QS એશિયા રૅન્કિંગમાં ભારતની 71% યુનિવર્સિટીઓ પાછળ ધકેલાઈ

QS એશિયા યુનિવર્સિટી રૅન્કિંગ 2027માં ભારતની 325 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું, છતાં 71% યુનિ.ઓની રૅન્ક ઘટી. દિલ્હી યુનિવર્સિટી ટોપ 100માંથી બહાર.
asia university rankings 2027

QS એશિયા યુનિવર્સિટી રૅન્કિંગ 2027માં ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની હાજરી વધી છે, પરંતુ રૅન્કિંગના મામલે મોટાભાગની સંસ્થાઓ પાછળ રહી છે. આ વર્ષે ભારતની કુલ 325 યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓને એશિયાની યાદીમાં સ્થાન મળ્યું છે.

સંસ્થાઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત ચીન પછી બીજા ક્રમે છે. જોકે, રૅન્કિંગમાં સામેલ ભારતીય સંસ્થાઓમાંથી 71%ની સ્થિતિ અગાઉની સરખામણીએ નીચે ગઈ છે.

ભારત માટે સૌથી ઊંચું સ્થાન IIT દિલ્હીએ મેળવ્યું છે. તે ભારતીય સંસ્થાઓમાં પ્રથમ ક્રમે છે, પરંતુ તેની એશિયા રૅન્ક 2026માં 59 હતી, જે ઘટીને 2027માં 66 થઈ છે. બીજી તરફ, ભારતીય યુનિવર્સિટીઓમાં ચંડીગઢ યુનિવર્સિટી પ્રથમ સ્થાને રહી છે. તેની રૅન્ક 109થી સુધરીને 104 થઈ છે.

દિલ્હી યુનિવર્સિટી ટોપ 100માંથી બહાર

રૅન્કિંગમાં ઘટાડાની અસર દેશની જાણીતી IIT અને યુનિવર્સિટીઓ પર પણ જોવા મળી છે. દિલ્હી યુનિવર્સિટીનો રૅન્ક 2026માં 95 હતો, જે 2027માં ઘટીને 106 થઈ ગયો છે. પરિણામે દિલ્હી યુનિવર્સિટી એશિયાની ટોપ 100 સંસ્થાઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો: યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવે દલિત વિદ્યાર્થીને HOD ન બનવા દીધો

IIT દિલ્હી 59થી 66મા સ્થાને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) બેંગલુરુ 64થી 79મા સ્થાને અને IIT બોમ્બે 71થી 83મા સ્થાને પહોંચ્યું છે. IIT મદ્રાસની રૅન્ક પણ 70થી ઘટીને 85 થઈ છે.

IIT ખડગપુર 77થી 90મા સ્થાને અને IIT કાનપુર 77થી 97મા સ્થાને પહોંચ્યું છે. IIT કાનપુરની રૅન્કમાં 20 સ્થાનનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત IIT ગુવાહાટી 115થી 120મા અને IIT રૂરકી 114થી 124મા સ્થાને પહોંચ્યાં છે.

કઈ ભારતીય સંસ્થાઓની રૅન્ક સુધરી?

બધી જ ભારતીય સંસ્થાઓની રૅન્કમાં ઘટાડો થયો નથી. કેટલીક યુનિવર્સિટીઓએ સુધારો પણ નોંધાવ્યો છે. ચંડીગઢ યુનિવર્સિટીની રૅન્ક 109થી સુધરીને 104 થઈ છે. આ સાથે તે ભારતીય યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાને રહી છે.

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ નોંધપાત્ર સુધારો કર્યો છે. તેની રૅન્ક 187થી સુધરીને 154 થઈ છે. સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી 200થી 175મા સ્થાને પહોંચી છે.

આ પણ વાંચો: ABVPએ મુસ્લિમ પ્રિન્સિપાલને રાજીનામું અપાવી કાર્યાલય ‘શુદ્ધ’ કર્યું

સરકારી સંસ્થાઓમાં IIT હૈદરાબાદની રૅન્ક 270થી સુધરીને 251 થઈ છે. IIT BHU વારાણસી 237થી 219મા સ્થાને પહોંચ્યું છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) 130થી સુધરીને 128મા સ્થાને રહી છે. જામિયા મિલિયા ઇસ્લામિયા 197થી 183મા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી 278થી સુધરીને 268મા સ્થાને પહોંચી છે.

બીજી તરફ, શૂલિની યુનિવર્સિટી 159થી ઘટીને 177મા અને યુનિવર્સિટી ઑફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ (UPES) 163થી ઘટીને 183મા સ્થાને પહોંચી છે. મણિપાલ એકેડમી ઑફ હાયર એજ્યુકેશન 206થી સુધરીને 195મા સ્થાને રહી છે.

રૅન્કિંગમાં ઘટાડાનું કારણ શું?

