દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા 5 સાંસદો ધરણા પર બેઠાં

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
Dalit youth dies in police custody

કાઠમંડુ: નેપાળમાં પોલીસ કસ્ટડીમાં એક 22 વર્ષીય દલિત યુવકના રહસ્યમય મોત બાદ રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. સત્તાધારી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના પાંચ સાંસદોએ આ મામલે ન્યાયની માંગ સાથે સિંધુલી જિલ્લા વહીવટી કચેરીના મુખ્ય દ્વાર પર પડાવ નાખ્યો છે. શુક્રવાર સાંજથી શરૂ થયેલા આ ધરણા સતત 12 કલાકથી વધુ સમયથી ચાલુ છે, જેમાં સાંસદ ખગેન્દ્ર સુનાર, રીમા વિશ્વકર્મા, સુષ્મા સ્વર્ણકાર, ખિમા વિશ્વકર્મા અને આશિષ ગજુરેલ સહભાગી થયા છે.

દલિત યુવકે પ્રેમ લગ્ન કરતા ધરપકડ બાદ મોત

ઘટનાની વિગત મુજબ, સિંધુલીના સુનકોશી ગ્રામીણ નગરપાલિકા-3 ના રહેવાસી 22 વર્ષીય શ્રીકૃષ્ણ બીકે એ 11 એપ્રિલના રોજ ખોટાંગની 17 વર્ષીય યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ યુગલ લલિતપુરમાં રહેતું હતું. જોકે, 16 એપ્રિલના રોજ લલિતપુર પોલીસે યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવી શ્રીકૃષ્ણને કસ્ટડીમાં લીધો હતો. કથિત ગુનાનું સ્થળ સિંધુલી હોવાથી લલિતપુર પોલીસે તેને આગળની કાર્યવાહી માટે સિંધુલી મોકલી આપ્યો હતો. 20 એપ્રિલના રોજ ખુરકોટ પોલીસ કચેરીની કસ્ટડીમાં શ્રીકૃષ્ણ મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો: અમરેલી સિવિલમાં દેવીપૂજક મહિલાનું મોત, સમાજ 13 દિવસથી ધરણા પર

યુવકના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈનકાર કર્યો

પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે કસ્ટડીમાં આત્મહત્યા કરી છે અને તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જોકે, પરિવારજનો આ થિયરીને નકારી રહ્યા છે. શ્રીકૃષ્ણના પરિવારનો આરોપ છે કે આ કોઈ આત્મહત્યા નથી પણ પોલીસ દ્વારા કસ્ટડીમાં આપવામાં આવેલ અત્યાચાર અને મારપીટનું પરિણામ છે. તેઓનું કહેવું છે કે આ એક પ્રેમ લગ્નનો કિસ્સો હતો, પરંતુ આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી યુવતીના પરિવારે પોતાની કથિત ઉચ્ચ જાતિની વગનો ઉપયોગ કરી ખોટો કેસ દાખલ કરાવ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારે છેલ્લા ચાર દિવસથી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

5 સાંસદોએ પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો

પોતાની જ સરકાર સામે સત્તાધારી પક્ષના પાંચ સાંસદોનું રસ્તા પર ઉતરવું એ નેપાળના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાંસદ ખગેન્દ્ર સુનારે ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ નહીં થાય અને દોષિત પોલીસકર્મીઓ સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ ધરણા સ્થળ પરથી હટશે નહીં. સ્થાનિક બુદ્ધિજીવીઓ અને દલિત અધિકાર કાર્યકરો પણ સાંસદોના આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો:  રાજકોટના દલિત યુવક ભાવેશ વાણવીની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો

તપાસ સમિતિની રચના કરવામાં આવી

વધતા જનઆક્રોશ અને રાજકીય દબાણને પગલે 21 એપ્રિલના રોજ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સિંધુલીના મદદનીશ મુખ્ય જિલ્લા અધિકારી દીપેન્દ્ર પૌડેલે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રશાસન આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે અને તપાસ રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ લલિતપુર પોલીસે બચાવ કરતા કહ્યું છે કે તેઓએ માત્ર ફરિયાદના આધારે શૂન્ય એફઆઈઆર નોંધીને આરોપીને સંબંધિત જિલ્લામાં ટ્રાન્સફર કર્યો હતો. હાલમાં સમગ્ર નેપાળમાં આ કેસ દલિત અધિકારો અને કસ્ટોડિયલ ડેથના ગંભીર મુદ્દા તરીકે ઉભરી રહ્યો છે. સંસદના પાંચ સભ્યોના વિરોધ પ્રદર્શને વહીવટી તંત્રને ભીંસમાં મૂક્યું છે.

આ પણ વાંચો: દલિત કિશોરીને યુવકે ખેતરમાં દોડાવી ગળું કાપી હત્યા કરી

3 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
12 days ago

*ભારતીય સંસદમાં બીજેપીનાં સત્તાધારી પક્ષમાં 131 સાંસદો બિન-સવર્ણો છે! છતાં લાચાર અને ડરપોક કેમ છે? શું સરકાર સામે બોલવાથી ઘર ભેગા થવાનો ડર સતાવે છે? બૈરાં છોકરા ભૂખે મરવાનો ડર લાગે છે શું?
કે પછી પક્ષ પલટો કરવા સામે ડર લાગે છે કે શું?
*પડોશી નેપાળ રાષ્ટ્ર પાસેથી કંઈક તો સીખો અને સમાજને કંઈક પાછું આપો! સાધુવાદ સાધુવાર!

1
0
Would love your thoughts, please comment.x
()
x