દલિતોને ગાળો દેનાર ચાંદખેડાના બિલ્ડર તેજસ પટેલની ધરપકડ!

દલિત સમાજ અને મંત્રી વિશે જાતિવિષયક નિવેદનો કરનાર અમદાવાદના બિલ્ડર તેજસ પટેલની ચાંદખેડા પોલીસે એટ્રોસિટીના કેસમાં ધરપકડ કરી.
દલિત સમાચાર

અમદાવાદના વિવાદાસ્પદ બિલ્ડર તેજસ પટેલની ચાંદખેડા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ધરપકડ કરી છે. બિલ્ડર તેજસ શંકરભાઈ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ક્લિપમાં દલિત સમાજ અને એક મંત્રી વિશે જાતિવિષયક તથા અપમાનજનક નિવેદનો કરવામાં આવ્યા હતા. ક્લિપ સામે આવ્યા બાદ દલિત સમાજના લોકો અને આગેવાનોમાં રોષ ફેલાયો હતો. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી કરીને તેજસ પટેલને ઝડપી લીધો છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે તેજસ પટેલ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનો નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટના વિવાદમાં સોસાયટીના રહીશો અને મહિલાઓને ધમકી આપવા, જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલવા અને હેરાનગતિ કરવાના આક્ષેપો થયા હતા.

મહેશ્વરી એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટથી વિવાદની શરૂઆત

મળતી માહિતી મુજબ, સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટનું બાંધકામ આશરે 50 વર્ષ જૂનું હોવાથી સોસાયટીએ રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટ માટે વર્ષ 2023માં શીવાલય ઇન્ફ્રા બિલ્ડ પ્રા. લિ.ના બિલ્ડર તેજસ પટેલ સાથે MOU કરવામાં આવ્યા હતા.

જોકે, નક્કી કરાયેલા સમયગાળામાં તેજસ પટેલ દ્વારા કામ પૂર્ણ કરવામાં ન આવતાં સોસાયટીના રહીશોએ MOU રદ કર્યો હતો. ત્યારબાદ રિડેવલપમેન્ટનું કામ અન્ય બિલ્ડરને સોંપવામાં આવ્યું હતું. આ નિર્ણયથી તેજસ પટેલ નારાજ થયા હોવાનો આક્ષેપ છે. તેમણે નવા બિલ્ડરને પ્રોજેક્ટમાંથી હટી જવા કહ્યું હોવાની પણ વિગતો સામે આવી છે.

મહિલાઓને ધમકી આપી હેરાન કરતો હતો!

સોસાયટીના રહીશોના આક્ષેપ મુજબ, MOU રદ થયા બાદ તેજસ પટેલ અવારનવાર સોસાયટીમાં આવીને ધમકી આપતો હતો. સોસાયટીની મહિલાઓ કામકાજ માટે બહાર નીકળતી ત્યારે તેમનો પીછો કરીને ગાળાગાળી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે.

આ ઉપરાંત, સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ કોમેન્ટ કરીને ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. મહિલાઓ સાથે જાતિવિષયક શબ્દોનો ઉપયોગ કરીને અપમાન કરવામા આવતું હોવાના આક્ષેપને પગલે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ અગાઉ આ જ વિવાદને લઈને રાણીપ પોલીસ સ્ટેશનમાં તેજસ પટેલ સામે ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર તેમની સામે પોલીસ કાર્યવાહી થઈ છે.

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરની અમદાવાદ મુલાકાતના સ્થળને ‘હેરિટેજ સ્મારક’ જાહેર કરો

પૂર્વ કોર્પોરેટર રંજનબેન ચૌહાણની ફરિયાદ

તેજસ પટેલ સામેનો વિવાદ યથાવત રહેતાં દુધેશ્વર વોર્ડનાં પૂર્વ કોર્પોરેટર રંજનબેન ચૌહાણે પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જણાવાયું છે. સોસાયટીના રહીશો અને મહિલાઓને થતી હેરાનગતિ તથા ધમકીના મુદ્દે આ ફરિયાદ કરવામાં આવી છે.
બીજી તરફ, તેજસ પટેલની વાયરલ થયેલી ઓડિયો ક્લિપને કારણે એક નવો વિવાદ ઊભો થયો છે. આ ક્લિપમાં તે દલિત સમાજ વિશે તેમજ એક મંત્રીને લઈને જાતિવિષયક અને અપમાનજનક શબ્દો બોલતો સંભળાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્લિપ સામે આવ્યા બાદ દલિત સમાજના આગેવાનો અને લોકો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

ચાંદખેડા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ કરી ધરપકડ

ઓડિયો ક્લિપના મામલે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપી તેજસ શંકરભાઈ પટેલ, જે ન્યૂ સીજી રોડ પર આવેલી આવકારવિલા સોસાયટીમાં રહે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. આમ, એક તરફ મહેશ્વરી એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને લઈને રાણીપ પોલીસ સ્ટેશનમાં ધમકી અને હેરાનગતિના આક્ષેપો સાથેનો કેસ છે, તો બીજી તરફ વાયરલ ઓડિયો ક્લિપને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે.

આ પણ વાંચોઃ ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x