ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓઃ ગુજરાતની પ્રાચીન અને સમૃદ્ધ ઐતિહાસિક ધરોહરોને વિશ્વસ્તરે ઓળખ અપાવવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે. રાજકોટ જિલ્લાના કાગવડ નજીક આવેલી 1800 વર્ષ જૂની ઐતિહાસિક ખંભાલિડા બૌદ્ધ ગુફા આજે સરકારી તંત્રની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બની રહી છે. પુરાતત્વવિદો દ્વારા શોધાયેલી આ ગુફાનું સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ અદ્ભૂત છે. સરકાર દ્વારા આ ગુફાને રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવી હોવા છતાં, તેની જાળવણી અને વિકાસ બાબતે પ્રશાસનનું વલણ અત્યંત નિરાશાજનક રહ્યું છે. પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળે તે માટે શરૂ કરાયેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ કાગળ પર જ અટવાયા છે, જેના કારણે આ ગૌરવશાળી વારસો હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે.
15 વર્ષે 16 કરોડનો વેડફાટ, છતાં પ્રોજેક્ટ અધૂરો
ખંભાલિડા ગુફાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે ગુફાથી માત્ર 300 મીટરના અંતરે એક ભવ્ય પ્રવાસન પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરાયું હતું. 10 માર્ચ 2011ના રોજ તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે 12000 ચોરસ મીટર જમીનમાં 12 ઉતારા રૂમ, ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી, ધ્યાન હોલ અને ભોજનાલય જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનો દાવો કરાયો હતો. શરૂઆતમાં 5.42 કરોડ રૂપિયાની ફાળવણી સાથે કામ શરૂ થયું, પરંતુ વર્ષો વીતતાં કામ પૂરું થયું નહીં. ત્યારબાદ તત્કાલીન પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ વધારાના 9.70 કરોડ રૂપિયા ફાળવ્યા, જેથી કુલ ખર્ચ 16 કરોડ સુધી પહોંચ્યો. છતાં 15 વર્ષ વીતી જવા છતાં આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે આજદિન સુધી ખુલી શક્યો નથી.

મૂળ આયોજન સાથે ચેડાં અને વહીવટી અરાજકતા
આ પ્રોજેક્ટમાં માત્ર વિલંબ જ નથી થયો, પરંતુ તેના મૂળ સ્થાપત્ય સાથે પણ ગંભીર ચેડાં કરવામાં આવ્યા છે. ગુફાના શોધક પી.પી. પંડ્યાના પુત્ર અને જયાબેન ફાઉન્ડેશનના ટ્રસ્ટી પરેશ પંડ્યાએ આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમના આક્ષેપ મુજબ, પાંચ અલગ-અલગ ઇમારતો અને ભગવાન બુદ્ધની પ્રતિમા વાળા હોલના મૂળ આયોજનને બદલી નાખવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી દ્વારા તૈયાર કરાયેલા 12 રૂમની અંદરની દીવાલો તોડીને તેને મોટા હોલમાં ફેરવી દેવામાં આવ્યા, જેના કારણે સ્થાપત્યની ભવ્યતા અને સુંદરતાને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારી વિભાગો વચ્ચે જવાબદારીની ખેંચતાણ અને સંકલનના અભાવે આ મહત્ત્વપૂર્ણ પ્રવાસન સ્થળની દૂર્દશા થઈ છે.
આ પણ વાંચોઃ સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષ હોવાની PIL હાઈકોર્ટે ફગાવી
વાતો મોટી, પરિણામ શૂન્ય: જવાબદાર કોણ?
આશ્ચર્યની વાત તો એ છે કે પાંચ વર્ષ પહેલાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ પ્રોજેક્ટનું કામ એક વર્ષમાં પૂર્ણ કરી દેવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ પાંચ વર્ષ વીતી જવા છતાં સ્થિતિ જેમની તેમ છે. પ્રવાસન વિભાગે 25 ઓગસ્ટ 2025ના રોજ આપેલા જવાબમાં જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી દ્વારા તૈયાર કરાયેલા 12 રૂમ તોડીને હોલ બનાવવામાં આવ્યા છે અને જાળવણી માટે ચોકીદાર રાખવા સૂચના અપાઈ છે. બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ચાર મહિના પહેલાં ગુફાની મુલાકાત લીધી હોવા છતાં તેમને આ પ્રોજેક્ટ અંગે કોઈ જાણકારી નહોતી અને તેઓ વિગતો મેળવશે.
એક તરફ ‘ખુશ્બૂ ગુજરાત કી’ અભિયાન અંતર્ગત અમિતાભ બચ્ચન જેવા કલાકારો આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રે મોટી સંભાવના ધરાવતા આ સ્થળની આવી દુર્દશા સરકારની પ્રાથમિકતાઓ પર મોટા સવાલો ઉભા કરે છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે ત્યારે સરકારે જવાબદારી નક્કી કરીને તાત્કાલિક ધોરણે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવો જોઈએ અને ગુફાની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવી જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આધુનિકતા અને બૌદ્ધ ધર્મ પર પરિસંવાદ યોજાયો












