આદિવાસી હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ગર્ભવતી બનતા ખળભળાટ

આદિવાસી હોસ્ટેલોમાં સગીર દીકરીઓના જાતીય શોષણનો ભાંડો ફૂટ્યો. ધોરણ 12ની બે અનો ધોરણ 11ની એક આદિવાસી વિદ્યાર્થીની ગર્ભવતી નીકળતા ખળભળાટ.
Aadivasi news
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે ચલાવવામાં આવતી આશ્રમ શાળાઓમાં આદિવાસી સમાજની સગીર દીકરીઓનું જાતીય શોષણ થતું હોવાની ઘટનાઓ સમયાંતરે પ્રકાશમાં આવતી રહે છે. જો કે, આ વખતે જે ઘટના સામે આવી છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. મામલો છત્તીસગઢના બીજાપુર જિલ્લાનો છે.

અહીં ગંગાલૂર વિસ્તારમાં આવેલી પૌટા કેબિન આવાસ સંસ્થામાં અભ્યાસ કરતી ત્રણ આદિવાસી વિદ્યાર્થિનીઓ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણમાંથી બે વિદ્યાર્થિનીઓ ધોરણ 12માં અને એક ધોરણ 11માં અભ્યાસ કરે છે. ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી બે વિદ્યાર્થિનીઓ સગીર વયની છે અને ત્રણેય અંદાજે પાંચ મહિનાથી ગર્ભવતી છે. આ ઘટના આદિવાસી વિસ્તારોમાં ચાલતી હોસ્ટેલોમાં વિદ્યાર્થિનીઓના થતા શારીરિક અને માનસિક શોષણની ભયાનક વાસ્તવિકતા છે. જે દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે છાત્રાલયમાં મોકલવામાં આવી હતી, તેમની સુરક્ષા કરવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.

તંત્રની સંવેદનહીનતા અને મામલો દબાવવાનો પ્રયાસ

જ્યારે આ વિદ્યાર્થિનીઓ ગર્ભવતી હોવાની જાણકારી સંસ્થાના સંચાલકોને થઈ, ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે પાંચ મહિના પહેલા તેમને ચૂપચાપ સંસ્થામાંથી બહાર કરી દેવામાં આવી હતી. આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કોઈ પોલીસ ફરિયાદ કે તબીબી તપાસના આદેશ આપવામાં આવ્યા નહોતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી અમલદારો અને સંસ્થાના જવાબદારો આ મામલાને રફે-દફે કરવા માંગતા હતા. વિદ્યાર્થિનીઓ પાંચ મહિનાથી શાળાએ જતી નહોતી, છતાં કોઈએ તેમની ભાળ કેમ ન લીધી તે એક મોટો પ્રશ્ન છે. શું આદિવાસી દીકરીઓનું જીવન આટલું સસ્તું છે કે તંત્ર તેમની સુરક્ષા પ્રત્યે આટલું બેદરકાર રહી શકે? આ ઘટનામાં જે રીતે મામલો દબાવવાની કોશિશ થઈ છે તે વધુ ગંભીર અપરાધ ગણી શકાય.

આ પણ વાંચો: પ્રાંતિજના મેમદપુરમાં દલિત ઉપસરપંચ પર 8 લોકોનો જીવલેણ હુમલો

અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યાં છે

જ્યારે આ મામલે હોસ્ટેલ અધિક્ષિકાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત બિનજવાબદાર નિવેદન આપતા કહ્યું કે આ તેમના કાર્યકાળની ઘટના નથી. સવાલ એ થાય છે કે શું સત્તા પરિવર્તન કે પદના ફેરફાર સાથે દીકરીઓની સુરક્ષા પ્રત્યેની જવાબદારીઓ પણ બદલાઈ જાય છે? જિલ્લામાં બે જિલ્લા શિક્ષણ અધિકારી, બ્લોક શિક્ષણ અધિકારી અને અનેક નિરીક્ષકો હોવા છતાં આવી ઘટના કેમ બની? સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આશ્રમશાળાઓ અને પૌટા કેબિન સંસ્થાઓનું નિયમિત નિરીક્ષણ માત્ર કાગળ પર જ મર્યાદિત રહે છે. અધિકારીઓના પ્રવાસો માત્ર ચા-નાસ્તાની ઔપચારિકતા બની ગયા છે, જેમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા કે સ્વાસ્થ્યની તપાસ ગૌણ બની જાય છે. વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા જ આવા શોષણખોરોને પ્રોત્સાહન પૂરું પાડે છે.

પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી

આ ઘટનાએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આદિવાસી દીકરીઓ સાથે થતું આવું વર્તન અસહ્ય છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે સરકારી મશીનરી આ ઘટનાને છુપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ, સ્થાનિક ધારાસભ્ય વિક્રમ મંડવીએ પણ ભાજપ સરકારના સુશાસનના દાવાઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ હવે ઘરની બહાર પણ સુરક્ષિત નથી. શું શિક્ષણ મેળવવા આવતી દીકરીઓએ આ રીતે શોષણનો શિકાર બનવું પડશે? આ આક્ષેપબાજી વચ્ચે મુખ્ય મુદ્દો ગૂમ થઈ રહ્યો છે કે આખરે આ દીકરીઓના શોષણ માટે જવાબદાર કોણ છે અને તેમની સામે ક્યારે પગલાં લેવાશે.

આ પણ વાંચો: આ આવ્યા ‘સરકારના જમાઈ!’ સ્કોલરશીપ મળે છે, મફતમાં ભણે છે!’

જાતીય શોષણ પાછળના જવાબદાર પરિબળો

હોસ્ટેલોમાં થતા આદિવાસી વિદ્યાર્થિનીઓના શોષણ પાછળ અનેક પરિબળો જવાબદાર છે. હોસ્ટેલમાં રાત્રિ દરમિયાન કોઈ જવાબદાર મહિલા અધિકારીની ગેરહાજરી અથવા સુરક્ષાકર્મીઓની મિલીભગતથી અસામાજિક તત્વોનો પ્રવેશ સરળ બને છે. વિદ્યાર્થિનીઓ ગરીબ અને આદિવાસી પૃષ્ઠભૂમિમાંથી આવતી હોવાથી તેમને ડરાવી-ધમકાવીને મોઢું બંધ રખાવવામાં આવે છે. ઘણીવાર તપાસના નામે માત્ર ફાઈલો ભરાય છે, પરંતુ જે વાસ્તવિક ગુનેગારો છે તેમને રાજકીય કે વહીવટી છત્રછાયા હેઠળ બચાવી લેવામાં આવે છે. આ એક પ્રકારનું વ્યવસ્થિત શોષણ છે જે વર્ષોથી અંતરિયાળ વિસ્તારોમાં ચાલતું આવ્યું છે. વહીવટી તંત્રની સંડોવણી વગર આટલા લાંબા સમય સુધી ગર્ભવતી હોવાની વાત છુપાવી રાખવી લગભગ અશક્ય છે.

ન્યાય મળશે કે નહીં તેની ચિંતા

જિલ્લા શિક્ષણ અધિકારી લખનલાલ ધનેલિયાએ હવે તપાસ બાદ કાર્યવાહીની વાત કરી છે, પરંતુ આ તપાસ નિષ્પક્ષ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આ મામલામાં ત્વરિત પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને દોષિતોને જેલભેગા કરવા જોઈએ. આદિવાસી નેતાઓ અને સામાજિક કાર્યકરોની માંગ છે કે આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને હોસ્ટેલના તમામ સ્ટાફની ભૂમિકાની ચકાસણી કરવામાં આવે. આ કિસ્સો એક ગંભીર ચેતવણી છે.

જો આજે આ દીકરીઓને ન્યાય નહીં મળે, તો આદિવાસી પરિવારોનો સરકારી શિક્ષણ વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે. દીકરીઓને માત્ર ભણાવવી પૂરતું નથી, તેમને ભણવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ સરકારની પ્રાથમિક ફરજ છે. શોષણ કરનારાઓ અને તેમને છાવરનારાઓ બંને સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી હિંમત ન કરી શકે.

આ પણ વાંચો: એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતાએ પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવો પડ્યો!

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x