દલિત સમાજ સાથે હવે ક્યાં આભડછેટ રાખવામાં આવે છે, હવે ક્યાં આભડછેટ જેવું કશું રહ્યું છે?- આવી વાતો કરતા જાતિવાદી તત્વોના મોં પર લપડાક મારતી એક ચોંકાવનારી ઘટના મેગા સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદથી માત્ર 32 કિ.મી. દૂર આવેલા એક ગામમાંથી સામે આવી છે. જ્યાં 300 જેટલા દલિત પરિવારો વસતા હોવા છતાં આભટછેટના કારણે વાળંદો તેમના વાળ કાપતા નથી.
ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે, ડિજિટલ ક્રાંતિની વાતો થઈ રહી છે અને દેશને વિશ્વની મહાસત્તા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ અમદાવાદ જિલ્લાના એક ગામમાં આજે પણ જાતિના આધારે માણસ સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. મેગા સિટી અમદાવાદથી માત્ર 32 કિલોમીટર દૂર આવેલા ધોળકા તાલુકાના ચલોડા ગામમાં અનુસૂચિત જાતિના લોકોને વાળંદની દુકાનોમાં વાળ કપાવવા અને દાઢી કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગામમાં વાળંદની 4 દુકાનો હોવા છતાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવામાં આવતા નથી.

ચલોડામાં 300થી વધુ દલિતોની વસ્તી છે
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ચલોડા ગામમાં અનુસૂચિત જાતિના 300થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોમાં શિક્ષિત, નોકરિયાત અને સામાજિક રીતે જાગૃત લોકોનો પણ સમાવેશ થાય છે. સમાજના લોકો શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, તેમ છતાં ગામમાં રોજિંદા જીવનની એક સામાન્ય જરૂરિયાત માટે જાતિગત ભેદભાવનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગામમાં વાળ કાપવા અને દાઢી કરવા માટે વાળંદની 4 દુકાનો આવેલી છે. પરંતુ તેમાં દલિત સમાજના લોકોના બાલ-દાઢી કરવામાં આવતા નથી.
આ પણ વાંચોઃ ડ્રાઈવિંગ લાયસન્સ ન પહોંચતા સવર્ણોએ દલિત પોસ્ટમેનને ફટકાર્યો
બંધારણની કલમ 17 છતાં આભડછેટ કેમ?
ભારતના બંધારણની કલમ 17 દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણ સ્પષ્ટ કરે છે કે અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પ્રતિબંધિત છે. આ જોગવાઈ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી, પરંતુ દરેક નાગરિકના માનવ ગૌરવ અને સમાનતાની ખાતરી આપતો બંધારણીય આધાર છે. અસ્પૃશ્યતા સંબંધિત ભેદભાવ સામે કાયદાકીય કાર્યવાહી માટે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955 પણ અમલમાં છે. પરિસ્થિતિ અને પુરાવાના આધારે અન્ય કાયદાકીય જોગવાઈઓ પણ લાગુ પડી શકે છે.
પરંતુ ચલોડા ગામમાં સામે આવેલા આક્ષેપો એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે જ્યારે બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે ત્યારે જાતિના આધારે રોજિંદી સેવાઓથી વંચિત રાખવાની માનસિકતા હજુ કેમ જીવંત છે? જો કોઈ વ્યક્તિને તેની જ્ઞાતિના કારણે વાળંદની દુકાનમાં પ્રવેશવા કે સેવા મેળવવાથી રોકવામાં આવતો હોય તો તે માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ બંધારણીય સમાનતાના મૂલ્યો સામેનો ગંભીર પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ 13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો
બાબાસાહેબની પ્રતિમા સ્થાપવાની તૈયારી
ચલોડા ગામના અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાં બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બાબાસાહેબે જીવનભર જાતિવાદ, અસ્પૃશ્યતા અને સામાજિક અસમાનતા સામે સંઘર્ષ કર્યો હતો. તેમણે શિક્ષણ, સંગઠન અને સંઘર્ષનો માર્ગ બતાવીને વંચિત સમાજને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપી હતી. આવી સ્થિતિમાં ચલોડામાં બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારી વચ્ચે જ આભડછેટના આક્ષેપો સામે આવવા એ સમાજ માટે આત્મમંથનનો વિષય છે.
માત્ર પ્રતિમા સ્થાપિત કરવાથી કે જયંતીઓ ઉજવવાથી બાબાસાહેબના વિચારો સાકાર થતા નથી. સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાય જ્યારે દરેક વ્યક્તિને સમાન અધિકાર, સન્માન અને સ્વતંત્રતા મળે. ગામમાં રહેતા કોઈપણ નાગરિકને તેની જ્ઞાતિના આધારે અપમાનિત થવું ન પડે તે જ બાબાસાહેબના વિચારોનું સાચું અમલીકરણ છે.
અન્યાય સહન કરવાની નહીં, અવાજ ઉઠાવવાની જરૂર
આ સમગ્ર મામલામાં વધુ ચિંતાજનક બાબત એ છે કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રકારના ભેદભાવનો અનુભવ જાણે રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો છે. અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે તેને સહન કરવાની માનસિકતા વિકસતી હોવાની પણ વાત સામે આવી છે. પરંતુ અસ્પૃશ્યતા કોઈ પરંપરા નથી, કોઈ સામાજિક અધિકાર નથી અને કોઈ વ્યક્તિને મળેલી વિશેષ સત્તા પણ નથી. તે બંધારણ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલું અમાનવીય વર્તન છે.
હવે સવાલ એ છે કે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર, સમાજ કલ્યાણ વિભાગ અને સંબંધિત અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરશે? શું ચલોડાના અનુસૂચિત જાતિના પરિવારોને પણ ગામની અન્ય વ્યક્તિઓની જેમ વાળંદની દુકાનોમાં સમાન સેવા મળશે? શું આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે?
આ પણ વાંચોઃ GPSC માં હવે ભાજપના ઝંડા લગાવનારા ઈન્ટરવ્યૂ લેશે!
આઝાદીના 80મા વર્ષે પણ જો કોઈ નાગરિકને પોતાની જ્ઞાતિના કારણે વાળ કપાવવાનો અધિકાર ન મળે તો સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. બાબાસાહેબની પ્રતિમા ઊભી થાય તે આવકારદાયક છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી છે કે સમાજના દરેક વ્યક્તિના મનમાં સમાનતાની ભાવના ઊભી થાય. કારણ કે સાચી આઝાદી ત્યારે જ કહેવાય જ્યારે માણસની ઓળખ તેની જ્ઞાતિથી નહીં, પરંતુ તેના માનવ અધિકાર અને સ્વાભિમાનથી થાય.
આ પણ વાંચોઃ INDIA TV ના જ્યોતિષાચાર્યની પત્ની ચૂંટણી હારી ગઈ











