‘તું દલિત છે, તને સરપંચ મેં બનાવી છે, પંચાયતમાં પગ નહીં મૂકવાનો!’

સાબરકાંઠાના ચાંપલાનાર ગામે દલિત મહિલા સરપંચને દરબાર શખ્સે જાતિવાચક અપશબ્દો કહી જાનથી મારવાની ધમકી આપી.
દલિત સમાચાર AI Image

દલિત સમાજની કોઈ વ્યક્તિ લોકશાહી રીતે કોઈ હોદ્દા પર ચૂંટાઈને આવે તે જાતિવાદી ગુંડાઓને કઈ હદે ખટકતું હોય છે તેનો આ ઘટના વધુ એક પુરાવો છે. મામલો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલી ચાંપલાનાર ગામનો છે. અહીં ગ્રામ પંચાયતમાં લોકશાહી અને બંધારણીય અધિકારોને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. પંચાયતમાં સેવા આપતા દલિત સમાજના મહિલા સરપંચ શીતલબેન હરેશભાઈ વાલ્મીકીને પંચાયતના જ એક સભ્ય ભક્તિસિંહ સરદારસિંહ મકવાણાએ જાતિપ્રત્યે અપમાનિત કરી, ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ગામ સહિત સમગ્ર તાલુકામાં હોબાળો મચી ગયો છે અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મામલો શું હતો

હાલમાં હિંમતનગરના કાંકણૌલ ખાતે રહેતા અને ચાંપલાનાર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપતા શીતલબેન વાલ્મીકી ગત તા. 29 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારના સુમારે પોતાના નિત્યક્રમ મુજબ પંચાયત કચેરી ખાતે જઈ રહ્યા હતા. તેઓ પંચાયત કચેરી પહોંચ્યા ત્યારે ત્યાં પહેલાથી જ હાજર પંચાયત સભ્ય ભક્તિસિંહ મકવાણા બહાર આવ્યો હતો અને મહિલા સરપંચને જોઈને ઉશ્કેરાઈ ગયો હતો. ભક્તિસિંહે જાહેરમાં જ મહિલા સરપંચ શીતલબેન વાલ્મીકી સામે દાદાગીરી કરતા કહ્યું હતું કે, “તું અહીં રહેતી નથી, તો અહીં શું કામ આવી છે? મેં તને સરપંચ બનાવી છે.” આટલું કહી તેમણે શીતલબેન પ્રત્યે જાતિવાચક અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

“રાજ તો મારું જ ચાલશે” – દમદાટી મારી ત્રાસ આપ્યો

મહિલા સરપંચ શીતલબેને જ્યારે ભક્તિસિંહને આવી રીતે મર્યાદા બહાર ન બોલવા અને યોગ્ય વર્તન કરવા કહ્યું, ત્યારે ભક્તિસિંહે વધુ દાદાગીરી બતાવી હતી. તેણે મહિલા સરપંચને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને પોતાના રાજકીય વર્ચસ્વનો રોફ ઝાડતા ધમકી આપી હતી કે, “હું જિલ્લા પંચાયતનો પૂર્વ સભ્ય છું! તું ભલે સરપંચ હો, પણ તારે હું કહું તેમ જ ગામમાં કામો કરવા પડશે. રાજ તો મારું જ ચાલશે!” આ પ્રકારની ખુલ્લેઆમ દમદાટી આપીને તેણે મહિલા સરપંચના બંધારણીય હોદ્દાનું અપમાન કર્યું હતું.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને ખુરશી પર બેસતા અટકાવાયા

‘મારી ગાંધીનગર સુધી પહોંચ છે’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી

એટલું જ નહીં, આરોપી ભક્તિસિંહ મકવાણાએ પોતાની સત્તા અને વગનો અહંકાર બતાવતા દાદાગીરી કરી હતી કે, “ગામમાં છેલ્લા 30 વર્ષથી પંચાયત અને દૂધ ડેરીમાં મારું જ રાજ ચાલે છે. મારું કોઈ કશું જ બગાડી શકવાનું નથી, મારી પહોંચ છેક ગાંધીનગર સુધી છે.” આ સાથે જ તેમણે મહિલા સરપંચને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો હવે પછી પંચાયત કચેરીમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખીશ.”

મહિલા સરપંચે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

સતત મળતી ધમકીઓ, જાતિવાચક અપમાન અને જાનનું જોખમ ઊભું થતાં આખરે દલિત મહિલા સરપંચ શીતલબેન વાલ્મીકીએ પોલીસનું શરણું લેવાની ફરજ પડી હતી. તેમણે ગાંભોઈ પોલીસ સ્ટેશન પહોંચીને ભક્તિસિંહ સરદારસિંહ મકવાણા સામે વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંભોઈ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ધારા 296(બ), 351(2) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ  તું ભલે સરપંચ હો, ફરિયાદ કરી છે તો હવે પરિણામ માટે તૈયાર રહેજે! 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x