પુરૂષપ્રધાન ભારત દેશમાં મહિલાઓની સ્થિતિ આજે પણ દયનિય છે. હજુ બે દિવસ પહેલા જ દેશભરમાં વિશ્વ મહિલા દિવસ ઉજવાઈ ગયો, પરંતુ તેનાથી જમીની હકીકતમાં તસુભાર પણ ફરક ન પડ્યો હોય તેમ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના વાડ્રફનગર તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને માણસાઈ અને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય.
અહીંના બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં દુષ્કર્મનો ભોગ બનેલી એક અસહાય મહિલા અને તેના પરિવારને ગામની પંચાયતે ન્યાય આપવાના બદલે તુગલકી દંડ ફટકાર્યો છે. જે મહિલાએ પોતાની આબરૂ લૂંટાયા પછી ન્યાયની આશા સાથે અવાજ ઉઠાવ્યો હતો, તેને જ સમાજે દોષિત ઠેરવીને 12 વર્ષ સુધી સામાજિક બહિષ્કારની સજા સંભળાવી દીધી છે.

મામલો શું હતો?
ઘટનાની વિગતો મુજબ, બસંતપુર વિસ્તારના એક ગામમાં રહેતી મહિલા સાથે ગામના જ એક શખ્સે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારના પરિણામે પીડિતા હાલ ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ બાબતની જાણ પીડિતાના પરિવારને થઈ, ત્યારે તેમણે મૌન રહેવાને બદલે કાયદાનો સહારો લેવાનું નક્કી કર્યું. જોકે, મામલો પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલા જ ગામના પ્રભાવશાળી લોકો અને સરપંચે દરમિયાનગીરી કરી પંચાયત બોલાવી હતી.
આ પણ વાંચો: મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા વૃદ્ધને બ્રાહ્મણ શખ્સે ફટકાર્યા
પીડિત પરિવારનો આક્ષેપ છે કે પંચાયતના દરબારમાં તેમને ન્યાય અપાવવાને બદલે પંચાયતના સભ્યોએ તેમને જ અપરાધી બનાવી દીધા હતા. પંચાયતે એવો નિર્ણય સંભળાવ્યો કે પીડિતા અને તેના સમગ્ર પરિવારને 12 વર્ષ સુધી સમાજમાંથી બહિષ્કૃત રાખવામાં આવશે. આ સજાનો અર્થ એ છે કે આ પરિવાર ગામના કોઈ પણ સામાજિક પ્રસંગમાં, લગ્નમાં કે ધાર્મિક આયોજનમાં ભાગ લઈ શકશે નહીં, તેમજ ગામનો કોઈ પણ વ્યક્તિ તેમની સાથે વાતચીત કે વ્યવહાર રાખી શકશે નહીં.
જો સમાજમાં ભળવું હશે તો ગામલોકોના પગ ધોઈને તે પાણીથી નહાવું પડશે
હદ તો ત્યારે થઈ જ્યારે પંચાયતે આ બહિષ્કાર હટાવવા માટે કેટલીક અત્યંત અપમાનજનક અને અમાનવીય શરતો મૂકી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, પંચાયતે કહ્યું કે જો તેઓ ફરીથી સમાજમાં ભળવા માંગતા હોય તો તેમણે ગામના તમામ લોકોના પગ ધોવા પડશે અને એ જ ગંદા પાણીથી સ્નાન કરવું પડશે. આટલું ઓછું હોય તેમ, દંડ પેટે સમગ્ર સમાજને બકરાની મિજબાની અને દારૂ આપવાનું પણ ફરમાન કરવામાં આવ્યું હતું. એક બાજુ મહિલા પર બળાત્કાર થયો છે અને બીજી બાજુ સમાજ તેને શુદ્ધિકરણના નામે આ પ્રકારે અપમાનિત કરી રહ્યો છે.

પીડિતાએ ફરિયાદ નોંધાવતા પંચના સભ્યો ભૂગર્ભમાં
જો કે, પીડિતાએ હિંમત હાર્યા વગર પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે બસંતપુર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કાયદાકીય રીતે આરોપી જેલમાં હોવા છતાં, ગામના સરપંચ અને કેટલાક પંચોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પીડિતાના પરિવારને જ નિશાન બનાવ્યો છે. એટલે કે, જેણે ગુનો કર્યો તે જેલમાં છે, પણ જેની સાથે ગુનો થયો છે તે પરિવાર સામાજિક જેલમાં ધકેલાઈ ગયો છે. પંચાયતના આ આદેશ બાદ ગામમાં પરિવારનું જીવવું દુષ્કર થઈ ગયું છે અને તેઓ સતત માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબજો ક્યારે?
પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી
છેવટે ન્યાયની આશા સાથે પીડિત પરિવારે વાડ્રફનગરના એસડીઓપી (SDOP) કચેરીના દ્વાર ખખડાવ્યા છે. તેમણે લેખિત ફરિયાદ કરીને પંચાયતના સભ્યો અને સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે વહીવટીતંત્ર પણ સફાળું જાગ્યું છે. એસડીએમ નીરનિધિ નન્હેદાએ જણાવ્યું છે કે આ ગંભીર બાબત તેમના ધ્યાનમાં આવી છે અને આ પ્રકારના ગેરબંધારણીય નિર્ણયો લેનારાઓ સામે તપાસ કરીને ઉચિત પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો: ડીજે વગાડવા મુદ્દે દલિત પરિવાર પર ટોળાંનો ઘાતક હથિયારો સાથે હુમલો











