ભારતમાં જો સૌથી વધુ કોઈ મહાનાયકની પ્રતિમા ખંડિત કરાતી હોય તો તે બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર છે. 14મી એપ્રિલ નજીક આવતાની સાથે જ આ સિલસિલો શરૂ થઈ જાય છે અને તે એ પછી પણ ચાલતો રહે છે. આવી જ એક ઘટનામાં એક ખેતરમાંથી બાબાસાહેબની તોડીને ફેંકી દેવાયેલી પાંચ ફૂટ ઉંચી પ્રતિમા મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મામલો જાતિવાદના ગઢ ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીંના સહારનપુર જિલ્લાના બબલિયાખેડી તાલુકાના બડોલી ગામમાં શનિવારની સવાર ભારેલા અગ્નિ જેવી રહી હતી. સવારે અંદાજે 6:00 વાગ્યે ગામના બાબુરામ કશ્યપ જ્યારે પોતાના ખેતરમાં કામ અર્થે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા પડેલી જોવા મળી હતી. ફાઈબરની બનેલી આ પ્રતિમા આશરે 5 ફૂટ ઊંચી છે. ખેતરમાં પ્રતિમા કોઈ ફેંકીને જતું રહ્યું હોવાની જાણકારી મળતા જ લોકોના ટોળેટોળા ખેતર તરફ ઉમટી પડ્યા હતા.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ખેતર માલિક બાબુરામ કશ્યપે આ ગંભીર બાબતની જાણ તુરંત સરપંચ સુધીર ત્યાગીને કરી હતી. તેમણે ઘટનાની ગંભીરતા પારખીને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સૂચના મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે તુરંત જ પ્રતિમાને પોતાના કબજામાં લીધી હતી અને સુરક્ષિત સ્થળે ખસેડી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ
લોકોના ટોળેટોળાં ઉમટ્યાં
આ સમાચાર ફેલાતાની સાથે જ બડોલી અને આસપાસના ગામોમાંથી દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખેતરમાં આ પ્રકારે પ્રતિમા મળી આવવાની ઘટનાને સમાજ દ્વારા અપમાનજનક ગણાવવામાં આવી છે. લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. દલિત સમાજના અગ્રણીઓએ પોલીસને આ મામલે લેખિત ફરિયાદ સોંપી છે. તેમની માંગ છે કે જે તત્વોએ જાણીજોઈને આ કૃત્ય કર્યું છે, તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું

સામાજિક શાંતિ ડોહળવાનો પ્રયાસ હોવાની આશંકા
સીઓ દેવબંદ અભિતેશ સિંહે ઘટના અંગે મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે તપાસ માટે વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, કોઈ અસામાજિક અથવા તોફાની તત્વોએ ગામનું કોમી સૌહાર્દ બગાડવા અને તણાવ પેદા કરવાના ઈરાદાથી પ્રતિમાને ખેતરમાં લાવીને મૂકી હોવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક પૂછપરછ દ્વારા કડીઓ મેળવવા પ્રયત્ન કરી રહી છે.
તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ ગામમાં પ્રવર્તી રહેલા તણાવને જોતા પોલીસ પ્રશાસને ગ્રામજનોને શાંતિ અને સંયમ જાળવવા નમ્ર અપીલ કરી છે. અધિકારીઓએ લોકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. હાલ ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંકુશ હેઠળ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. દોષિતોને વહેલી તકે પકડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર જયંતી નિમિત્તે ઢસાથી ધોળા સુધી શોભાયાત્રા નીકળી











