ચંદુ મહેરિયા
આર. વેંકટરમણ (૧૯૧૦-૨૦૦૯) ભારતના આઠમા રાષ્ટ્રપતિ હતા. ૨૫.૦૭.૧૯૮૭ થી ૨૫.૦૭.૧૯૯૨ ના તેમના કાર્યકાળ દરમિયાન, લગભગ સાડા ત્રણ દાયકા પહેલાં ૧૯૯૧માં, તેમણે તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરને સંસદ અને રાજ્યોની વિધાનસભાઓ સમક્ષ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના અભિભાષણની પ્રથા બંધ કરવા ભલામણ કરી હતી. તેમના મતે આ પ્રથા બ્રિટિશ કાળની નકામી ઔપચારિકતાનો વારસો છે. આ વિચારનું તે સમયની તમિલનાડુ સરકારે પણ સમર્થન કર્યું હતું.
બંધારણના અનુચ્છેદ ૮૭ અને ૧૭૬ અનુસાર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ સરકારની નીતિઓ, યોજનાઓ અને સિદ્ધિઓ અંગે ભાષણ આપવાનું હોય છે. તેથી વેંકટરમણની ભલામણનો અમલ કરવા માટે બંધારણીય સુધારો કરવો પડે. જોકે આ ભલામણ માત્ર એક ભલામણ જ બની રહી અને તેનો આજદિન સુધી અમલ થયો નથી. હા, આ વિચાર અંગે અવારનવાર ઊહાપોહ થતો રહે છે.

આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ પહેલાંના સત્રારંભે તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ ચૂંટાયેલી સરકારના મંત્રીમંડળે તૈયાર કરેલું ભાષણ વાંચવાનો ઇનકાર કર્યો હતો. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી વિધાનસભામાં તો આવે છે પરંતુ તેમનું ભાષણ રજૂ કરતા નથી. કેરળના રાજ્યપાલો ત્યાંની ડાબેરી સરકારની કેબિનેટે સ્વીકૃત કરેલા ભાષણમાં સુધારા કરતા હતા,
આ પણ વાંચો: ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?
જે કોઈપણ રીતે સ્વીકાર્ય અને બંધારણીય નહોતું. ૨૦૨૬માં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે કેરળ સરકારને કેન્દ્રની નીતિઓના કારણે કેવી નાણાકીય મુશ્કેલીઓ વેઠવી પડે છે તે ભાગ વાંચ્યો નહોતો. રાજ્યપાલનો આ વ્યવહાર ન માત્ર અનુચિત હતો પણ રાજકીય પણ હતો. રાજ્યપાલોના આ પ્રકારના વર્તનથી રાજભવનો અને વિપક્ષી રાજ્ય સરકારો વચ્ચે ટકરાવ થાય છે અને આ બંધારણીય હોદ્દો ન માત્ર વગોવાય છે પરંતુ તેની પ્રસ્તુતતા સામે પ્રશ્નાર્થો પણ ઊભા થાય છે.
રાજ્યપાલ બંધારણીય રીતે રાજ્યના વડા છે. તેમના નામે અને તેમની સહીથી રાજ્યનો વહીવટ થાય છે. આ પદ પરંપરા, ગરિમા અને કેન્દ્ર-રાજ્ય સંબંધો વચ્ચેના સેતુનું પ્રતીક છે. સંવિધાનના અનુચ્છેદ ૧૫૭માં રાજ્યપાલના પદ માટે ૩૫ વર્ષ કરતાં વધુ વય, ભારતના નાગરિક અને રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત જેવી જોગવાઈઓ છે. પરંતુ આઝાદીના આરંભથી જ આ પદ રાજકીય સન્યાસ કે નિવૃત્તિ લીધેલા રાજનેતાઓ, નિવૃત્ત અધિકારીઓ અને સરકારોના પ્રીતિપાત્ર લોકો માટે અનામત રહ્યું છે.

