દલિત યુવકને માથાભારે શખ્સે નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો

દલિત યુવકને ગામના જાતિવાદી ગુંડાએ ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડ્યો, નગ્ન કરી બળજબરીથી દારૂ પીવડાવ્યો. દલિત યુવકે ફરિયાદ નોંધાવી હોવાથી દાઝ રાખી હુમલો કર્યો.
dalit youth beaten

દલિતો પર હુમલા કરવામાં જાતિવાદી ગુંડાઓને જાણે કાયદો વ્યવસ્થાની જરાય બીક ન હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. રાજસ્થાનના ગુઢાગૌડજી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખીંવાસર ગામ સ્થિત ઝાઝડિયાની ઢાણીમાં એક દલિત યુવક સાથે લૂંટફાટ અને જીવલેણ મારામારીની ઘટના સામે આવી છે. પીડિતે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ તેનું અપહરણ કરી, નગ્ન કરી, બળજબરીથી દારૂ પીવડાવી ટ્રેક્ટર સાથે બાંધીને ઢોર માર માર્યો હતો.

ઘટના શું હતી?

પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, ઝાઝડિયાની ઢાણીના રહેવાસી પવન મેઘવાલે ગુઢાગૌડજી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોમવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ પીડિત પવન મેઘવાલ ગામમાં આવેલી દેવીસિંહની દુકાને બેઠો હતો. તે દરમિયાન ગામનો જ માથાભારે શખ્સ રાકેશ દડિયા ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપી રાકેશ દડિયાએ પવન મેઘવાલને ધાકધમકી આપી બળજબરીપૂર્વક પોતાના ટ્રેક્ટર પર બેસાડી દીધો હતો અને તેને ગામથી દૂર એક અવાવરુ તેમજ સુમસામ જગ્યાએ લઈ ગયો હતો.

આ પણ વાંચો: કડીની 15 વર્ષની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ

દલિત યુવકને નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો

સુમસામ જગ્યાએ પહોંચ્યા બાદ આરોપીએ પીડિત દલિત યુવક પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. પીડિત પવન મેઘવાલે આક્ષેપ કર્યો છે કે આરોપી રાકેશે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના સૌપ્રથમ તેના બધા કપડાં ઉતરાવી દીધા હતા અને તેને સંપૂર્ણપણે નગ્ન કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ પવનને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીએ પવન મેઘવાલને કથિત રીતે ટ્રેક્ટરના પાછળના ભાગે દોરડાથી બાંધી દીધો હતો અને ટ્રેક્ટર ચલાવીને તેને જમીન પર ક્રૂરતાપૂર્વક ઘસડ્યો હતો, જેના કારણે પીડિતને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

દલિત યુવકની સોનાની ચેઈન પર લૂંટી લીધી

એટલું જ નહીં, આરોપીએ પીડિત યુવક સાથે લૂંટફાટ પણ ચલાવી હતી. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી રાકેશ દડિયાએ પીડિત પવનના ગળામાંથી સોનાની ચેઈન તોડી લીધી હતી અને તેની ખિસ્સામાં રહેલી રોકડ રકમ પણ બળજબરીથી કાઢી લીધી હતી. આ ભયાનક ઘટના બાદ લૂંટ અને મારપીટ કરી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પીડિત પવને કોઈક રીતે પોતાના પરિવારના સભ્યોનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી. પરિવારજનોએ તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોઈને પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: લાઠી નિલેશ રાઠોડ હત્યાકાંડમાં NHRC એ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

દલિત યુવક સાથે થયેલી આ ક્રૂર અને અમાનવીય ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગુઢાગૌડજી પોલીસ પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ આદરી હતી. ટેકનિકલ સેલ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે મુખ્ય આરોપી રાકેશ દડિયાને ખીંવાસર ગામમાંથી જ દબોચી લીધો હતો.

પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી લીધી છે અને આ મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં કાનૂની તપાસ આગળ ધપાવી છે.

આ પણ વાંચો: દલિત પરિવાર ઘર વેચી દે તે માટે સરપંચે ઘર આસપાસ ગંદું પાણી ભરાવ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x