હવે ગુજરાતમાં સરકારી શાળામાં પ્રવેશ્યા તો તમારા પર કેસ થશે?

ગુજરાતની સરકારી શાળાઓની દુર્દશા અને સુવિધાઓનો અભાવનો ભાંડો ફૂટી જતા સરકારે હવે બહારની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે!
દલિત સમાચાર

ગુજરાતમાં શિક્ષણના મોડેલ અને ‘વિકાસ’ના મોટા-મોટા દાવાઓ વચ્ચે ગુજરાત સરકારે એક નવો અને વિવાદસ્પદ પરિપત્ર બહાર પાડ્યો છે. ગુજરાતની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષા અને પ્રાયવસીના નામે બહારની કોઈપણ વ્યક્તિના વગર મંજૂરીએ પ્રવેશ કરવા પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવેથી શાળા પરિસરમાં પ્રવેશવા માટે શાળાના આચાર્ય કે સંસ્થાના વડાની પૂર્વ લેખિત પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. પરંતુ આ પરિપત્ર પાછળ બાળકોની સુરક્ષા કરતાં પણ વધુ સરકારી શાળાઓની બદ્દતર હાલત લોકો સમક્ષ આવતી અટકાવવાનો મલીન ઈરાદો સ્પષ્ટપણે છતો થઈ રહ્યો છે.

દુર્દશાની પોલ ખોલતા વીડિયોથી સરકાર ગભરાઈ

અહીં એ યાદ રાખવું જોઈએ કે, થોડા સમય પહેલાં દેશભરમાં CJP અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ દેશ સામે લાવવા માટે ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગામડાઓ અને નગરોમાં આવેલી સરકારી શાળાઓમાં જઈને જર્જરિત ઓરડા, પીવાના પાણી અને શૌચાલય જેવા સાધનોનો અભાવ, ખુલ્લામાં ભણતા બાળકો અને શિક્ષકોની અછતની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી.
આ વીડિયોના કારણે ભાજપ અને નરેન્દ્ર મોદી સરકારના ‘ગુજરાત શિક્ષણ મોડેલ’ના મોટા-મોટા દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો હતો. શાળાઓના વાસ્તવિક ચિત્રથી સરકારની ભારે ફજેતી થઈ હતી. હવે ભવિષ્યમાં કોઈ પણ નાગરિક, પત્રકાર કે વિપક્ષી નેતા સરકારી શાળાઓની આ બદ્દતર હાલતની પોલ ન ખોલી શકે તે માટે સરકારે નીતિ-નિયમોનું બહાનું આગળ ધરીને જનતાના પ્રવેશ પર જ તાળાં મારી દીધા હોવાની આકરી ટીકાઓ થઈ રહી છે.

પરિપત્રના નામે કડક નિયમો અને પોલીસ કાર્યવાહીની ધમકી

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્ર મુજબ, હવે શાળા પરિસરમાં પ્રવેશવા માટે માત્ર તે જ સરકારી અધિકારીઓને છૂટ મળશે જેઓ તેમની સત્તાવાર ફરજ માટે નિયમસર અધિકૃત હોય. અન્ય દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે. વર્ગખંડ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, રમતનું મેદાન, છાત્રાલય કે શૌચાલય જેવા વિસ્તારોમાં આચાર્ય કે અધિકૃત શિક્ષકની સાથે જ લેખિત મંજૂરીથી જઈ શકાશે.

આ પણ વાંચોઃ સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!

એટલું જ નહીં, આચાર્યની લેખિત પરવાનગી વગર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યુ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ પર પણ સંપૂર્ણપણે રોક લગાવી દેવાઈ છે. જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર શાળામાં પ્રવેશ કરે, અનધિકૃત ફોટોગ્રાફીનો પ્રયાસ કરે કે કામગીરીમાં અવરોધ ઊભો કરે, તો તાત્કાલિક સ્થાનિક પોલીસ, જિલ્લા શિક્ષણધિકારી (DEO) તથા પ્રાથમિક શિક્ષણધિકારીને જાણ કરીને સખત કાયદાકીય કાર્યવાહી સૂચવાઈ છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો (POCSO) એક્ટ 2012, કિશોર ન્યાય અધિનિયમ 2015 અને આઈટી એક્ટ 2000 હેઠળ ગુનો નોંધવા સુધીની જોગવાઈ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા સવાલો

સરકારના આ તાશાશાહી નિર્ણય સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એક્સ (X) પર આકરી ઝાટકણી કાઢતાં લખ્યું છે કે, “પ્રચાર માટે બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર નાખી દેતા નેતાઓને આજે અચાનક બાળ અધિકાર અને કલમ-21 યાદ આવી ગઈ! શાળાઓની બદહાલી સુધારી ન શકાય એટલે મોબાઈલના કેમેરા સુધારવા નીકળ્યા છે! પ્રવેશોત્સવ વખતે બાળકો ‘વોટબેંકનું મોડેલ’ અને જનતા સવાલ પૂછે ત્યારે ‘પ્રાયવસી’? વાહ રે બેવડા ધોરણો!”

સરકારના પોતાના કાર્યક્રમો કે ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા પ્રચાર ઝુંબેશ વખતે કેમેરા સામે બાળકોનો ઉપયોગ કરવામાં સરકારને કોઈ પ્રાયવસીનો ભંગ દેખાતો નથી, પરંતુ જ્યારે સામાન્ય જનતા કે મીડિયા સુવિધાઓનો અનાદર અને ભ્રષ્ટાચાર છતો કરે ત્યારે ગોપનીયતાનો મુદ્દો આગળ ધરી દેવામાં આવે છે. શાળાઓનું માળખું અને શૈક્ષણિક સ્તર સુધારવાને બદલે સત્ય છુપાવવા માટે સરકારે ઘડેલો આ નિયમ લોકશાહીના મૂલ્યો પર મોટો પ્રહાર સમાન ગણાવાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x