રાજ્યપાલ બંધારણ મુજબ રાજ્યના પ્રધાનમંડળની સલાહ મુજબ કામ કરવા બંધાયેલા છે. તેમનું કર્તવ્ય છે કે તેઓ બંધારણીય મર્યાદાઓ સ્વીકારીને કામ કરે. તેઓ બંધારણના પ્રહરી કે સંરક્ષકની ભૂમિકામાં છે. ૧૯૬૭ સુધી ભારતમાં એક પક્ષના પ્રભાવની પ્રથા જોવા મળતી હતી. આજની ભાષામાં કહીએ તો કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસની ‘ડબલ એન્જિન’ સરકારો હતી, તેથી રાજ્ય સરકારો સાથે રાજ્યપાલો સુમેળથી કામ કરતા હતા અને કોઈ વિવાદ થતા નહોતા.
આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્ય SC આયોગ ક્યારે બનશે?
પરંતુ ૧૯૬૭ પછી ઘણાં રાજ્યોમાં વિપક્ષી સરકારો ચૂંટાતાં રાજ્યપાલોએ તેમની બંધારણના પ્રહરી તરીકેની ભૂમિકા છોડીને કેન્દ્ર સરકારના કે કેન્દ્રના સત્તાપક્ષના હિતોના સંરક્ષકની ભૂમિકા ભજવવા માંડી હતી, જે આજદિન સુધી અટકી નથી. કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતાં કેટલાક અપવાદો સિવાય રાજ્યોમાં રાજ્યપાલો પણ બદલાય છે અને કેન્દ્ર તેના ગમતા માણસોને રાજ્યપાલ બનાવે છે, જે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવા સમયે કામ લાગે છે.
જ્યારે કેન્દ્ર કે રાજ્યમાં ચૂંટણી પછી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે ત્યારે બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોની વિશેષ ભૂમિકા રહેતી નથી અને તેઓ સ્પષ્ટ બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન કે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરે છે. પરંતુ જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળે ત્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કસોટી પર ચઢે છે. આ સ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે બંધારણ મૌન છે, પરંતુ અદાલતી ચુકાદાઓ અને પરંપરા પ્રમાણે સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું જોઈએ. આ પક્ષ કે નેતા પાસે બહુમતી છે કે નહીં તે લોકસભા કે વિધાનસભાના ગૃહમાં સ્પષ્ટ થવું જોઈએ. વડાપ્રધાન કે મુખ્યમંત્રીની બહુમતીની પરીક્ષા કરવાનું સ્થળ રાષ્ટ્રપતિ ભવન કે રાજભવન ન હોઈ શકે.
આ પણ વાંચો: ડો. હર્ષ આપઘાત-એટ્રોસિટી કેસમાં 2 મહિલા ડોક્ટરની ધરપકડ
ત્રિશંકુ કે સ્પષ્ટ બહુમતીના અભાવમાં કેવો બંધારણીય વિવેક દર્શાવવાનો હોય તેના પણ ઉદાહરણો આપણી સામે છે. ૧૯૯૬માં ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માએ સૌથી મોટા પક્ષના નેતા તરીકે ભાજપના અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા નિમંત્રણ આપ્યું હતું અને વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. વાજપેયી પાસે લોકસભામાં બહુમતી નહોતી ત્યારે ભાજપ નેતા (હવે દિવંગત) સુષ્મા સ્વરાજે એવું નિવેદન આપ્યું હતું કે એકવાર સરકાર રચવાનું નિમંત્રણ મળવા દો પછી જુઓ સાંસદો આપોઆપ આપણી તરફ આવી જશે. પરંતુ એમ થયું નહીં અને વાજપેયી સરકાર બહુમતી પુરવાર કરી શકી નહીં.
