએ તેમાં પણ કોમવાદ, જાતિવાદ ભેળવીને તેને હિંસા અને અશ્લીલતાનો પર્યાય બનાવી દીધો છે. દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન દારુ પીને છાકટા થયેલા જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર હુમલો કર્યાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં જાતિવાદી તત્વોએ દલિતોના ઘર સામે DJ પર જાતિસૂચક ગીતો વગાડી અપમાન કર્યું હતું. દલિતોએ આ બાબતે વિરોધ નોંધાવતા જાતિવાદી ગુંડાઓનું ટોળું દલિતવાસમાં ઘૂસી ગયું હતું અને એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.
મામલો શું હતો
ઘટના જાતિવાદનો ગઢ ગણાતા યુપીની છે. અહીંના બદાયુંના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કઠૌલી ગામમાં સવર્ણ જ્ઞાતિના કેટલાક ગુંડા તત્વો દ્વારા હોળીના દિવસે ગામમાં એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ જ્યારે ગામના એક દલિત પરિવારના ઘર પાસે પહોંચ્યું, ત્યારે ડીજે પર અત્યંત વાંધાજનક અને જાતિસૂચક શબ્દો ધરાવતા ગીતો વગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ગીતોનો હેતુ સ્પષ્ટપણે દલિત સમાજને નીચું દેખાડવાનો અને તેમને ઉશ્કેરવાનો હતો. પરિવારના સભ્યોએ જ્યારે આ પ્રકારની અશોભનીય હરકતનો વિરોધ કર્યો અને ગીતો બંધ કરવા વિનંતી કરી, ત્યારે સરઘસમાં સામેલ અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં જાતિસૂચક 75 જેટલા વિસ્તારોના નામ બદલવામાં આવશે
60 જેટલા લોકોનું ટોળું ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યું
એ પછી બરાબર અડધા કલાક બાદ, જાણે કોઈ યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તેમ, અંદાજે 50 થી 60 લોકોનું ટોળું લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો સાથે દલિત પરિવારના આંગણે આવી પહોંચ્યું હતું. આ ટોળાએ આવતાની સાથે જ બેફામ ગાળાગાળી શરૂ કરી દીધી અને “તમારી હિંમત કેમ થઈ અમને રોકવાની?” તેમ કહીને પરિવાર પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને સ્ત્રીઓ અને બાળકોને પણ માર માર્યો હતો.

નિર્દોષ પરિવાર પર થયેલા આ બર્બર હુમલામાં અનેક લોકો લોહીલુહાણ થયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, હુમલાખોરોમાં કાયદા કે પોલીસનો સહેજ પણ ભય દેખાતો નહોતો, જે સાબિત કરે છે કે તેમને સત્તા કે સામાજિક વગનું પીઠબળ હતું.
આ પણ વાંચો: ‘જો તારા હાથનું રાંધેલું ખાઈએ તો અમારા ભગવાન શ્રાપ આપે!’
પોલીસની શંકાસ્પદ ભૂમિકા
આ સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા અત્યંત શંકાસ્પદ અને પક્ષપાતી રહી હતી. શરૂઆતમાં જ્યારે પીડિતો લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે સિવિલ લાઈન્સ પોલીસ આ મામલાને દબાવવાના અને રફેદફે કરવાના પૂરતા પ્રયાસો કરી રહી હતી. પોલીસ તંત્ર હોળીના તહેવાર દરમિયાન જિલ્લામાં “બધું જ શાંત છે” તેવું ખોટું ચિત્ર ઉચ્ચ અધિકારીઓ અને શાસન સમક્ષ રજૂ કરવા માંગતું હતું. ઘાયલોની મેડિકલ તપાસ ઔપચારિકતા ખાતર કરવામાં આવી, પરંતુ પોલીસે લાંબા સમય સુધી એફઆઈઆર (FIR) નોંધવાનો ઈનકાર કર્યો હતો. આખરે જ્યારે આ મામલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને દલિત સંગઠનોમાં રોષ ફેલાયો, ત્યારે બરેલી રેન્જના ડીઆઈજી અજય સાહનીએ મામલો હાથમાં લીધો હતો.
13 લોકો સામે નામજોગ, 50 અજાણ્યા લોકો સામે ફરિયાદ
ડીઆઈજીની કડક સૂચના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને 13 નામજોગ આરોપીઓ સહિત 50 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. મુખ્ય આરોપીઓમાં સંજીવ, બબલુ, નવનીત તોમર, શનિ, અક્ષય, મોનુ શર્મા, મોહિત શર્મા, અંકિત, પ્રિન્સ, અર્પિત, વિજય, અનિલ કુમાર સિંહ, હિમાંશુ અને સુશાંતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મહિસાગરમાં મહિલા PSI એ આદિવાસી વેપારીને ઢોર માર માર્યો
દલિતોને ન્યાય મળશે કે કેમ તે સવાલ
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જાતિવાદી તત્વો માટે કાયદાના શાસન કરતા તેમની જ્ઞાતિનું અભિમાન ઉપર છે. પોલીસ અધિકારી રજનીશ ઉપાધ્યાયે હવે ખાતરી આપી છે કે તપાસ ઝડપી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ રહે છે કે શું દલિતોને ખરેખર ન્યાય મળશે? કે પછી દર વખતની જેમ પ્રભાવશાળી લોકો કાયદાની છટકબારીઓનો લાભ લઈને છૂટી જશે?
આ પણ વાંચો: દલિત બાળકી સાથે આભડછેટ રખાતા બે જૂથો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ









