દલિત હોવાના કારણે મહિલાને રિસેપ્શન માટે મેરેજ હોલ ભાડે ન આપ્યો

દલિત મહિલાને મેરેજ હોલના સંચાલકે પહેલા તેની જાતિ પૂછી અને દલિત હોવાનો ખ્યાલ આવતા જ રિસેપ્શન માટે હોલ આપવાનો ઈનકાર કરી દીધો.
dalit news

ભારતના બંધારણે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપ્યો છે અને અસ્પૃશ્યતાને કાયદાકીય રીતે નાબૂદ કરી છે, પરંતુ જમીની હકીકત આજે પણ અત્યંત કડવી અને હૃદયદ્રાવક છે. તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના ઈરોડ વિસ્તારમાં બનેલી એક તાજી ઘટનાએ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી અને આધુનિકતાના યુગમાં પણ લોકોની માનસિકતા મધ્યકાલીન જ્ઞાતિવાદના પાંજરામાં જકડાયેલી છે.

અહીં એક દલિત માતા પોતાના દીકરાના લગ્નનું રિસેપ્શન રાખવા માટે હોલ બુક કરાવવા ગઈ હતી, પરંતુ માત્ર તેની જ્ઞાતિ જાણીને હોલના માલિકે બુકિંગ આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. આ ઘટના કોઈમ્બતુરના પેરુન્દુરાઈ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારની છે. ભોગ બનનાર મહિલા કે. રાણીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં તેણે પોતાના નાના પુત્રના લગ્ન પ્રસંગ માટે ગામમાં જ આવેલા અન્ના સિલાઈ પાસેના એક મેરેજ હોલની પસંદગી કરી હતી. આ હોલ સી. રવિ નામના વ્યક્તિની માલિકીનો હતો. શરૂઆતમાં જ્યારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે માલિક હોલ ભાડે આપવા માટે સંમત થઈ ગયો હતો અને તમામ વ્યાપારી શરતો નક્કી થઈ ગઈ હતી.

પરંતુ અસલી વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ૩ માર્ચના રોજ રાણી હોલનું એડવાન્સ પેમેન્ટ એટલે કે બાનું આપવા માટે પહોંચી હતી. રોકડા પૈસા લેતા પહેલા હોલના માલિક સી. રવિએ મહિલાને રોકીને તેની જ્ઞાતિ વિશે પૃચ્છા કરી હતી. જેવી રાણીએ પોતાની જ્ઞાતિ જણાવી કે તે દલિત સમાજમાંથી આવે છે, કે તરત હોલના માલિકના તેવર અને વર્તન બદલાઈ ગયા હતા.

આ પણ વાંચો: ‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો

જાતિવાદી શખ્સ સી. રવિએ માનવતાને નેવે મૂકીને રોકડું પરખાવતા કહી દીધું કે તે દલિતોને પોતાનો હોલ ભાડે આપતો નથી અને બુકિંગ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આ ઘટનાથી ભારે અપમાનિત થયેલી અને વ્યથિત થયેલી મહિલાએ અન્યાય સામે નમવાને બદલે હિંમત બતાવીને પોલીસનો સંપર્ક કર્યો અને જ્ઞાતિ આધારિત ભેદભાવની ફરિયાદ દાખલ કરી. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સી. રવિને તાત્કાલિક પૂછપરછ માટે પોલીસ સ્ટેશન તેડાવ્યો હતો.

જોકે, અત્રે એ નોંધનીય છે કે જે વ્યક્તિએ જ્ઞાતિના નામે મહિલાનું સરેઆમ અપમાન કર્યું હતું, તે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગભરાઈ ગયો હતો અને તેનું બ્લડ પ્રેશર અચાનક લો થઈ જતાં તે પોલીસ સ્ટેશનમાં જ બેભાન થઈ ગયો હતો. હાલ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની તબિયત સામાન્ય થયા બાદ પોલીસ આગળની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે સગીર બાળકોના શોષણની ફરિયાદ નોંધાઈ

આ ઘટના ભારતમાં આઝાદીના સાત દાયકાઓ પછી પણ દલિતોની સામાજિક સ્થિતિ અને તેમની સાથે થતા વ્યવહાર પર ગંભીર સવાલ ઉભા કરે છે. આજે પણ દેશના અનેક ભાગોમાં દલિતોએ પાયાની સુવિધાઓ અને માનવીય ગરિમા મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. માત્ર મેરેજ હોલ બુકિંગ જ નહીં, પણ જાહેર કુવાઓમાંથી પાણી ભરવા, ધાર્મિક સ્થળોએ મંદિરોમાં પ્રવેશ કરવા, લગ્ન પ્રસંગે વરરાજાએ ઘોડી પર બેસીને વરઘોડો કાઢવા કે અંતિમ સંસ્કાર માટે જાહેર સ્મશાનનો ઉપયોગ કરવા જેવી બાબતોમાં પણ આભડછેટ અને જ્ઞાતિવાદનો સામનો કરવો પડે છે.

જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોય અને સેવાના પૂરા પૈસા ચૂકવવા તૈયાર હોય, છતાં માત્ર તેની જાતિના આધારે તેને સગવડ ન આપવી એ મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. શિક્ષણનો વ્યાપ વધવા છતાં અને કાયદાકીય જોગવાઈઓ સખ્ત હોવા છતાં સામાજિક માનસિકતાના ઊંડાણમાં ઉતરેલા જ્ઞાતિવાદના મૂળને ઉખેડવા હજુ એક મોટો સામાજિક પડકાર છે.

આ પણ વાંચો: લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x