બીમારીને લીધે ગાય સતત ખેતરમાં આંટા મારતી હતી, લોકો પૂજા કરવા માંડ્યા

બીમારીના કારણે ગાય એક અઠવાડિયાથી સતત ખેતરમાં ચોક્કસ જગ્યાએ ગોળ-ગોળ આંટા મારી રહી હતી, લોકોએ તેને ચમત્કાર સમજી ગાયની પૂજા કરવાનું શરૂ કરી દીધું.
worshipping a sick cow in Sravasti

લખનૌ: એક બાજુ દુનિયા કૃત્રિમ સૂર્ય બનાવવા સુધી પહોંચી ગઈ છે બીજી તરફ આપણા કથિત વિશ્વગુરૂ ભારત દેશમાં આજે પણ અંધશ્રદ્ધા અને તાર્કિક વિચારધારાનો અભાવ કઈ હદે વ્યાપેલો છે, તેનો જીવંત દાખલો ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં જોવા મળ્યો છે. અહીંના એક ગામમાં છેલ્લા આઠ દિવસથી ગંભીર બીમારીના કારણે એક જ ખેતરમાં સતત ગોળ-ગોળ ચક્કર મારી રહેલી એક ગાયને સ્થાનિક લોકોએ કોઈ દૈવી ચમત્કાર માની લીધો હતો. ગાયની પીડાને સમજવા કે તેની તબીબી સારવાર કરાવવાના બદલે અજ્ઞાનતાના કારણે અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોએ ગાયની પૂજા-અર્ચના શરૂ કરી દીધી હતી.

યુપીના શ્રાવસ્તી જિલ્લાની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, બૌદ્ધ તીર્થ સ્થળ તરીકે વિખ્યાત શ્રાવસ્તી જિલ્લાના ઇકૌના તાલુકાના બસભરિયા પુરૈના ગામના એક ખેતરમાં આ વિચિત્ર કૌતુક સર્જાયું હતું. એક ગાય છેલ્લા આઠ દિવસથી બિલકુલ અટક્યા એક જ જગ્યાએ ખેતરની ફરતે આંટા મારી રહી હતી. આ દ્રશ્ય જોઈને ગામના લોકોએ તેને કોઈ દેવી-દેવતાના આશીર્વાદ માની લીધા હતા. અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે ગાયને જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા અને ભીડ જમા થઈ ગઈ.

આ પણ વાંચો: દલિત કર્મચારીને પિસ્તોલ બતાવી બ્રાહ્મણ શખ્સે મફત પેટ્રોલ ભરાવ્યું

લોકોએ ગાયને માત્ર ચમત્કારિક જ ન ગણી, પરંતુ કોઈ અલૌકિક ફળની અપેક્ષાએ અજ્ઞાની ગ્રામજનો પોતે પણ ગાયની પાછળ-પાછળ તે ખેતરની પરિક્રમા કરવા લાગ્યા હતા.

પશુપાલન વિભાગની ટીમને પણ લોકોએ હાંકી કાઢી

આ ઘટનાની જાણ થતા જ પશુપાલન વિભાગની ટીમ ખેતરમાં પહોંચી ગઈ હતી. ગાયને ગૌશાળા પહોંચાડવા અને તેની સારવાર કરવા માટે જ્યારે મેડિકલ ટીમ ગામમાં પહોંચી, ત્યારે અંધશ્રદ્ધામાં અંધ બનેલા ગ્રામજનોએ વિજ્ઞાન અને તબીબી સહાયનો બહિષ્કાર કરીને ટીમને ત્યાંથી પરત હાંકી કાઢી હતી. અંતે મામલો જિલ્લા વહીવટી તંત્ર સુધી પહોંચતા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મામલતદારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં મુખ્ય પશુ ચિકિત્સાધિકારીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ગાયની તપાસ કરી હતી.

ગાય ‘સર્રા’ નામની બીમારીથી પીડાતી હતી

તબીબી તપાસમાં આ કથિત ચમત્કાર પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ સામે આવ્યું હતું, જે ગ્રામજનોની અંધશ્રદ્ધા પર જોરદાર તમાચો છે. મુખ્ય પશુ ચિકિત્સાધિકારી ડો. સુનીલ સિંહે જણાવ્યું કે ગાય કોઈ દૈવી શક્તિના કારણે નહીં, પરંતુ ‘સર્રા’ (હાઈપોગ્લાઈસીમિયા) નામની ગંભીર બીમારીથી પીડાતી હતી. આ બીમારીમાં પશુના શરીરમાં ગ્લુકોઝનું સ્તર અત્યંત ઘટી જાય છે અને તેની નર્વસ સિસ્ટમ ખોરવાઈ જવાથી તે દિશાભ્રમ થઈને એક જ જગ્યાએ ગોળ ફરવા લાગે છે. ડૉક્ટરોએ ગાયને જ્યારે ગ્લુકોઝની ડ્રિપ અને જરૂરી ઇન્જેક્શન આપ્યા ત્યારે તરત જ ગાયના આંટા મારવાનું બંધ થઈ ગયું હતું અને તે શાંત થઈને બેસી ગઈ હતી.

આ પણ વાંચો: દલિત યુવકને માથાભારે શખ્સે નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો

પશુ વૈજ્ઞાનિકોના ગયા પછી ફરી ફરી પૂજા શરૂ કરી દેવાઈ

જો કે, વિજ્ઞાનના આ પ્રત્યક્ષ પુરાવા છતાં ભારતીય માનસિકતામાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા એટલી વહેલી દૂર થતી નથી. વહીવટી તંત્રની ટીમ જેવી ગાયને બાંધીને ત્યાંથી રવાના થઈ, કે તરત જ ગ્રામજનોએ ફરીથી ગાયને ખુલ્લી મૂકી દીધી અને બીમાર ગાયે ફરીથી ખેતરમાં ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું, જેથી લોકો ફરી પૂજા કરી શકે.

અગાઉ જાન્યુઆરી મહિનામાં બિજનૌરના નંદપુર ગામમાં પણ આ જ રીતે મગજની બીમારીથી પીડાતા અને સતત મંદિર ફરતે ફરતા એક કૂતરાને લોકોએ ‘ભૈરવ બાબા’નો અવતાર માની પૂજા કરી હતી, જે કૂતરો ભૂખ-તરસથી તરફડીને મરી ગયો હતો. ભારતમાં પશુઓની ગંભીર શારીરિક બીમારીઓને ચમત્કારનું રૂપ આપીને તેમનું શોષણ કરવાની આ કુપ્રથા એ આધુનિક અને શિક્ષિત સમાજ માટે અત્યંત ચિંતાજનક અને શરમજનક બાબત છે.

આ પણ વાંચો: દલિત યુવકના હાથ-પગ બાંધી ગામલોકોએ કૂવામાં ઊંધો લટકાવ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x