કિંજલ રબારીની પ્રેમલગ્નના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ‘ઘરવાપસી’

કિંજલ રબારીના પ્રેમલગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત આવી ગયો છે. રબારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ કિંજલને તેના માતાપિતાને સોંપી દેવાઈ છે. જાણો શું થયું.
Kinjal Rabaris love marriage Gharvapsi

છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં જે મામલે ભારે ખળભળાટ મચાવ્યો હતો, તે લોક ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં ગત મોડી રાત્રે એક મોટો અને નાટકીય વળાંક આવ્યો છે. પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના મક્કમ દાવા અને જીવનું જોખમ હોવાના વીડિયો શેર કરનાર ‘કોયલ કંઠી’ ગાયિકા કિંજલ રબારીની અંતે ‘ઘર વાપસી’ થઈ છે. બે જ્ઞાતિના વગદાર આગેવાનોની મેરેથોન બેઠક અને સમજાવટ બાદ કિંજલને તેના પિયર પક્ષને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ સમાધાન બાદ સોશિયલ મીડિયા પર અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં આ બાબતે તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.

પ્રેમલગ્નથી લઈને સમાજ વિરુદ્ધના વીડિયોનો વિવાદ

રાધનપુરના સિનાડ ગામની વતની અને લોકગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન આંતરજ્ઞાતિ હોવાથી અને કિંજલ એક જાણીતું નામ હોવાથી, આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. શરૂઆતમાં કિંજલે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કરીને જાહેરાત કરી હતી કે તેણે કાયદેસર રીતે લગ્ન કર્યા છે અને તે પોતાના સાસરે ખૂબ જ ખુશ છે. તે સમયે કિંજલના અવાજમાં આત્મવિશ્વાસ હતો અને તે પોતાના નિર્ણય પર મક્કમ જણાતી હતી.

આ પણ વાંચો: પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે

પરંતુ, આ મામલો ત્યારે વણસ્યો જ્યારે કિંજલે પોતાની અને પતિની સુરક્ષાની માંગણી કરી. તેણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેના પરિવારના સભ્યો અને સમાજના કેટલાક લોકો તેને સતત શોધી રહ્યા છે અને તેનું અપહરણ કરી શકે છે અથવા તેને જાનથી મારી શકે છે. તેણે વીડિયોમાં સીધી રીતે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ટેગ કરીને પોલીસ રક્ષણ માટે કરગરતી જોવા મળી હતી. આ આજીજીએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને આ મામલો માત્ર કૌટુંબિક ન રહેતા સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.

સમાજના બેવડા ધોરણો પર કિંજલે આકરા પ્રહારો કર્યા હતા

વિવાદની ચરમસીમાએ કિંજલે એક અત્યંત ભાવુક વીડિયોમાં સમાજ અને પરિવાર સામે આકરા સવાલો કર્યા હતા. તેણે દલીલ કરી હતી કે જ્યાં સુધી તે પ્રોગ્રામો કરીને લાખો રૂપિયા કમાતી હતી અને પરિવારને આર્થિક ટેકો આપતી હતી, ત્યાં સુધી તે દીકરી તરીકે શ્રેષ્ઠ હતી. પણ આજે જ્યારે તેણે પોતાના જીવનનો એક અંગત અને સુખદ નિર્ણય લીધો, ત્યારે તે અચાનક સમાજ માટે ખરાબ કેમ થઈ ગઈ? તેણે સ્પષ્ટતા કરી હતી કે તે પુખ્ત વયની છે અને ભારતીય બંધારણ તેને પોતાની પસંદગીના જીવનસાથી સાથે રહેવાની સંપૂર્ણ છૂટ આપે છે. કિંજલના આ નિવેદનોએ સોશિયલ મીડિયા પર સ્ત્રી સ્વાતંત્ર્ય અને સામાજિક રૂઢિચુસ્તતા વચ્ચેની એક મોટી ચર્ચાને વેગ આપ્યો હતો.

