ડૉ.આંબેડકર જયંતી નિમિત્તે ઢસાથી ધોળા સુધી શોભાયાત્રા નીકળી

ડૉ.આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે રોહીદાસ વંશી વઢીયારા સમાજ ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ઠેર-ઠેર સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
A procession was taken out from Dhasa to Dhola

ઢસા: ભારતીય બંધારણના શિલ્પી, અર્થશાસ્ત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગત તારીખ 14/04/2026ના રોજ ઢસા પંથકમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રોહીદાસ વંશી વઢીયારા સમાજ 212 દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર એક રેલી નહીં, પરંતુ બાબા સાહેબના વિચારોના પ્રસાર માટેનો એક વિરાટ મહોત્સવ બની રહ્યો હતો.

ડીજેના તાલે ઢસાથી રેલી નીકળી

આ શોભાયાત્રાનું પ્રસ્થાન સવારે ઢસા ગામમાં આવેલી વઢીયારા સમાજની વાડીએથી થયું હતું. વહેલી સવારથી જ ઢસા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો અને ‘જય ભીમ’ના પ્લેકાર્ડ્સ સાથે એકઠા થવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકઠું થયા બાદ, ડૉ. બાબાસાહેબની પ્રતિમાને સુશોભિત રથમાં બિરાજમાન કરી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલે બાબા સાહેબના નારાઓ સાથે આ શોભાયાત્રા માંડવા અને જાળીયા ગામે પહોંચી હતી.

આ પણ વાંચો: તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ખંડિત કરી

ઠેર-ઠેર ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

શોભાયાત્રા જ્યારે જાળીયા ગામે પહોંચી ત્યારે વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. અહીં ગામના મહિલા સરપંચ જયાબેન રાઠોડ અને પ્રવિણભાઇ રાઠોડ સહિતના ગામના પ્રતિષ્ઠિત આગેવાનોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેલી ક્રમશઃ લીમડા, રંઘોળા ચોકડી, પરવાળા અને ડેડકડી ગામે ફરી હતી. દરેક ગામના પાદરે ગ્રામજનો દ્વારા ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ રેલીએ ઢસાથી ધોળા સુધીના સમગ્ર પંથકમાં નવું ચૈતન્ય જગાવ્યું હતું.

A procession was taken out from Dhasa to Dhola

ધોળા ગામે સભા વિશાળ સભા યોજાઈ

શોભાયાત્રાનું અંતિમ પડાવ ધોળા ગામની રોહીદાસ વંશી વઢીયારા સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું હતું. રેલી ત્યાં પહોંચતા જ વાતાવરણ “જય ભીમ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ ડૉ. બાબાસાહેબની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલી સભામાં વિવિધ વક્તાઓએ ડૉ. આંબેડકરના બાળપણના સંઘર્ષો, ઉચ્ચ શિક્ષણ માટેની તેમની મથામણ અને ભારતીય બંધારણના ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાન વિશે વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને દલિતો, શોષિતો અને મહિલાઓના અધિકારો માટે તેમણે કરેલી લડતને યાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં બૌદ્ધ સંઘના બંધારણમાં ત્રીજો ઐતિહાસિક સુધારો કરાયો

બહુજન સમાજે સાથે મળીને ભોજન લીધું

સભાના સમાપન બાદ ઉપસ્થિત તમામ લોકોએ એકતાના પ્રતીક રૂપે સમૂહ ભોજન લીધું હતું. આ સમગ્ર આયોજનમાં સમાજના અગ્રણીઓ જેવા કે રામજીભાઈ ચાવડા, મોહનભાઈ રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ, દિપેશભાઈ રાઠોડ, કાનજીભાઈ ચૌહાણ અને કિશોરભાઈ માકેશાએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. સાથે જ વિ. કે. ઝાલા, અશ્વિનભાઈ મેરિયા, આશિષભાઈ સોલંકી, નરેશભાઈ ચૌહાણ, નારણભાઇ મેરીયા તેમજ સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x