દલિત સમાજની વ્યક્તિ ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચી જાય તો પણ જાતિવાદી તત્વો તેમને તેમની જાતિના આધારે જ ઓળખે છે અને તે જ રીતે વ્યવહાર કરે છે. આવી જ એક ઘટનામાં રાજ્ય સરકારના ત્રણ-ત્રણ દલિત મંત્રીઓને દશેરાના દિવસે યોજાયેલી પૂજામાં ભાગ લેતા અટકાવી તેમને પ્રવેશ અપાયો નહોતો. આ મામલે હોબાળો મચી જતા હવે તપાસનું નાટક રચાયું છે.
મામલો કોંગ્રેસશાસિત કર્ણાટકનો છે. અહીંના મૈસુરમાં દરેશાના એક કાર્યક્રમમાં એક ગંભીર અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. દશેરા મહોત્સવ દરમિયાન પરંપરાગત નંદી ધ્વજ પૂજા સ્થળ પર રાજ્યના ૩ દલિત મંત્રીઓને કથિત રીતે પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને જેડીએસ દ્વારા સરકાર પર જાતિગત ભેદભાવ અને દલિત વિરોધી માનસિકતાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિવાદ વધતાની સાથે જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર દ્વારા તપાસના આદેશ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મુખ્ય સચિવ શાલૂની રજનીશને તાત્કાલિક ધોરણે આ ઘટનાની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદન અનુસાર, આ ઘટના 21 ઓક્ટોબરના રોજ મૈસુરુ દશેરા શોભાયાત્રાની શરૂઆત વખતે બની હતી. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આ ઘટના માટે જવાબદાર અધિકારીઓની ચોક્કસ ઓળખ કરવા અને વહેલી તકે રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તપાસ રિપોર્ટમાં જે પણ અધિકારી દોષી સાબિત થશે, તેની સામે કાયદાકીય અને ખાતાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે.
વાયરલ વીડિયો અને કથિત મંત્રીઓના નામ
આ સમગ્ર ઘટનાને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતાંમાં આગની જેમ વાયરલ થઈ ગયો છે. આ વાયરલ વીડિયોમાં પોલીસ વિભાગનો એક અધિકારી મંત્રીઓ બસવંતપ્પા, નરેન્દ્રસ્વામી અને શિવરાજ તંગડાગીને પૂજા સ્થળ પર જતા અટકાવવાનો પ્રયાસ કરતો સ્પષ્ટ નજરે ચડે છે. જોકે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં મંત્રી બાલકૃષ્ણનું નામ પણ સામેલ છે, જેઓ વાયરલ વિડિયોમાં દેખાતા નથી. આ વિડિયો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચોઃ હું દલિત છું એટલે મંચનું શુદ્ધિકરણ કરી અપમાન કર્યું – ખડગે
મુખ્યમંત્રીની નારાજગી અને સમયસર હસ્તક્ષેપ
ઘટના અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે અધિકારીઓના વર્તન પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે તેમને આ ઘટનાની જાણકારી મળી ત્યારે તેમણે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તમામ મંત્રીઓના પૂજા સ્થળ પર પ્રવેશ માટેની યોગ્ય વ્યવસ્થા કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે મંત્રીઓને સત્તાવાર કાર્યક્રમ કે પૂજા સ્થળ પર જતા અટકાવવા તે બિલકુલ અસ્વીકાર્ય છે અને જવાબદાર અધિકારીઓની આ પ્રકારની મનમાની કે અક્ષમ્ય વર્તન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

મંત્રી બસવંતપ્પાનો સવાલ: “પ્રોટોકોલની જાણ કેમ નહોતી?”
આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા મંત્રી બસવંતપ્પાએ પત્રકારો સાથેની વાતચીતમાં તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને કે અન્ય મંત્રીઓને આવવા જવાની કે પ્રોટોકોલ સંબંધી કોઈપણ પ્રકારના પ્રતિબંધોની અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. તેમણે સવાલ કર્યો કે જ્યારે સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ સારી રીતે જાણતા હતા કે તેઓ રાજ્યના મંત્રીઓ છે, તો પછી તેમને શા માટે પૂજા સ્થળ પર પ્રવેશતા અટકાવવામાં આવ્યા? બસવંતપ્પાના મતે, જો કોઈ વિશેષ પ્રોટોકોલ કે નિયમ લાગુ હતો તો તેની સત્તાવાર જાણકારી મંત્રીઓને અગાઉથી આપવી અનિવાર્ય હતી.
ઘટનાને લઈને રાજકારણ ગરમાયું
આ ઘટનાને લઈને રાજ્યમાં દલિત અત્યાચાર અને ભેદભાવનો મુદ્દો જોરશોરથી ઉછળી રહ્યો છે. વિપક્ષી પક્ષો દ્વારા સરકારને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, જેના કારણે તંત્ર પર દબાણ વધ્યું છે. હવે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના પાછળ કોઈ અધિકારીઓની માનસિકતા જવાબદાર હતી કે પછી વહીવટી બેદરકારી હતી. જોકે, આ ઘટનાએ તંત્રની કાર્યપદ્ધતિ અને સન્માન પર મોટા સવાલો જરૂર ખડા કરી દીધા છે.
આ પણ વાંચોઃ દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!