Kinjal Rabaris love marriage Gharvapsi

આગેવાનોની મધ્યસ્થી સાથે મોડી રાત્રે નિર્ણય લેવાયો

જેમ જેમ સમય વીતતો ગયો તેમ રબારી અને ચૌધરી સમાજ વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો જણાયો હતો. પરિસ્થિતિ વધુ વણસે અને તે જ્ઞાતિવાદનું ઉગ્ર રૂપ ન લે તે હેતુથી બંને સમાજના વરિષ્ઠ મોભીઓ મેદાનમાં આવ્યા હતા. ગત મોડી રાત્રે રાધનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં આગેવાનોની એક લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૌધરી સમાજના આગેવાનોએ હકારાત્મક અભિગમ અપનાવતા અને સામાજિક એખલાસ જાળવવાના હેતુથી કિંજલ રબારીને તેના પિયર પક્ષને સોંપવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે

સામાજિક આગેવાન ઠાકરશી રબારીએ આ ઘટનાને સમાજની એકતાની જીત ગણાવી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે આ દીકરીના હૃદય પરિવર્તનની જીત છે. દીકરીએ પોતાના મા-બાપના આંસુ અને સમાજના વડિલોના પ્રેમને સમજીને પોતાના ટૂંકા ગાળાના પ્રેમને જતો કરવાનું નક્કી કર્યું છે. રાધનપુરના રબારી સમાજના યુવાનો જે રીતે આખી રાત સક્રિય રહ્યા, તેના કારણે જ આ શક્ય બન્યું છે અને આ સુખદ પરિણામ આવ્યું છે તેવું તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું.

રહસ્યમય પોસ્ટ ડિલીટ કરતા અનેક તર્કવિતર્ક

કિંજલની ઘર વાપસી થઈ તે સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર બીજો એક આંચકો લાગ્યો હતો. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કિંજલ હિંમતપૂર્વક લડત આપવાની વાતો કરતી હતી, તે તમામ પોસ્ટ અને વીડિયો અચાનક એકાએક ગાયબ થઈ ગયા હતા. કિંજલ અને અશોકને અલગ કરી દેવામાં આવ્યા છે અને દીકરી હવે પરિવારની નજર હેઠળ છે. આ ઘટનાક્રમે અનેક શંકા-કુશંકાઓને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે યુવાનો ભાગીને આંતરજ્ઞાતિય લગ્નો નહીં કરી શકે?

લોકો પૂછી રહ્યા છે કે જે યુવતી થોડા કલાકો પહેલા પોલીસ પ્રોટેક્શન માંગી રહી હતી, તે અચાનક હૃદય પરિવર્તન કરીને પરિવાર પાસે કેવી રીતે પહોંચી ગઈ? શું સમાજની આબરૂ બચાવવા માટે કિંજલ પર કોઈ અદ્રશ્ય માનસિક કે સામાજિક દબાણ કરવામાં આવ્યું છે? આ ઉપરાંત, જો કોઈ પુખ્ત સ્ત્રીએ કાયદેસર લગ્ન કર્યા હોય, તો તેને સામાજિક દખલગીરી દ્વારા અલગ કરવી તે કાયદાકીય રીતે કેટલું યોગ્ય ગણાય?

હાલમાં કિંજલ રબારી તેના પરિવાર પાસે છે અને સામાજિક સ્તરે આ વિવાદનો ‘સુખદ અંત’ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ, ડિજિટલ યુગમાં આ કિસ્સો સ્ત્રીઓની પસંદગી અને સામાજિક મર્યાદાઓ વચ્ચેના સંઘર્ષની લાંબી યાદ છોડી જશે. સમગ્ર પંથકમાં આ મામલો અત્યારે ગરમાગરમ ચર્ચાનો વિષય છે કે આ ખરેખર સ્વૈચ્છિક ‘ઘર વાપસી’ છે કે પછી કોઈ ભારે સામાજિક દબાણ હેઠળ લેવાયેલું સમાધાન છે.

આ પણ વાંચો: ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતા હોબાળો, કિંજલે કહ્યું, ‘મારા પતિને કંઈ થયું તો…’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x