ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

ઉના કાંડમાં એક દાયકા બાદ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 38ને મુક્ત કર્યા છે. જાણો દેશ આખાને હચમચાવી નાખનાર કેસમાં કોર્ટે શું કહ્યું.
Una case verdict

Una case verdict: ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના રાજકારણ અને સામાજિક તાણાવાણાને હચમચાવી દેનારા ઉનાકાંડમાં આજે, 16 માર્ચ 2026ના રોજ ગીર સોમનાથની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. વર્ષ 2016માં બનેલી આ અમાનવીય ઘટનાના 10 વર્ષ બાદ અદાલતે 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં પૂરતા પુરાવાના અભાવે અન્ય 38 આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે.

જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાના જણાવ્યા અનુસાર, દોષિતોને કેટલી સજા થશે તે અંગેની દલીલો આવતીકાલે એટલે કે 17 માર્ચના રોજ થશે, ત્યારબાદ કોર્ટ સજાની અવધિ નક્કી કરશે. આ ચૂકાદો એવા સમયે આવ્યો છે જ્યારે પીડિત પરિવાર અને દલિત સમાજ લાંબા સમયથી ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યો હતો. 10 વર્ષ સુધી ચાલેલી આ ટ્રાયલ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ આજના દિવસે પાંચ મુખ્ય આરોપીઓ ગુનેગાર સાબિત થતા કાનૂની લડતનો એક મોટો અધ્યાય પૂર્ણ થયો છે.

મરેલી ગાયનું ચામડું ઉતારનાર દલિત પરિવારની કરુણ કહાની

આ કેસની શરૂઆત 11 જુલાઈ 2016ના રોજ ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢીયાળા ગામે થઈ હતી. આ દિવસે દલિત સમાજમાંથી આવતા વશરામભાઈ સરવૈયા અને તેમનો પરિવાર મૃત પશુનું ચામડું ઉતારી રહ્યો હતો. આ સમયે કથિત ગૌરક્ષકોનું એક ટોળું ત્યાં ધસી આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે આ પરિવારે ગૌહત્યા કરી છે. પીડિતોએ વારંવાર સ્પષ્ટતા કરી કે ગાય કુદરતી રીતે મૃત્યુ પામી છે અને તેઓ માત્ર તેનું ચામડું ઉતારી રહ્યા છે, પરંતુ જાતિવાદી તત્વોએ તેમનું કંઈ જ સાંભળ્યું નહોતું.

આ પણ વાંચો: ઉનાકાંડના ભીમયોદ્ધા કાંતિભાઈ વાળા જાહેરમાં સમાજનો આભાર માનશે

હુમલાખોરોએ સરવૈયા પરિવારના ચાર દલિત યુવાનોને લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમ માર માર્યો હતો. અત્યાચારની હદ તો ત્યારે વટાવી જ્યારે આ યુવાનોને અર્ધનાગ્ન કરી ઝાયલો ગાડી પાછળ બાંધી દેવામાં આવ્યા હતા. તેમને ગાડી સાથે બાંધીને સમઢીયાળાથી ઉના શહેર સુધી જાહેરમાં ઢસડવામાં આવ્યા અને રસ્તા પર ફટકારવામાં આવ્યા હતા. આ આખી ઘટના ઉના પોલીસ સ્ટેશનની બિલકુલ સામે બની હતી, છતાં તંત્ર મૂકપ્રેક્ષક બની રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો અને જોતજોતામાં તે માનવતા પરના હુમલાનું પ્રતીક બની ગયો.

ઉનાકાંડે દલિત સમાજમાં નવી ચેતના જગાવી હતી

ઉનાની આ ઘટનાએ ગુજરાતના દલિત સમાજમાં દાયકાઓથી ધરબાયેલા રોષને જ્વાળામુખીની જેમ બહાર લાવ્યો હતો. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં ‘દલિત અસ્મિતા યાત્રા’ કાઢવામાં આવી હતી. અમદાવાદથી ઉના સુધીની આ પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉનામાં યોજાયેલી મહાસભામાં દલિતોએ એક ઐતિહાસિક સંકલ્પ લીધો હતો કે, “ગાયની પૂંછડી તમારી પાસે રાખો, અમને અમારી જમીન આપો.” હજારો દલિતોએ મરેલા પશુઓના નિકાલના ગંદા કામનો ત્યાગ કરવાની અને ગટર સાફ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ આંદોલને દલિતોને એક નવી રાજકીય અને સામાજિક ઓળખ આપી હતી.

