અમરેલીમાં કેન્ટીનમાં ભોજન એઠું મૂકવા બદલ દલિત યુવકની હત્યા!

અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.
Amreli Dalit youth murdered

અમરેલી: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામના એક અનુસૂચિત જાતિના યુવાનની સામાન્ય બાબતમાં થયેલી માથાકૂટ બાદ કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. ગત 17 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટનામાં પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

મામલો શું હતો?

મળતી માહિતી મુજબ, ગોપાલગ્રામના રહેવાસી 24 વર્ષના મહેશ પ્રેમજીભાઈ રાઠોડ તા. 17 એપ્રિલ 2026ના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના એક સગાની સારવારમાં મદદ કરવા માટે આવ્યા હતા. બપોરના સમયે તેઓ હોસ્પિટલ પરિસરમાં જ કાર્યરત કેન્ટીનમાં જમવા ગયા હતા. આ કેન્ટીન ભરત આચાર્ય નામનો શખ્સ ચલાવે છે. જમતી વખતે મહેશભાઈને અચાનક પેટમાં દુખાવો ઉપડતા અને ઉલટી જેવું અનુભવાતા તેમણે માનવતાના ધોરણે થાળીમાં પીરસાયેલું જમવાનું એઠું મૂક્યું હતું.

Amreli Dalit youth murdered

આ એક અત્યંત સામાન્ય શારીરિક તકલીફની બાબત હતી, પરંતુ ભોજન સેવાના સંચાલક ભરત આચાર્યે આ બાબતે માનવતા દાખવવાને બદલે ઉશ્કેરાઈને મહેશભાઈ પાસે રૂ. 50નો દંડ માંગ્યો હતો. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે મહેશભાઈએ આપેલા નાણાંમાંથી બાકી નીકળતા રૂ. 450 સંચાલકે પરત આપવાનો ઇનકાર કર્યો અને બોલાચાલી શરૂ કરી.

આ પણ વાંચો: દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિ નોટિસ ફટકારાઈ

કેન્ટીન સંચાલકે માણસો બોલાવી જીવલેણ હુમલો કર્યો

આ સામાન્ય વાતચીતે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપ છે કે ભોજન સંચાલક ભરત આચાર્ય, કાળુભાઈ, હીરાભાઈ ખુમાણ, ચતુરભાઈ દાફડા તથા અન્ય અજાણ્યા ઇસમોએ એકસંપ થઈને મહેશ રાઠોડને ઘેરી લીધા હતા. આ ટોળાએ મહેશભાઈની જાતિ પૂછીને દલિત હોવાનો ખ્યાલ આવતા જ તેમને જાતિસૂચક અપમાનજનક શબ્દો કહીને ત્યારબાદ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ્સ સાથે મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ શખ્સોએ મહેશ રાઠોડને લાતો અને ઢોર માર મારતા તેમને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે શાંતાબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જીવન-મરણ વચ્ચેની જંગ લડ્યા બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું.

Amreli Dalit youth murdered

પોલીસની કામગીરી શંકાના દાયરામાં

પુત્રની હત્યાથી ભાંગી પડેલા પિતા પ્રેમજીભાઈ દુદાભાઈ રાઠોડે આ મામલે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારે લેખિત રજૂઆતમાં માંગ કરી છે કે હાલની એફ.આઈ.આરમાં હત્યા સંબંધિત BNSની કલમ 103(1) તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) નો તાત્કાલિક ઉમેરો કરવામાં આવે.

આ પણ વાંચો: 34 વર્ષ પહેલા ફેક એન્કાઉન્ટર થયું, આદિવાસી મહિલાએ ન્યાય માટે જમીન વેચી દીધી

આ સાથે જ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની અને કેસની અસરકારક કાનૂની પેરવી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

અધિકારીઓ સામે પણ એટ્રોસિટી હેઠળ કાર્યવાહની માંગ

પરિવારનો આક્ષેપ છે કે અમરેલી સિવિલ હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાના પ્રાંગણમાં આ પ્રકારની હત્યાની ઘટના બને તે વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે મરણ પામેલા પુત્ર મહેશ રાઠોડનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરો દ્વારા કરવા અને તેની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરાવવાની માંગ સાથે જણાવ્યું છે કે જે અધિકારીઓએ ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો છે અથવા હળવી કલમો લગાવી ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે પણ એટ્રોસિટી એક્ટની કલમ 4 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

તમામ આરોપીઓની ધરપકડ ક્યારે?

અમરેલી સિવિલ હોસ્પિટલના સંચાલન અને ત્યાં ચાલતા ભોજનાલયોમાં થતી દાદાગીરી સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક ગરીબ દલિત યુવકે માત્ર શારીરિક અસ્વસ્થતાને કારણે ભોજન એઠું મૂક્યું, તેના બદલામાં તેને જીવ ગુમાવવો પડ્યો તે ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલુ છે, પરંતુ પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરી કડક સજા ફટકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ન્યાયની લડત ચાલુ રાખશે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આ સંવેદનશીલ કિસ્સામાં કેટલી ઝડપથી ન્યાય અપાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x