આપણા દેશમાં દલિતો માટે જાણે કાયદો વ્યવસ્થા સાવ કોરાણે મૂકાઈ ગઈ હોય તેવી સ્થિતિ છે. સ્થિતિ એ છે કે, કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી છે તે પોલીસ પર જ દલિતો પર અત્યાચાર ગુજારવાના સેંકડો આરોપ લાગે છે. આવી જ એક ઘટનામાં વધુ એક દલિત યુવકનું મોત થઈ ગયું છે. મામલો તમિલનાડુના શિવગંગા જિલ્લાનો છે.
જ્યાં પોલીસ કસ્ટડીમાં એક ૨૬ વર્ષીય દલિત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલા અમાનવીય ટોર્ચરને કારણે તેનું મોત થયું છે, જ્યારે પોલીસ આ ઘટનાને ધરપકડ દરમિયાન લાગેલી ઈજા અને તબીબી કારણો ગણાવી રહી છે.

મામલો શું હતો
મીડિયા રિપોર્ટ મુજબ, શિવગંગા જિલ્લામાં રહેતા ૨૬ વર્ષીય ગ્રેજ્યુએટ યુવક આકાશ ઉર્ફે ડેલિસનને ૬ માર્ચની સવારે હત્યાના પ્રયાસના આરોપમાં અન્ય એક યુવક ગુના (૨૩) સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાયન નગરમાં બે વ્યક્તિઓ પર દાતરડા વડે થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં આકાશ સંડોવાયેલો હોવાનો દાવો કરાયો હતો. ધરપકડ બાદ આકાશને જમણા પગમાં ફ્રેક્ચર અને અન્ય ઈજાઓ હોવાથી પ્રથમ શિવગંગા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ હાલત વધુ બગડતા મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રવિવારે સવારે સારવાર દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’
મૃતક યુવકના પરિવારજનોનો પોલીસ પર આક્ષેપ
આકાશના માતા-પિતાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેને કસ્ટડીમાં નિર્દયતાથી ટોર્ચર કરવામાં આવ્યો હતો. માનવાધિકાર રક્ષક અને ‘પીપલ્સ વોચ’ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરી ટિફાજ્ઞેએ જણાવ્યું હતું કે, આકાશે હોસ્પિટલમાં તેના માતા-પિતાને આપવીતી સંભળાવી હતી. ટિફાજ્ઞેના જણાવ્યા અનુસાર, “આકાશે તેના માતા-પિતાને કહ્યું હતું કે પોલીસે તેનો પગ બે પથ્થરો વચ્ચે રાખીને નિર્દયતાથી માર માર્યો હતો.” આકાશની માતા આનંદીએ દાવો કર્યો હતો કે ધરપકડ પહેલા જ પોલીસ અધિકારીઓએ ધમકી આપી હતી કે “જો તારો દીકરો અમારા હાથમાં આવશે તો અમે તેને મારી નાખીશું.” પરિવારે હાલ આકાશનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને VCK પ્રમુખ તથા સાંસદ થોલ થિરુમાવલવનના હસ્તક્ષેપની માંગ કરી છે.
પોલીસે પોતાનો બચાવ કર્યો
બીજી તરફ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે આકાશને ધરપકડ ટાળવા માટે ભાગતી વખતે પડવાથી ઈજા થઈ હતી. મનામદુરાઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના 18 માર્ચ સુધીના રિમાન્ડ ઓર્ડર બાદ તેને કેદી વોર્ડમાં દાખલ કરાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોત પાછળ શ્વાસની તકલીફ મુખ્ય કારણ હોઈ શકે છે, પરંતુ સત્ય જાણવા માટે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ટોર્ચરના પ્રશ્ન પર અધિકારીએ કહ્યું કે તપાસ ચાલુ છે અને કાયદો તેનું કામ કરશે.

આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત
શિવગંગા જિલ્લા પોલીસનો ખરડાયેલો ઈતિહાસ
નોંધનીય છે કે શિવગંગા જિલ્લામાં કસ્ટોડિયલ ડેથની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે પણ અજીત કુમાર નામના યુવકનું પોલીસ ટોર્ચરને કારણે મોત થયું હતું, જેની તપાસ હાલ CBI કરી રહી છે. તે કેસમાં પાંચ પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આકાશના પરિવારે માંગ કરી છે કે આ મામલે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા રિલીઝ કાર્યક્રમમાં આદિવાસી નેતાઓને નો-એન્ટ્રી