આ પણ વાંચો: ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં

Una case verdict

રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા અને રાજકીય ભૂકંપ સર્જાયો

ઉનાકાંડ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત ન રહ્યો, તેના પડઘા સંસદ સુધી પડ્યા હતા. તત્કાલીન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, અને બસપા પ્રમુખ માયાવતીએ ઉના અને રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાયેલા મુદ્દાને કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પીડિતોની મુલાકાત લેવી પડી હતી. આ ઘટનાને કારણે ગુજરાતમાં ભાજપ સરકાર સામે મોટું સંકટ ઉભું થયું હતું અને અંતે રાજકીય સમીકરણો પણ બદલાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સમયે આંદોલનનું કેન્દ્ર બની ગઈ હતી, જ્યાં અનેક દલિત યુવાનોએ વિરોધ સ્વરૂપે ઝેર પીને આત્મવિલોપનના પ્રયાસો કર્યા હતા.

પીડિત પરિવારે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

ન્યાય મળવામાં થતા વિલંબ અને હિન્દુ ધર્મમાં સમાનતાના અભાવનો અનુભવ કરતા પીડિત પરિવારે ગંભીર નિર્ણય લીધો હતો. વર્ષ 2018માં મોટા સમઢીયાળાના પીડિત પરિવાર સહિત અંદાજે 450 જેટલા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ પીડા વ્યક્ત કરી હતી કે જો હિન્દુ ધર્મમાં અમને સુરક્ષા અને સન્માન ન મળતું હોય, તો અમારે એ ધર્મમાં રહેવાનો કોઈ અર્થ નથી. ડો. બાબાસાહેબ આંબેડકરના માર્ગે ચાલીને તેમણે કરેલું આ ધર્મ પરિવર્તન વ્યવસ્થા સામેનો સૌથી મોટો નૈતિક વિરોધ હતો.

આ પણ વાંચો: ‘મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!’

4 પોલીસકર્મી સહિત 43 લોકોની ધરપકડ

સીઆઈડી (ક્રાઈમ) દ્વારા આ કેસમાં કુલ 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચાર પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો જેમણે ફરજમાં બેદરકારી દાખવી હતી. ડિસેમ્બર 2016માં ચાર્જશીટ દાખલ થઈ હતી, જેમાં એટ્રોસિટી એક્ટ, અપહરણ અને લૂંટ જેવી ગંભીર કલમો લગાવાઈ હતી. ઓગસ્ટ 2018માં ટ્રાયલ શરૂ થઈ અને સાક્ષીઓની લાંબી તપાસ બાદ આજે ચુકાદો આવ્યો છે.

સૌ કોઈની નજર આવતીકાલના ચૂકાદા પર

આજે ભલે 5 આરોપીઓ દોષિત ઠર્યા હોય, પણ 38 આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે તે બાબતે પીડિતોમાં મિશ્ર પ્રતિસાદ છે. ઉનાકાંડ એ ભારતના ઈતિહાસમાં જાતિવાદી હિંસાનું એક કાળું પ્રકરણ છે જે હંમેશા યાદ અપાવશે કે કેવી રીતે અંધ ગૌભક્તિ અને જાતિવાદના નામે નિર્દોષ માણસોના આત્મસન્માનને રસ્તા પર ઢસડવામાં આવ્યું હતું. હવે સૌની નજર આવતીકાલ પર છે કે અદાલત આ પાંચ દોષિતોને કેવી કડક સજા ફટકારે છે, જે ભવિષ્ય માટે એક દાખલો બની રહે.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
5 hours ago

Tamam gunegaro ne fanshi aapo ya aajivan jail ma nakho ane pidito ne sarkari nokari ane jamin aapo

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x