QSના જણાવ્યા મુજબ, ભારતીય સંસ્થાઓની રૅન્ક નીચે જવાનું મુખ્ય કારણ એશિયામાં વધતી સ્પર્ધા છે. આ વર્ષે રૅન્કિંગમાં 195 નવી યુનિવર્સિટીઓનો સમાવેશ થયો છે. આ ઉપરાંત અગાઉથી યાદીમાં રહેલી અનેક સંસ્થાઓએ પણ પોતાના પ્રદર્શન અને સ્કોરમાં સુધારો કર્યો છે.

આ પણ વાંચો: વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા

QSના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેન સૉટરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે 71%નો આંકડો ભારતના શૈક્ષણિક પ્રદર્શનનો 71% ઘટાડો દર્શાવતો નથી. તેનો અર્થ એટલો જ છે કે રૅન્કિંગમાં સામેલ 325 ભારતીય સંસ્થાઓમાંથી 71%ની રૅન્ક અગાઉની સરખામણીએ નીચે ગઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રૅન્કિંગમાં નીચે ગયેલી ભારતીય સંસ્થાઓમાંથી આશરે બે તૃતીયાંશ સંસ્થાઓએ પોતાનો ઓવરઓલ સ્કોર સુધાર્યો છે. IIT બોમ્બે, IIT દિલ્હી અને IISc જેવી સંસ્થાઓએ પણ પોતાનો સ્કોર લગભગ જાળવી રાખ્યો છે. એટલે રૅન્કમાં ઘટાડો થયો હોવાનો અર્થ સંસ્થાના વાસ્તવિક પ્રદર્શનમાં ઘટાડો થયો જ છે એવું માની શકાય નહીં.

કયા માપદંડોમાં ભારત પાછળ રહ્યું?

QSના વિશ્લેષણ મુજબ, ભારતીય યુનિવર્સિટીઓની રૅન્કિંગમાં સૌથી વધુ ઘટાડો એકેડેમિક રેપ્યુટેશન, નોકરીદાતાઓ વચ્ચેની પ્રતિષ્ઠા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા માપદંડોમાં જોવા મળ્યો છે.

જોકે, સંશોધનના ક્ષેત્રમાં ભારતીય સંસ્થાઓનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. પ્રતિ ફેકલ્ટી રિસર્ચ પેપર એવો એકમાત્ર માપદંડ રહ્યો છે, જેમાં ભારતીય યુનિવર્સિટીઓની સંખ્યા ઘટવાને બદલે વધી છે. આ માપદંડમાં એશિયાની ટોપ 50 યુનિવર્સિટીઓમાં ભારતની 27 સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દલિત યુવતી પર ચાલતી કારમાં 5 યુવકોનો ગેંગરેપ

10 વર્ષમાં સંખ્યા 24થી વધીને 325 થઈ

રૅન્કિંગમાં ભારતની હાજરી લાંબા ગાળે વધી છે. બેન સૉટરના જણાવ્યા મુજબ, 2016માં QS એશિયા રૅન્કિંગમાં ભારતની માત્ર 24 સંસ્થાઓ સામેલ હતી. 2027માં આ સંખ્યા વધીને 325 થઈ છે. એટલે એક દાયકામાં ભારતીય સંસ્થાઓની સંખ્યામાં 1,250%થી વધુનો વધારો થયો છે.

એશિયાની ટોપ 10માં કોનું વર્ચસ્વ?

QS એશિયા યુનિવર્સિટી રૅન્કિંગ 2027માં હોંગકોંગ યુનિવર્સિટી પ્રથમ સ્થાને છે. ચીનની પેકિંગ યુનિવર્સિટી બીજા અને સિંઘુઆ યુનિવર્સિટી ત્રીજા સ્થાને છે. હોંગકોંગની સિટી યુનિવર્સિટી ચોથા અને ચાઇનીઝ યુનિવર્સિટી ઑફ હોંગકોંગ પાંચમા ક્રમે છે.

ચીનની ફુદાન યુનિવર્સિટી અને સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોર સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને છે. સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી આઠમા ક્રમે છે. હોંગકોંગની બે સંસ્થાઓ, હોંગકોંગ પોલિટેકનિક યુનિવર્સિટી અને હોંગકોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સંયુક્ત રીતે નવમા સ્થાને છે. આમ, ભારતીય સંસ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં વૈશ્વિક શૈક્ષણિક પ્રતિષ્ઠા, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને નોકરીદાતાઓ વચ્ચેની ઓળખ જેવા ક્ષેત્રોમાં સુધારાની જરૂરિયાત આ રૅન્કિંગ દ્વારા સામે આવી છે.

આ પણ વાંચો: RSS-BJP દેશની યુનિવર્સિટીઓને ઉધઈની જેમ ખાઈ ગયા!


 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x