૧૯૯૮ના ચૂંટણી પરિણામોમાં જ્યારે ભાજપ ૨૭૨ના બહુમતી આંકથી દૂર રહ્યો પરંતુ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો, ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને તેમના પુરોગામી કરતાં જુદી ભૂમિકા લીધી હતી. તેમણે ૨૭૨ લોકસભા સભ્યોના સમર્થન પત્રો મેળવ્યા પછી જ સરકારની રચના કરી હતી. આ બે રાષ્ટ્રપતિઓની ભૂમિકા કે મોડેલ અંગે રાજ્યોમાં થયેલા અમલ વિશે વિચારીએ તો શું જાણવા મળે છે? ઉત્તર પ્રદેશમાં જગદંબિકા પાલ, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને કર્ણાટકમાં યેદિયુરપ્પાને બહુમતી ચકાસણી કે પક્ષની સંમતિ વિના સત્તાસ્થાને બેસાડવાના ગવર્નરોના નિર્ણયોનો બૂરો અંજામ આવ્યો હતો. તેનાથી ધારાસભ્યોના ખરીદ-વેચાણને પ્રોત્સાહન મળી શકે છે. તમિલનાડુમાં એક્ટર વિજય જોસેફને બહુમતીમાં થોડી બેઠકો ખૂટતી હતી ત્યારે મુખ્યમંત્રી બનાવવામાં રાજ્યપાલે વિલંબ કર્યો અને સમર્થન પત્રો માગ્યા, તો રાજ્યપાલ પર ટીકાઓની ઝડીઓ વરસી હતી.
આ પણ વાંચો: RSS પ્રચારકને પોલીસે પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ફટકાર્યો
તમામ રાજ્યપાલો સત્તાપક્ષની ઈચ્છા મુજબ જ વર્તતા હોય ને નઠારા જ હોય તેવું પણ નથી. બહુ થોડા રાજ્યપાલો તેમની સત્તાની ઉપરવટ જઈને વર્ત્યા છે. વિપક્ષ શાસિત રાજ્યોમાં વિધાનસભાએ પસાર કરેલા વિધેયકોની મંજૂરીમાં રાજ્યપાલો અક્ષમ્ય વિલંબ કરે છે અને ચૂંટાયેલી સરકારોના કામમાં અડચણો નાખે છે તે વાત સાચી, પરંતુ જ્યારે આ મુદ્દો સર્વોચ્ચ અદાલત સમક્ષ આવ્યો ત્યારે તેણે રાજ્યપાલોને ટકોર જરૂર કરી, પરંતુ કોર્ટ પોતાની સત્તામર્યાદામાં રહીને વિધેયકો મંજૂર કરવાની સમયમર્યાદા બાંધવાથી દૂર રહી હતી.
વિપક્ષ શાસિત રાજ્યોના ગવર્નરો જ્યારે સત્તાપક્ષ શાસિત રાજ્યોના ગવર્નર બને છે ત્યારે કેવા ડાહ્યાડમરા થઈ જાય છે તે પણ આપણે જોયું છે અને જોઈ રહ્યા છીએ. એટલે કે રાજ્યપાલોની ભૂમિકા સાવ બંધારણની મર્યાદામાં રહી છે તેવું નથી; તેઓ બંધારણીય વિવેકના બહાને મર્યાદાહીન પણ થયા છે. વેંકટરમણે કહ્યું હતું કે રાજ્યપાલો પાસે રાજ્ય સરકારોના માઉથપીસ તરીકે કામ કરવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. સરોજિની નાયડુએ રાજ્યપાલોને સોનાના પિંજરમાં કેદ પંખી સાથે સરખાવ્યા હતા. એટલે આ બે સિવાય તેમની પાસે કોઈ ત્રીજી પસંદગી ન હોઈ શકે તે માનીને રાજ્યપાલો પરંપરા અને બંધારણને ધ્યાનમાં રાખે તો ગંગા નાહ્યા.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)
આ પણ વાંચો: મહિલાના શરીર પર માત્ર તેનો જ હક કેમ નહીં?











